જૈન પરિવાર સાપુતારા ફરવા ગયાને પ્રેમીની મદદથી યુવતિએ કર્યા પરોણા
પોરબંદર શહેરની જલારામ કોલોનીમાં રહેતા જૈન પરીવારના બંધ મકાનમાં રૂ.૬.૮૪ લાખનાં ઘરેણાની ચોરીનો કમલાબાગ પોલીસ મથકના સ્ટાફે ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી નોકરાણી અને તેના પ્રેમીને પોલીસે ઉઠાવી લઈ મુદામાલ કબજે કરવા કાર્યવાહી હાથધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પોરબંદર શહેરના જલારામ કોલોની શેરી નં.૩માં રહેતા શૈલેષભાઇ નગીનભાઈ શાહ નામના વણીક વૃદ્ધે પોતાના મકાનમાં રૂ.૬.૮૪ લાખની ચોરીની કમલાબાગ પોલીસ મથકમાં શકદાર તરીકે ખારવા વિસ્તારમાં રહેતી નોકરાણી નમ્રતાબેન કાંતિભાઈ મસાણીનું નામ ફરિયાદમાં નોંધાવ્યું છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં ફરિયાદી શૈલેષભાઈ શાહ પરીવાર સાથે ગત તા.૧૩/૧૧ના રોજ સાપુતારા ફરવા ગયા હતા. જયાંથી પરત ફરતા ઘરમાં પડેલી સુટકેશમાં ઘરેણા ન હતા. જે અંગે નમ્રતાબેન પર શંકા જતા જે અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસની પુછપરછમાં નમ્રતાબેન ભાંગી પડતા તેણે ચોરી કર્યાની કબુલાત આપતા તેની સાથે અન્ય કોઈ સંડોવાયેલ છે કે કેમ તે અંગે તપાસ કરતા તેની સાથે પ્રિન્સ ઉર્ફે ડાડા અશોક કોસીયા હોવાનું જણાવતા પોલીસે પ્રિન્સ કોસીયાને ધરપકડ કરી બંને પાસેથી મુદામાલ કબજે કરવા પી.આઈ બી.એસ.ઝાલા સહિતના સ્ટાફે ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.