૪૦.૪૬ મિનીટના સમય સાથે જુનિયર બહેનોમાં પારૂલ વાળા અને ૫૯.૩૨ મિનીટના સમય સાથે જુનિયર ભાઈઓમાં લલીતકુમાર નિશાદ પ્રથમ
જૂનાગઢ ગુજરાત રાજ્ય રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર, કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ તથા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજીત ૩૫ મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા આજે રવિવારે સવારે ૬:૩૦ કલાકે સાંસ્કૃતિક મંચ મહંત મંગલનાથજીના આશ્રમ પાસે ગિરનાર તળેટી ભવનાથ ખાતેથી મેયર ધીરુભાઈ ગોહેલના હસ્ત્તે ફ્લેગ ઓફ કરાવવામાં આવી હતી. સાથે જિલ્લા કલેક્ટર સૌરભ પારઘી તેમજ મહાનગર પાલિકા કમિશનર તુષાર સુમેરા શહીત રાજકીય તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ગઈકાલે વહેલી સવારના સુમારે ગિરનાર પર ૭’ ડિગ્રી તાપમાનમાં ૧૪૮૯ સ્પર્ધકોએ દોડ લગાવી હતી.
ગિરનારની સ્પર્ધા માટે સવારે ૭ કલાકે પ્રથમ સ્પર્ધા ભાઇઓથી શરૂ થઇ હતી. તેમજ બીજા તબક્કામાં સવારે ૯ કલાકે બહેનોની સ્પર્ધા શરૂ કરવવામાં આવી હતી.સિનિયર ભાઈઓમાં જૂનાગઢની બહાઉદીન કોલેજના વિદ્યાર્થી લાલા ચિમનભાઈ પરમારે ૫૭.૩૬ મિનિટમાં ગિરનાર સર કર્યો હતો.
તેમજ સિનિયર બહેનોમાં પ્રથમ પ્રિયંકા ભૂત ૩૮.૨૧ મિનિટમાં ગિરનાર ચડી હતી. જ્યારે જુનિયર સ્પર્ધકોમાં ૪૦.૪૬ મીનીટના સમય સાથે જુનીયર બહેનોમાં પારૂલ વાળા અને ૫૯.૩૨ મીનીટના સમય સાથે જુનીયર ભાઈઓમાં લીલતકુમાર નિશાદ પ્રથમ રહ્યા હતા સ્પર્ધાના અન્ય વિજેતાઓમાં અનુક્રમે દ્રીતીય અને તૃતીય સ્થાનમાં સીનીયર બહેનોમાં ગરચર વાલીબેન ૪૧.૩૨ મીનીટ, સોલંકી દિપીકા ૪૧.૩૬ મીનીટ, સીનીયર ભાઈઓમાં સોલંકી સુનીલ ૬૧.૪૦ મીનીટ સાથે બીજા સ્થાને ભીલાળા મોહન ૬૨.૧૫ મીનીટ સાથે તૃતીય સ્થાને વિજેતા થયા હતા. જુનીયર ભાઈઓમાં સુનીલ જીણાભાઈ ૬૫.૩૫ મીનીટ સાથે બીજા અને જયકુમાર રામ ૬૬.૧૯ મીનીટના સમય સાથે તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતુ.
વિજેતા સ્પર્ધકોને જૂનાગઢ કોર્પોરેશન દ્વારા રૂ.૧ લાખ અને રાજય સરકાર દ્વારા ૬૬ હજાર ઉપરાંત પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરાયા હતા રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ભાઈઓ બહેનો સહિતના ૧૪૮૯ પૈકી સીનીયર ભાઈઓમાં ૪૬૫,જુનીયર ભાઈઓમાં ૪૦૩,સીનીયર બહેનોમાં ૧૦૨ અને જુનીયર બહેનોમાં ૧૫૦ એમ કુલ ૧૧૨૦ સ્પર્ધકો સહભાગી થયા હતા. આ સ્પર્ધા ભાઇઓ માટે અંબાજી સુધી ૫૫૦૦ પગથિયા ૨ કલાકમાં ચઢીને ઉતરવાના અને બહેનો માટે માળી પરબ સુધી ૨૨૦૦ પગથિયા ૭૫ મીનીટમાં ચડીને ઉતરવાના હોય છે. ૫૭૫ ભાઈઓ અને ૧૯૪ બહેનોએ સમય મર્યાદામાં સ્પર્ધા પૂરી કરી હતી..દર વર્ષે યોજાનારી રાજ્યકક્ષાની ગિરનાર સ્પર્ધામાં વિવિધ જિલ્લાઓમાંથી ભાઈઓ-બહેનો ભાગ લેવા આવે છે.
સ્પર્ધાની સાથે સાથે ઉપસ્થિત સ્પર્ધકોએ સ્થાનિક નબળી નેતાગીરીને કારણે આ ૩૫ મી ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા પછી પણ રાજ્ય સરકાર દ્વારા આયોજિત આ સ્પર્ધા રાજ્ય સરકારની નોકરી મેળવતી વખતે તેમના મેરીટમાં ક્યાંય પણ આ સ્પર્ધાના સર્ટિફિકેટો માન્ય રખાતા નથી એવો વસવસો વ્યક્ત કર્યો હતો
ગિરનાર સ્પર્ધાને લઇને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અને અકસ્માત ના કિસ્સામાં તકેદારીના ભાગરૂપે ભવનાથ તળેટીથી લઇને અંબાજી સુધી પોલીસ, વન વિભાગ અને આરોગ્યની ટીમ તૈનાત રાખવામાં આવી હતી. આ ઉપરાંત સ્પર્ધા અને સ્પર્ધકોનું સતત મોનિટરિંગ થઈ શકે તે માટે ભવનાથ તળેટીથી અંબાજી સુધીના રૂટ પર ૧૨ જેટલા સી.સી.ટી.વી. કેમેરા લગાવવામાં આવ્યા હતા.