અગવડતા વચ્ચે પણ જીવનનો સાચો આનંદ મળે છે પરિક્રમામાં: અબતક સાથેની મુલાકાતમાં પૂર્વ વન અધિકારી સી.એમ. વરસાણીએ વર્ણવી પ્રકૃતિની રસપ્રદ વાતો
અબતક, રાજકોટ
ગિરનાર એટલે નજરે દેખાય એવો દેવ. ગિરનાર એટલે જાગતી જયોત. ગિરનાર એટલે જાણે આડે પડખે પડેલો જટાળો જોગી ! આવા ગિરનારની 36 કિલોમીટર લાંબી પરીક્રમા કરવી એ જીવનનો એક લ્હાવો ગણાય છે અત્યાર સુધી આપણે ગિરનારની લીલીપરીક્રમાને માત્ર આધ્યાત્મીક નજરે જોઈ હતી પણ હવે તેને પર્યાવરણીય દ્રષ્ટ્રીકોણથી જોવામાં આવી રહી છે. ગિરનારની પરિક્રમા કરવી એટલે પ્રકૃતિનો ખોળો ખુદવો પ્રકૃતિના સંગાથે રહીને આખા વર્ષનું શારીરીક તથા માનસીક રિચાર્જિગ કરવું હોય તો ગિરનારની લીલી પરીક્રમા અવશ્ય કરવી જોઈએ. અબતકે ગિરનારની પરિક્રમાના પ્રકૃતિ અને પર્યાવરણીય પાસાને ધ્યાનમાં રાખી વનવિભાગના પૂર્વ ઓફીસર અને પર્યાવરણ શાસ્ત્રી સી.એમ. વરસાણી સાથે ખાસ સંવાદ કર્યો જેના અંશો અત્રે પ્રસ્તુત છે.
અગવડતા છતા પ્રકૃતિની સંગાથે ગજબની ફીલ આવે!
આપણે આપણા ગામ કે શહેરમાં હોય તો આપણું બોડીકલોક આપણને સંભળાતુ નથી જંગલમાં તમે જાવ તો તમને તમારા જ હાર્ટબીટ સંભળાય છે ! પ્રકૃતિ વચ્ચે તમને પૂરતું એકાંત ફીલ થાય છે. ભલે ત્યાં લોકોનો ધસારો જાજો હોય છે છતા તમે નિરાંતનો અનુભવ કરી શકો છો.
પ્રકૃતિપૂજા એ જ ઈશ્વર પૂજા છે
ઈશ્ર્વરને આપણે નરી આંખે જોઈ શકતા નથી પણ ઈશ્ર્વરે સર્જેલા પ્રકૃતિના તત્વો જેવા કે વૃક્ષ, નદી, ઝરણા, પહાડ વગેરેને નરી આંખે જોઈ શકીએ છીએ આ તત્વો નું શોષણ ન કરી અને તેનું પોષણ કરીએ તે પ્રકૃતિની પૂજા કહેવાય અને પ્રકૃતિની પૂજા એજ ઈશ્ર્વર પૂજા ગણાય.કેટલાક લોકો પરિક્રમા કરવામાં ડર અનુભવતા હોય છે કે ત્યાં ઝેરી જાનવરો અને હિંસક પશુઓ હોય તો આપણને નુકશાન કરે પરંતુ માણસને બાદ કરતા કોઈ જીવ કયારેય અકારણ હુમલો કરતો નથી એટલે એવો કોઈ ડર રાખવાની જરૂર નથી.
ગિરનારની પરિક્રમાનું પર્યાવરણીય મહાત્મ્ય અનેરૂ…
પરિક્રમાનું ધાર્મિક મહત્વતો છે જ પણ પ્રકૃતિ અને પર્યાવરણીય મહત્વ શું ? એ અંગે વાત કરતા સી.એમ.વરસાણીએ જણાવ્યું કે, દિવાળી પછી વરસાદની સીઝન પૂરી થઈ હોય પ્રકૃતિ સોળે કળાએ ખીલી હોય ઝરણા વહેતા હોય આકાશ ચોખ્ખુ થઈ ગયું હોય આવા વખતે પરિક્રમા આવે છે. ત્યારે 36 કિલોમીટરની આ પરિક્રમા કરવાથી પ્રકૃતિ સાથે રહેવાનો પ્રકૃતિનો ખોળો ખુંદવાનો અવસર આપણને મળે છે અને પગે ચાલવું જંગલમાં જ સુઈ રહેવું રાત્રે તારા જોવા જેવી બાબતો ત્યાં સરળતાથી થઈ શકે છેે. એટલે ઓકિસજન તો પૂરતો મળે જ છે સાથે સાથે આખા વર્ષનું રીચાર્જ પણ થઈ જાય છે.
હવે ગામે ગામ જંગલો ઉભા કરવા પડશે…
આપણી પાસે ગિરનાર, સાંસણ જેવા જંગલો છે પણ વધતી વસ્તીને કારણે હવે ગામે ગામ જંગલો ઉભા કરવા પડશે. કેમકે કોરોના જેવી મહામારી ગમે ત્યારે આવી શકે છે. વળી કલાઈમેટ ચેંજને કારણે તાપમાન વધ્યુ છે.એટલે મીયાવાકી પધ્ધતીથી બનતા જંગલો ગામે ગામ ઉભા કરવા પડશે. સદભાવના ચેરેટેબલ ટ્રસ્ટ દ્વારા હાલ 92 જંગલો ઉભા કરવામા આવ્યા છે. જયાં 5 લાખથી વધુ વૃક્ષો લહેરાઈ રહ્યા છે.
સોસાયટીના કોમન પ્લોટમાં પણ નાનકડુ જંગલ સર્જી શકાય
આજે આપણી પાસે જગ્યાનો અભાવ છે છતા ગામમાં ખરાબો કે શહેરોના સોસાયટીના કોમન પ્લોટમાં નાના જંગલનું નિર્માણ કરી શકાય છે. ત્યાં મીયાવાકી પધ્ધતીથી અલગ અલગ પ્રજાતીના વૃક્ષો વાવીને જંગલની ફીલ લઈ શકાય છે.
પરિક્રમા પ્રકૃતિને સમજવામાં બને છે મદદરૂપ
પ્રકૃતિના અનેક ઘટકો જેમકે પર્વત, વૃક્ષો, ઝરણા, પક્ષીઓ, પશુઓ, વગેરે સાથે પરિક્રમા દરમ્યાન આપણો મેળાપ થાય છે ગિરનારમાં 700થી વધુ પ્રકારની વનસ્પતિ છે. ત્યારે તેની વચ્ચે 24 કે તેથી વધુ કલાક રહેવાથી આપણને પ્રકૃતિથી પ્રેમ થાય છે પરિક્રમા દરમ્યાન થોડા કષ્ટ વેઠવા પડે છે. ત્યાં મોબાઈલ ટાવર પણ આવતો નથી. એટલે આપણું જીવન એકદમ નૈસર્ગીક બની જાય છે. આમ પરિક્રમા પ્રકૃતિ સાથે જીવતા શીખવે છે.
યુવાનો પર્યાવરણના હેતુથી પરિક્રમા કરે છ
વૃધ્ધો અને પ્રૌઢો ધાર્મિક દ્રષ્ટીકોણથી ગિરનારની પરિક્રમામાં જાય છે. તો યુવાનોની સંખ્યા હવે પરિક્રમામાં વધી છે તેઓ પર્યાવરણના હેતુથી પરિક્રમા કરવા લાગ્યા છે ભલે આધ્યાત્મિક બાબત પણ તેઓ સમજે છે છતા તેમનું મુખ્ય ધ્યેય પ્રકૃતિના ખોળે રહેવાનું છે.
પરિક્રમામાં પ્લાસ્ટીક લઈ જવા પર પ્રતિબંધ મૂકવો અનિવાર્ય
વાઈલ્ડ લાઈફ કંઝર્વેશન ટ્રસ્ટના શિતલબેન સુરાણીની ‘અબતક’ સાથે વાતચીત
રાજકોટનું વાઈલ્ડ લાઈફ કંઝર્વેશન ટ્રસ્ટ પરિક્રમા પૂર્ણ થાય ત્યારે પરિક્રમાના રૂટ પરથી ટનબંધ પ્લાસ્ટીકનો કચરો એકત્ર કરે છે. ટ્રસ્ટના સંચાલીકા શિતલબેન સુરાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે અમે પરિક્રમાના આગલા દિવસે ત્યાં પહોચી જઈએ છીએ અને લોકોને કપડાની થેલી, કાગળના ખાખીબેગ અને પસ્તી આપીએ છીએ લોકો પાસે પ્લાસ્ટીકની થેલીઓ હોય તો અમે તે લઈને તેના બદલામાં કાગળ અને કાપડની થેલી તેમને આપીએ છીએ.
તેમણે કહ્યું કે આ વખતે અમે કાપડની 18 હજાર થેલીઓ તૈયાર કરી છે. અને 400 કિલો ખાખી કાગળની બેગો બનાવી છે. અમારા 25 સ્વયંસેવકો ત્યાં સેવામાં હશે પણ પરિક્રમા પૂર્ણ થયા પછી ટન મોઢે પ્લાસ્ટીકનો કચરો અમને હાથ લાગશે. આનુ સોલ્યુશન એક જ છે. વૈશ્ર્નોદેવી અને અમરનાથની જેમ સરકાર ગિરનારની પરિક્રમામાં પ્લાસ્ટીક લઈ જવા પર પ્રતિબંધ મૂકે.
પરિક્રમા એટલે રૂટીન જીદગીમાં બ્રેક
જેમ આપણે અમુક વખતે મોબાઈલની બેટરી ચાર્જ કરીએ છીએ એમ આપણી જીંદગીને પણ સમયાંતરે ચાર્જ કરવી પડે. પરિક્રમા બેટરી રીચાર્જ કરવાનું કામ કરે છે. ત્યાં ઓકિસજન તો પૂરતો છે જ સાથે સાથે પ્રકૃતિના અન્ય તત્વોનો પણ તમને સહવાસ મળે છે. આપણી રૂટીન ભાગદોડવાળી જીંદગીમાંથી બે દિવસ ઉપયોગી બ્રેક મળે છે.
લોકો પરિક્રમામાં પ્લાસ્ટીકનો કચરો ન કરે
પરિક્રમામાં દર વખતે 8 થી 10 લાખ લોકો આવતા હોય છે ત્યારે સંકડો ટન પ્લાસ્ટીકનો કચરો પરિક્રમા પછી એકત્ર થાય છે. જેમાં પ્લાસ્ટીકની થેલીઓ, પાણીના પાઉચ, પાણીની બોટલો, વગેરે મુખ્ય હોય છે. વળી નાસ્તાના પેકેટો પણ ખૂબ હાથ લાગે છે ત્યારે લોકોએ બને ત્યાં સુધી પ્લાસ્ટીક સાથે ન લઈ જવું જોઈએ અથવા જરૂરી હોય તો ડસ્ટબીનમાં નાખવુ જોઈએ.