સ્ત્રીત્વનું હનન ક્યાંનો ન્યાય?
કેરળના કોલ્લમની શરમજનક ઘટના: મેટલ ડીટેકટરમાં બ્રાના હુકના લીધે બીપ અવાજ આવતો હોવાથી તમામ વિદ્યાર્થીનીઓ બ્રા કાઢે તો જ પરીક્ષા આપવા દેવાશે તેવો ફતવો જાહેર કરાયો
નિયમોની આડમાં સ્ત્રીત્વનું હનન આ ક્યાંનો ન્યાય છે ? આવી એક શરમજનક અને હલકાઈની છેલ્લી હદ વટાવતી ઘટના કેરળમાં કોલ્લમમાં સામે આવી છે. જ્યાં મેટલ ડીટેકટરમાં બ્રાના હુકના લીધે બીપ અવાજ આવતો હોવાથી તમામ વિદ્યાર્થીનીઓ બ્રા કાઢે તો જ પરીક્ષા આપવા દેવાશે તેવો ફતવો જાહેર કરી બ્રા કાઢવાની ફરજ પાડવામાં આવી હતી.
અહીં મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ આપવા આવેલી વિદ્યાર્થિનીઓની બ્રાનો હૂક જ્યારે મેટલ ડિટેક્ટરથી ચેક કર્યા બાદ મશીને બીપ અવાજ કરવાનું શરૂ કર્યું ત્યારે સ્ટાફે કહ્યું કે, બ્રા ઉતારી દો, નહીંતર પરીક્ષા આપવા દેવામાં આવશે નહિ.
જ્યારે કોલ્લમ પોલીસ વડા કેબી રવિએ આ મામલે એફઆઈઆર નોંધવાની વાત કરી છે. આ શરમજનક ઘટનાને લીધે પરીક્ષા કેન્દ્ર પર ઘણી છોકરીઓ રડતી જોવા મળી હતી.
આ શરમજનક કિસ્સો રવિવારે માર્થોમા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેક્નોલોજીમાં યોજાયેલી નિટની પરીક્ષામાં જોવા મળ્યો હતો. આ મામલામાં એક છાત્રાના પિતાએ પોલીસમાં એફઆઈઆર નોંધાવી છે. વિદ્યાર્થીનીનું કહેવું છે કે જ્યારે તેણે બ્રા કાઢવાની ના પાડી તો મહિલા કર્મચારીએ કહ્યું કે તે તેને પરીક્ષામાં બેસવા નહીં દે. કેન્દ્રમાં 90 ટકા છોકરીઓના ઇનરવેર દૂર કરવામાં આવ્યા હતા. છોકરીઓને તેમના જીન્સ ઉતારવા માટે પણ કહેવામાં આવ્યું હતું. પરીક્ષા આપીને જ્યારે તે બહાર આવી ત્યારે અંદરના વસ્ત્રો બહાર એક બોક્સમાં પડેલા જોવા મળ્યા હતા. પરીક્ષાના પ્રોટોકોલ મુજબ પરીક્ષાર્થી કોઈ પણ ધાતુની વસ્તુ લઈ જઈ શકતો નથી. બ્રામાંના હુક્સ મેટલના હોય છે. જો કે પરીક્ષા માટે જારી કરાયેલ એડવાઈઝરીમાં બેલ્ટનો ઉલ્લેખ છે, પરંતુ બ્રા કે અન્ડરગાર્મેન્ટનો નહીં.
પોતાની બ્રા ઉતારવાથી અપમાનિત અને શરમ અનુભવતા વિદ્યાર્થીના પિતા ગોપકુમાર સુરનાદે પોલીસને કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જારી કરાયેલ સત્તાવાર માહિતી બુલેટિનમાં મેટલ હુક્સવાળી બ્રા પર કોઈપણ પ્રકારના પ્રતિબંધનું સૂચન કરવામાં આવ્યું હતું. જ્યારે તેની પુત્રીએ તેના આંતરવસ્ત્રો ઉતારવાની ના પાડી, ત્યારે તેણે તેને પરીક્ષામાં ન બેસવાની ચેતવણી આપી. પિતાએ કહ્યું- મારી દીકરી ઘણા સમયથી આ પરીક્ષાની તૈયારી કરી રહી હતી. પણ તે બરાબર લખી શકી ન હતી આ ઘટનાથી દુ:ખી થઈને તે રડતી રડતી અમારી પાસે પાછી આવી. સ્ટાફે વિદ્યાર્થિનીઓને બળજબરીથી તેમના આંતરવસ્ત્રો ઉતારવા કહ્યું હતું.
જો કે, તે દરમિયાન, માર્થોમા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફર્મેશન ટેક્નોલોજીના અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે તેમનો કોઈ કર્મચારી આ તપાસમાં સામેલ નહોતો. બે એજન્સીઓને બાયોમેટ્રિક હાજરી અને ફ્રિસ્કિંગ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આ અંગેના નિયમો શું છે તેની અમને કોઈ જાણકારી નથી. એજન્સીનો સ્ટાફ જ આ તમામ તપાસ કરે છે.