- ચેકડેમો દ્વારા વરસાદના પાણીને દરિયામાં જતુ અટકાવીએ
- 50 હજારથી લઇ પ0 લાખ સુધીના ચેકડેમો બાંધી બાળકો, વડીલો, પૂર્વજો વગેરેના નામ સાથે જોડી ભગીરથ કાર્યમાં સહયોગ કરી શકાય
વરસાદના પાણીને દરિયામાં જતુ અટકાવવાના ભાગરુપે ગીગગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્રના ગામડાઓમાં 11111 ચેક ડેમો બાંધવાની ઝુંબેશ ચલાવતા ગીરગંગા ટ્રસ્ટ લોકભાગીદારીથી ચેક ડેમો બાંધી સૌરાષ્ટ્ર કાયમી હરિયાળુ રહે તેવા ભગીરથ પ્રયાસો હાથ ધરાઇ રહ્યા છે. આ બાબતે જન જાગૃતિ લાવવા યોજેલ પત્રકાર પરિષદમાં સંસ્થાના પ્રમુખ દિલીપભાઇ સખીયાએ વિસ્તૃત માહીતી આપી હતી.
તેઓએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં વરસાદ તો ઘણો થાય છે પરંતુ સૌરાષ્ટ્રની ધરતી પથરાળ અને ડુંગરાળ હોવાના હિસાબે વધારે પડતુ પાણી દરિયામાં વહી જાય છે. આ પાણીને રોકવાનો એક માત્ર ઉપાય હોય તો તે છે ચેકડેમો, ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણી બચાવો અભિયાનના ભાગરુપે આ વર્ષે 100 ટકા લોકભાગીદારી થી 135 થી વધારે નાના-મોટા ચેકડેમો ઊંડા, ઊંચા રીપેરીંગ તેમજ નવા તૈયાર કરેલ છે. જેનાથી આર્થિક દ્રષ્ટિએ જોઇએ તો અંદાજીત 500 કરોડ કરતા પણ વધારે ફાયદો થયેલ છે અને સૌરાષ્ટ્રની અંદર 11,111 ચેકડેમો બનાવવાનો ગીરગંગા પરિવારે દ્રઢ સંકલ્પ કરેલ છે.
હાલ પણ સૌરાષ્ટ્રના ઘણા બધા શહેરો નર્મદાના પાણી પર નિર્ભર રહે છે. ભૂતકાળમાં ઘણી વખત દુષ્કાળ પડેલ છે. જો કોઇ કારણોસર નર્મદાનું પાણી સૌરાષ્ટ્રમાં ન આવી શકે તો સૌરાષ્ટ્રની હાલત શું થાય તે વિચારવા જેવું છે !
એક સમયે સૌરાષ્ટ્ર ની અંદર ઉનાળાના સમયમાં પણ ઘણી નદીઓ વહેતી હતી. હાલ તે વધારે પડતી નદીઓના વહેણો દિવાળી પર જ સુકાય જાય છે. સૌરાષ્ટ્રમાં જે જમીનોની અંદર એક સમયે પાણીના ત માત્ર 20 થી 30 ફુટે હતા. તે અત્યારે ઘણી જગ્યાએ 2000 થી 3000 ફુટે પણ મળી શકતા નથી અને જે મળે છે તે પાણી પણ વાપરવાને યોગ્ય હોતું નથી.
યુ.એન.ના એક રીપોર્ટ અનુસાર 2025 સુધીમાં ભારત ભૂગર્ભ જળના જોખમની ટોચ પર પહોંચી જશે, જયાં સાઉદી અરેબિયા જેવા દેશો ઉભા છે. ભારતમાં 76 ટકા લોકો હાલમાં ગંભીર જળસંકટમાંથી પસાર થઇ રહ્યા છે. ભારતના 700 જીલ્લાઓમાંથી લગભગ 40 ટકા જીલ્લામાં ભૂગર્ભ જળ ગંભીર સ્તરે પહોંચી ગયું છે.
દેશનું હરિયાળુ કહેવાતું શહેર બેગ્લોર પણ હાલ પાણીના મહાસંકટની અંદર ઘેરાયેલું છે. ત્યાં લોકોને વાપરવા માટે પણ પાણી મળવું મુશ્કેલ છે. તેમજ સાઉથ આફ્રિકાના કેપટાઉન સિટીની અંદર પણ પીવાના પાણીની મુશ્કેલી છે. તો આવો સમય સૌરાષ્ટ્રની ધરતીમાં ન આવે એના માટે દરેક લોકોએ હાલ જાગૃત થવાની જરુરી છે.
વરસાદી પાણી બચાવવાના ઘણા બધા ઉપાયો છે જેમ કે.. દરેક ખેડુતોએ ખેતરમાં ખેત-તલાવડી બનાવવી, ગામની સિમોમાં નાના-મોટા તળાવો બનાવવા, દરેક નદી અને હોકળાઓની અંદર શકય બને તેટલા ચેકડેમો બનાવવા, જરૂર મુજબ જુના બનેલા ચેકડેમોને ઊંડા: ઊંચા તેમજ રીપેર કરવા, કુવા-બોરોને વરસાદી પાણીથી રીચાર્જ કરવા, 1ર મહિના વરસાદી પીવાના પાણીનું સ્ટોરેજ બનાવવું, દરેક મકાનોની અંદર રીચાર્જ બોર કરવો, દરેક ખેડુતોએ શકય બને ત્યાં સુધી ડ્રીપનો ઉપયોગ કરવો, શકય બને ત્યાં સુધી બોરની ઉંચાઇ વધારવી, દરેક લોકોએ પાણીનો જરુરીયાત મુજબ જ ઉપયોગ કરવો જોઇએ.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટે 3000 કરતા પણ વધારે ચેકડેમોનું સર્વે કરેલ છે. કે જે 50,000 થી લઇને 50,00,000 સુધીમાં તૈયાર થઇ શકે. જે પણ લોકોને આ પાણી બચાવો અભિયાનમાં પોતાના નામનું ચેકડેમ બનાવવાની ઇચ્છા હોય તો ગીરગંગા પરિવાર ટ્રસ્ટ તેને સહકાર રૂપ થશે. મો. નં. 94096 92693, 94084 14568 તો ચાલો આપણે બધા સાથે મળીને આ સૌરાષ્ટ્રની ધરતીને હરિયાળી કરીએ.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે દરેક ગામમાં લોકો માત્ર ગામની જવાબદારી ઉપાડે અને ખાસ કરીને બહાર વસતા ઉદ્યોગપતિઓ અગ્રણીઓ ગામને દત્તક લઇ અને આવા ભગીરથ કાર્યમાં સહાયભૂત થાય તો સૌરાષ્ટ્રને ખરા અર્થમાં હરિયાળુ બનાવી શકાય.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઇ સખીયા તેમજ જમનભાઇ પટેલ, રમેશભાઇ ઠકકર, પ્રતાપભાઇ પટેલ, વિરાભાઇ હુંબલ, વલ્લભભાઇ કથીરીયા, વસંતભાઇ લીબાસીયા, અરવિંદભાઇ પાણ, જેન્તીભાઇ સરધારા, સતીશભાઇ બેરા, કિશોરભાઇ કાથરોટીયા, જગદીશભાઇ કોટડીયા, ભરતભાઇ પરસાણા, શિવલાલભાઇ અદ્રોજા, ભરતભાઇ ટીલવા, ગોપાલભાઇ બાલધા, ભરતભાઇ ભુવા, પરસોત્તમભાઇ કમાણી, દિનેશભાઇ વોરા, રમેશભાઇ જેતાણી, મનીષભાઇ માયાણી, વિઠ્ઠલભાઇ બાલધા, અશોકભાઇ મોલિયા, ભરતભાઇ પીપળીયા, લક્ષ્મણભાઇ શિંગાળા, ભુપતભાઇ કાકડીયા, રતિભાઇ ઠુંમર વગેરેની ટીમ સંચાલન કરી રહી છે.
ચેકડેમ બનાવવાના ભગીરથ કાર્યમાં જોડાવા ગીરગંગા પરિવારની અપીલ
વડીલોની યાદમાં ચેકડેમ બનાવીએ, જન્મતીથી તેમજ લગ્નતિથિ પણ ચેકડેમ બનાવીને ઉજવી શકાય, મોટા મોટા પ્રસંગોમાં ફાલતું ખર્ચ ઘટાડીને ચેકડેમનું નિર્માણ કરીએ, ચેકડેમના નિર્માણ માટે કથા અને સપ્તાહનુંઆયોજન કરી શકાય, કંપનીઓ- પેઢીઓ તેમજ બાળકોના નામના ચેકડેમ પણ બનાવી શકાય, ગામડાઓની અંદર બેન્ક પાર્ટીના સહયોગથી પણ ચેકડેમનું નિર્માણ કરી શકાય, દરેક સહકારી સંસ્થાઓએ પણ ચેકડેમ બનાવવાનો સંકલ્પ કરવો જોઇએ, મોટી- મોટી કંપનીઓએ ગામો દત્તક લઇને ચેકડેમ બનાવવા જોઇએ, નાના મોટા દરેક પ્રસંગોમાં થયેલ ફાળામાંથી ચેકડેમ બનાવવાનો પ્રયત્ન કરવો જોઇએ. વગેરેજેમાં ગીરગંગા દ્વારા સહયોગ આપવામાં આવશે.