રોપવેની મજા માણવા આવતા પ્રવાસીઓને રોપવેની સફરની મઝા અધુરી રહી

છેલ્લા ચાર દિવસથી પવનદેવનું વિઘ્ન નડતા જૂનાગઢના ગરવા ગિરનાર ઉપર આવેલા રોપવે બંધ રાખવાની રોપવે સંચાલકોને ફરજ પડી છેે. જેના કારણે રોપવેની મજા માણવા જુનાગઢ આવતા પ્રવાસીઓને રોપવેની સફર કર્યા વગર પરત જવું પડી રહ્યું છે.

ગત શુક્રવારે રાત્રીના ગિરનાર પર્વત ઉપર એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન ફૂંકાવાનો શરૂ થયો હતો. ત્યારબાદ આજે સતત ચોથા દિવસે પણ ગિરનારની ઉપર આવેલો રોપવેના સાત નંબરના પોલથી લઈને 9 નંબરના પોલ સુધીના વિસ્તારમાં લગભગ 70 કિલોમીટરથી વધુના ઝડપે પવન ફુંકાઈ રહ્યા હોવાના કારણે શનિવાર સવારથી આજે મંગળવાર સુધી ચાર દિવસ દરમિયાન રોપવે ની તમામ ટ્રીપ બંધ રાખવાની સંચાલકોને ફરજ પડી છે.

એક તરફ વેકેશન ચાલી રહ્યું છે અને ગુજરાત સહિત સમગ્ર ભારત દેશમાંથી પ્રવાસીઓ જૂનાગઢના પ્રવાસે આવી રોપ-વેની રોમાંચક મજા માણવા પહોંચી રહ્યા છે ત્યારે છેલ્લા ચાર દિવસથી રોપવે બંધ રહેતા પ્રવાસીઓની મજા બગડી રહી છે અને મોજ ભરેલી રોપ-વેની સફર કર્યા વગર  પ્રવાસીઓને પરત જવું પડી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.