શું એવો કોઈ કાયદો છે કે જે ગુનેગાર હોય તેને પ્રેમ કરતા રોકે? વડી અદાલતનો એનઆઈએને સવાલ
દેશભરમાં બહુચર્ચીત કેરળ લવ જેહાદ મામલે આજે વડી અદાલતમાં ચીફ જસ્ટીસ દિપક મિશ્રાની અધ્યક્ષતાવાળી ખંડપીઠે સુનાવણી હાથ ધરી હતી. આ કેસમાં યુવતીની સહમતી મુખ્ય આધાર હોવાનો મત વડી અદાલતે વ્યકત કર્યો હતો. આ મામલે અદાલતે હદીયા ઉર્ફે અખીલાને કોર્ટમાં હાજર થવા આદેશ આપી વધુ સુનાવણી તા.૨૭ નવેમબર સુધી મુલતવી રાખી છે.
આજે સુનાવણીમાં અદાલતે એનઆઈએને કેટલાક સવાલો કર્યા હતા. કોર્ટે હદીયાના પિતા પાસેથી એફીડેવીડ પણ લીધુ હતું. આ પહેલા હદીયાના પતિ દ્વારા કેરળ હાઈકોર્ટના ફેંસલા સામે અરજી કરવામાં આવી હતી. જેમાં કોર્ટે તેના લગ્ન કેન્સલ કરી દીધા હતા. આજે વડી અદાલતે સુનાવણીમાં એનઆઈએને સવાલ કર્યો હતો કે, શું કોઈ એવો કાયદો છે કે, જે ગુનેગાર હોય તેને પ્રેમ કરતા રોકે ? આ પહેલા એનઆઈએ દ્વારા કોર્ટમાં દલીલ કરાઈ હતી કે, ફોસલાવીને લગ્ન કરનાર ગુનેગાર હોય છે અને યુવતી એવી સ્થિતિમાં નથી કે તે કોઈપણ જાતનો ફેંસલો લઈ શકે.
કોર્ટે હદીયાના પિતાએ કેમેરાની સામે સુનાવણી કરવાની કરેલી અરજી પણ ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું હતું કે, સુનાવણી તો ઓપન કોર્ટમાં જ થશે. આ મામલે વિગત એવી છે કે, કેરળમાં હિન્દુ યુવતીને ફોસલાવી મુસ્લિમ યુવકે લગ્ન કર્યા હોવાના આરોપ લગાવી તેને લવ જેહાદ ગણાવી કેરળ હાઈકોર્ટે આ લગ્નના ફોક ગણાવ્યા હતા અને યુવતીને તેના પિતા પાસે મોકલી દીધી હતી.
આ કેસમાં એનઆઈએને તપાસ સોંપવામાં આવ્યા બાદ હદીયાના પતિ સફીન જહાંએ અરજી કરી હતી. અરજીમાં આરોપ લગાવાયો હતો કે, યુવતીના પરિવારજનો તેને ત્રાસ આપી રહ્યાં છે. અરજીમાં કહેવાયું હતું કે, યુવતી અખીલા અશોકન એક વીડિયોમાં કહી રહી છે કે, તે મુસ્લિમની જેમ રહેવા માંગે છે. તેમજ અરજીમાં માંગ કરાઈ હતી કે, સુપ્રીમ કોર્ટ યુવતીના પિતાને આદેશ આપે કે, તે યુવતીને કોર્ટમાં હાજર કરે. સફીન જહાંએ વકીલ કપીલ સીબલ અને ઈન્દિરા જયસિંહના માધ્યમથી કરેલી અરજીમાં લખ્યું હતું કે, તેની પત્ની સગીર વયની છે અને લગ્ન કર્યા બાદ તે કોઈ પણ ધર્મ માનવા માટે તેમજ કોઈની પણ સાથે રહેવા સ્વતંત્ર છે.