નલીયાનું લઘુત્તમ તાપમાન 12.6 ડિગ્રી, અમરેલીનું તાપમાન 13.6 ડિગ્રી અને રાજકોટ 15.2 ડિગ્રી સાથે ધુર્જ્યા
ગુજરાતમાં ચૂંટણીના ગરમાવા વચ્ચે ઠંડીનું જોર ધીમે-ધીમે વધી રહ્યું છે. ડિસેમ્બરના આરંભથી કડકડતી ઠંડી પડવાનું શરૂ થઇ જશે. જૂનાગઢમાં ગીરનાર પર્વત પર લઘુત્તમ તાપમાનનો પારો 8.8 ડિગ્રી સુધી પહોંચી જતા સહેલાણીઓ થર-થર ધ્રૂજી ઉઠ્યા હતા.
સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં શિયાળો હવે ધીમે-ધીમે જમાવટ કરી રહ્યો છે. આજ અનેક શહેરના લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. આજે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 12.3 ડિગ્રી સેલ્શીયસ, અમરેલીનું તાપમાન 13.6 ડિગ્રી સેલ્શીયસ, ભાવનગરનું તાપમાન 16.7 ડિગ્રી, ડિસાનું તાપમાન 14 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 11.3 ડિગ્રી, નલીયાનું તાપમાન 12.6 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 14 ડિગ્રી, રાજકોટનું તાપમાન 15.2 ડિગ્રી જ્યારે જૂનાગઢનું તાપમાન 13.8 ડિગ્રી સેલ્શીયસ નોંધાયુ હતું. સામાન્ય રીતે જૂનાગઢ શહેર કરતા ગીરનાર પર્વત પર પાંચ ડિગ્રી તાપમાન ઓછું રહેવા પામે છે. ગિરનાર પર્વત પર આજે લઘુત્તમ તાપમાન 8.8 ડિગ્રી સેલ્શીયસ નોંધાયુ હતું.
ગુજરાતમાં ડિસેમ્બર માસમાં શિયાળો બરાબરની જમાવટ કરશે અને હાડ થીજાવતી ઠંડીનો દોર શરૂ થશે. હવે ઠંડીનું પ્રમાણ સતત વધતું રહેશે. ઠંડીની સિઝન શરૂ થતા શાકભાજીના ભાવો ઘટ્યા છે. લોકો તંદુરસ્તી વધારતા ખોરાક તરફ વધ્યા છે.