વડાપ્રધાન મોદીના ખાસ વિશ્વાસુ અને ભરોસાપાત્ર મનાતા મુર્મુને નિવૃત્તિ પહેલા જમ્મુ-કાશ્મીરની મહત્વપૂર્ણ જવાબદારી આપીને આ સંઘપ્રદેશના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર સરકારે કમર કસી
કેન્દ્ર સરકારે ૩૧ ઓક્ટોબરથી અસ્તિત્વમાં આવી રહેલા બે નવા કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદાખ માટે ગઈકાલ સાંજે લેફ્ટનન્ટ ગવર્નરની નિમણૂક કરી દીધી છે. ગુજરાત કેડરના આઇએએસ અને કેન્દ્રીય ખર્ચ વિભાગના સચિવ ગિરીશચંદ્ર મુર્મુને જમ્મુ-કાશ્મીર અને રિટાયર્ડ આઇએએસ અધિકારી રાધાકૃષ્ણ માથુરને લદાખનો હવાલો સોંપાયો છે. જમ્મુ-કાશ્મીરના હાલના રાજ્યપાલ સત્યપાલ મલિકને હવે મૃદુલા સિંહાના સ્થાને ગોવાના રાજ્યપાલ બનાવાયા છે. ઉપરાંત ભાજપના કેરળ એકમના વડા પી.એસ. શ્રીધરન પિલ્લાઇને મિઝોરમનો કાર્યભાર સોંપ્યો છે. અત્યારે આસામના રાજ્યપાલ જગદીશ મુખી મિઝોરમનો હવાલો પણ સંભાળતા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ વરણીઓને મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારે ૫ ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવી રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વહેંચી દીધું હતું.
ભારતીય વહીવટી સેવા અધિકારી (આઈએએસ) ગિરીશચંદ્ર મુર્મુની જમ્મુ-કાશ્મીરના પ્રથમ લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિમણૂક કરવામાં આવી છે. પુનર્ગઠન પછી જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો છે અને હવે રાજ્યપાલની જગ્યા લેફ્ટનન્ટ ગવર્નર રહેશે. જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા આર્ટિકલ ૩૭૦ની મોટાભાગની જોગવાઈઓ નાબૂદ કર્યા પછી પ્રાંતમાં ઉદભવતા સંજોગોને ધ્યાનમાં રાખીને મુર્મુની નિમણૂક ખૂબ મહત્વની છે. વરિષ્ઠ આઈએએસ અધિકારી ગિરીશચંદ્ર મુર્મુ હાલમાં નાણાં મંત્રાલયમાં ખર્ચ સચિવ છે.
મુર્મુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહના વિશ્વાસપાત્ર છે. ગુજરાત કેડરના ૧૯૮૫ બેચના આઈએએસ અધિકારી ગિરીશચંદ્ર ખૂબ જ મજબૂત અધિકારી છે. તેઓ ત્યારથી જ મોદી સાથે કામ કરી રહ્યા છે. જ્યારે મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા. ૨૦૦૪ માં, તેઓ મોદીની ટીમમાં જોડાયા.મુર્મુની ક્ષમતાને ધ્યાનમાં લેતા, તેમને બેવડી ભૂમિકા અપાઈ હતી. તેમ મોદીના સચિવ સાથે ગૃહ વિભાગના સચિવ હતા. તેઓ રાજ્યના મુખ્ય સચિવ પણ હતા. પી.એમ. મોદી સાથે મુર્મુની કેમિસ્ટ્રી ઉત્તમ છે. બંને એકબીજાની કામ કરવાની શૈલીને પસંદ કરે છે. ૨૦૧૪ માં મોદી જ્યારે કેન્દ્રમાં આવ્યા ત્યારે મુર્મુને દિલ્હીમાં ડેપ્યુટેશન પર લાવીને મોટી જવાબદારી સોંપવામાં આવી હતી. ૨૦૧૫માં મુર્મુને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ના ડિરેક્ટર નિમવામાં આવ્યા હતા. આ પછી, તેમને નાણાં મંત્રાલયમાં ખર્ચ સચિવ બનાવવામાં આવ્યા. મુર્મ નવેમ્બરમાં નિવૃત્ત વા જઈ રહ્યાં છે.
ઓડિશામાં જન્મેલા મુર્મુએ ઉત્કલ યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં એમ.એ. કર્યા બાદ બર્મિંગહામ યુનિવર્સિટી (યુકે)થી એમબીએની ડિગ્રી પણ મેળવી છે. જે બાદ તેઓ આઈએએસ અધિકારી તરીકે ગુજરાત કેડરમાં પસંદ યા હતાં.
પીએમ મોદીનો મુર્મુની વહીવટી કાર્યક્ષમતા પર વિશ્વાસ છે કે તેમને જમ્મુ-કાશ્મીરના પ્રથમ લેફ્ટનન્ટ ગવર્નર બનાવવામાં આવ્યા છે. જો કે, મુર્મુ માટે આ એક મોટી કસોટી સમાન છે. કલમ ૩૭૦ હટાવ્યા પછી ઉદ્ભવેલી પરિસ્થિતિને સંભાળ્યા પછી તેઓએ રાજ્યના તમામ વિશ્વાસને ધ્યાનમાં લેવા પડશે. રાજ્યમાં સામાન્યતા સુધારવા માટે તેમને વિધાનસભાની ચૂંટણીઓ અને નવી સરકારની રચના માટે માર્ગ મોકળો કરવો પડશે. તેઓએ આતંકવાદનો સામનો કરી રહેલા રાજ્યની સુરક્ષા વ્યવસ્થા પર પણ વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.