દબાણ દૂર કરવા તેમજ લેન્ડ ગ્રેબિંગ તળે પગલા ભરવા આ પ્રકરણ ઉચ્ચકક્ષાએ મોકલી આપેલ છે પરંતુ હાલ સ્થાનિક સ્વરાજની ચુંટણી હોય ચુંટણી પૂર્ણ થયા બાદ આ પ્રકરણ હાથમાં લઇશું: ડી.ડી.ઓ.
ગીરગઢડામાં છેલ્લા ધણા સમયથી ગોચર પર થયેલ દબાણો અને સ્મશાન ભૂમિની બાજુમાં ગેરકાયદેસર બનાવામાં આવેલ ૨૯ દુકાનો નો વિવાદ ચાલતો હોય અને આ બાબતે આર ટી આઇ એક્ટીવિસ્ટ હર્ષદ બાંભણીયા દ્વારા વારંવાર ઉચ્ચકક્ષાએ રજુઆત કરાતા રહી રહી ને તંત્રની આંખ ખુલતા આ સમગ્ર પ્રકરણની ફાઇલ દબાવી દેવાની હિલચાલ સામે ઉનાના નાયબ કલેક્ટર જે એમ રાવલે ગીરગઢડા ટી ડી ઓ ને આ ગોચર જમીન પર થયેલા દબાણો દૂર કરવા તેમજ રાજ્ય સરકારના લેન્ડ ગ્રેબિંગ કાયદા મુજબ પગલા ભરવા આદેશ કરતા દબાણકારોમાં ફફડાટ વ્યાપી ગયેલ છે. ઉનાના નાયબ કલેક્ટર જે એમ રાવલે ગીરગઢડા ટી ડી ઓ ને લેખિત જણાવેલ કે ગીરગઢડા તાલુકા પંચાયત કચેરીથી લઇને જામવાળા રોડ સુધીમાં ગોચરના સર્વે નં.૩૨ પૈકીની જમીન પર મોટાપાયે વાણીજ્ય હેતુના દબાણો કરવામાં આવેલ છે. તેમજ સર્વે નં.૩૨/૧ પૈકી ૧ પૈકી ૧ જમીન સરકારી પડતર ગોચરની જમીન સ્મશાન ભૂમિની બાજુમાં આવેલ હોય આ જમીનમાં ગીરગઢડા ગામના આગેવાનોએ સ્મશાન સમિતી બનાવી એક સાથે ૨૯ જેટલી દુકાનો ગ્રામ પંચાયતની કોઇપણ પ્રકારની મંજુરી વિના ગે.કા. રીતે બનાવી પ્રત્યેક દુકાન આશરે રૂ.૧૦ થી ૧૨ લાખ જેટલી રકમ લઇ વેંચાણ કરવામાં આવેલ છે. તેમજ અવાર નવાર આ દબાણો ખુલ્લા કરવા બાબતે રજુઆત કરવામાં આવેલ હોવા છતાં પણ સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવેલ નથી. આમ ડે.કલેક્ટર દ્વારા ગીરગઢડા ટીડીઓને સરકારના લેન્ડ ગ્રેબિંગ કાયદા તળે પગલા ભરવા લેખિત જાણ કરતા ફરી એક વખત આ ગોચરના દબાણનો મુદો ઉછળતા સમગ્ર નાધેર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની જવા પામેલ છે. ત્યારે સવાલએ ઉઠવા પામેલ છે કે તંત્ર દ્વારા પગલા ભરવા આદેશ થાય છે પણ પગલા ક્યારે ભરાશે. ?
ગે.કા.૨૯ દુકાનોએ તલાટીમંત્રીનો ભોગ લીધો
ગીરગઢડા ગામે ૨૯ દુકાનો ગોચરની જમીનમાં ગે.કા. દબાણો કરી બનાવી વેચી મારી હોવાની રજુઆત પછી તંત્રએ આ દુકાનો બનાવનારા સ્મશાન સમીતીના આગેવાનો સામે પગલા લેવાનો તંત્રએ હિંમત દેખાડી નહીં. અને ગીરગઢડાના તલાટી મંત્રી રાયસીંગ ચોહાણને આ ગોચર જમીનમાં દબાણો કેમ હટાવયા નથી. તેવું જણાવી તેની સામે આકરા પગલા લઇ સસ્પેન્ડ કરી દેવાતા તલાટી મંત્રી મંડળ ઉકળી ઉઠ્યુ છે. જ્યારે ગીરગઢડાના વર્તમાન સરપંચ કશુભાઇ ભાલીયાને નોટીસ આપી આ ગોચરની દુકાનો અને પેશકદમી તા.૩૧ માર્ચ ૨૦૨૧ સુધીમાં દૂર ન કરે તો સત્તા પરથી આપો આપ દૂર થઇ જશે. તેવો આદેશ ચુંટણી સમયે કરતા રાજકારણ ગરમાયુ હતું. બીજી તરફ સરકારી પડતર ગોચર જમીન પર દુકાનો બનાવી વહેચી નાખનાર સામે પણ ટુંક સમયમાં આકરા પગલા તોળાઇ રહ્યાનું તંત્ર માંથી જાણવા મળી રહ્યુ છે.