પિતાની હત્યાનો બદલો લેવા ટ્રક ચાલકે બાઇકને ઠોકર મારી મોતને ઘાટ ઉતાર્યા: બે સામે નોંધાતો ગુનો
ગીર ગઢડા તાલુકાના સીમાસી ગામે રૂપેણ નદીના પુલ ઉપર ઉનાનો રફીકભાઇ હુસેનભાઇ વાકોટ ડોળાસાની સીમ વાડીએ ગયેલ હતો પરત આવેલો હતો ત્યારે એક ટ્રક નંબર જીજે-11-ઝેડ-8369નાં ચાલકે પૂરઝડપે ટ્રક ચલાવી રફીકની બાઇક ઉપર ટ્રક ચડાવી દીધી હતી. આ સમયે રફીકના કાકાનો દિકરો નજીર આદમભાઇ વાકોટ બાઇક લઇ પાછળ આવતા જોઇ ગયેલ તેણે રાડારાડી કરતા સીમાસીના સમીરભાઇ ગનીભાઇ વાકોટ સહિતનાં લોકો આવી ગયા હતા. 108 એમ્બ્યુલન્સ મારફત ગંભીર ઇજા પામેલ રફીકભાઇને ઉના હોસ્પિટલ ખસેડેલ હતા. સારવાર દરમ્યાન રફીકભાઇનું મોત થયું હતું.
ગીર ગઢડા પોલીસમાં નજીરભાઇ આમદભાઇ વાકોટ રે. ઉના વાળા એ એઝાઝ અબ્બાસભાઇ જુણેજા અને ટ્રકમાં તેની બાજુમાં બેઠેલ એક શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી.
વધુમાં ફરિયાદમાં લખાવેલ કે ઘણા સમય પહેલા સીમાસી ગામે બે જૂથો વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં એઝાઝનાં પિતા અબ્બાસભાઇની હત્યા થઇ હતી. ગુનામાં મરણ જનાર રફીકના પિતા હુસેનભાઇ વાકોટ હાલ રાજકોટ સેન્ટ્રલ જેલમાં છે.
અગાઉ સીમાસી ગામે થયેલ જુથ અથડામણમાં 22 લોકો સામે ગુનો નોંધાયેલ હતો. હાલ આરોપીઓ જેલ હવાલે છે. આ બનાવ ગુનાનું મન દુ:ખ વેર રાખી એઝાઝ અબ્બાસ જુણેજા હત્યા કરી હોવાનું જાણવા મળે છે.
જાણવા મળતી વિગત મુજબ મરણ જનાર રફીક હુસેનભાઇ વાકોટ અગાઉ 2012માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે સુત્રાપાડા પોલીસમાં ફરજ બજાવતો હતો. એક વર્ષ ફરજ પૂરી જીપીએસસીની પરીક્ષાની તૈયારી માટે રાજીનામું આપી ઉના આવી ગયો હતો.
આ બનાવ બન્યો તે પહેલા નજીર આમદભાઇ વાકોટ અને રફીક સાથે વાડીએ ગયા હતા. જુદી-જુદી બાઇક ઉપર ઉના આવવા નીકળેલ નજીર સીમાસી આગળ પાનની દુકાને ઉભો રહેલ તેમાં બચી ગયો હતો.
આઠ માસ પહેલા 19/4/2022નાં સીમાસી ગામે જુથ અથડામણ થયેલ તેમાં બે લોકોના મોત થયા હતા. આમ જુથ અથડામણનો વેરમાં વધુ એક યુવાનની હત્યા થતાં ભારે શોક છવાઇ ગયો છે.
વેરાવળથી જીલ્લા ડી.વાય.એસ.પી. સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર મસી અને ગીર ગઢડાનાં પી.એસ.આઇ. ડાંગર અને સ્ટાફ આરોપીને પકડવા ટીમ બનાવી સગડ મેળવી રહ્યાં છે.