- નારી વંદન ઉત્સવ અંતર્ગત રામમંદિર ઑડિટોરિયમ ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી
- શિવમ એન્ટરપ્રાઈઝ (ગાંધીધામ), એલ.આઈ.સી ઓફ ઈન્ડિયા, રિલાયન્સ નિપ્પોન લાઈફ ઈન્શ્યોરન્સ દ્વારા મહિલાઓને રોજગારીની તકો પ્રાપ્ત થઈ
- વ્હાલી દીકરી, ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય, મહિલા સ્વાવલંબન વગેરે યોજનાના લાભાર્થીઓને હાથોહાથ લાભનું વિતરણ કરાયું
ગીર સોમનાથ ન્યુઝ : ગુજરાત મહિલા અને આર્થિક વિકાસ નિગમ લિમિટેડ ગાંધીનગર દ્વારા પ્રેરિત તથા ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં નારી વંદન ઉત્સવ અંતર્ગત રામમંદિર ઑડિટોરિયમ ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 300 થી વધુ મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ અવસરે વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના, મહિલા સ્વાવલંબન યોજના, બેટી બચાવો, બેટી પઢાઓ, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના લાભાર્થીઓને હાથોહાથ વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ કરાયું હતું.
મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી નિમિત્તે જિલ્લા રોજગાર અધિકારીની કચેરી દ્વારા મહિલા સ્વરોજગાર મેળાનું પણ આયોજન કરાયું હતું. રામમંદિર ખાતે શિવમ એન્ટરપ્રાઈઝ (ગાંધીધામ), એલ.આઈ.સી ઓફ ઈન્ડિયા, રિલાયન્સ નિપ્પોન લાઈફ ઈન્શ્યોરન્સ વેરાવળના સ્ટોલ ઉભા કરાયા હતાં. જેમાં ધો. 10 પાસથી ઉચ્ચ અભ્યાસ કરેલી મહિલાઓને રોજગારીની તકો પ્રાપ્ત થઈ હતી. ઉજવણીના અવસરે જિલ્લા મહિલા અને બાળ અધિકારી એમ.જી.વારસૂરે જણાવ્યું હતું કે, નારી શક્તિને યોગ્ય દિશામાં વાળવામાં આવે તો અનેક હકારાત્મક પરિણામ મળે છે. માત્ર જરૂર હોય છે તો દિશાનિર્દેશની. વધુમાં તેમણે આઠ દિવસ ચાલનારા નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન, ઉદ્યોગ સાહસિકતા, સુરક્ષા અને સલામતિલક્ષી સહિત સમગ્ર કાર્યક્રમની આછેરી ઝલક આપી હતી.
મહિલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ જી.જે.હુદડ દ્વારા ઉપસ્થિત દીકરીઓને કોલેજ તેમજ નોકરીના સ્થળે સલામતી અને સુરક્ષા તેમજ પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સિસ્ટમની જાણકારી આપવામાં આવી હતી. દહેજ પ્રતિબંધક અધિકારી સોનલ રાઠોડે સંકટ સખી મોબાઈલ એપ્લિકેશન, સખી વન સ્ટોપ સેન્ટર સહિત મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કાર્યરત યોજનાઓ વિશે માહિતી આપી હતી.
જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના આશિષ પ્રજાપતિ દ્વારા માનવ કલ્યાણ યોજના, ઈ-કુટિર પરથી અરજી કરવી, વાજપાઈ બેંકેબલ યોજના, દત્તોપંત ઠેગડી કારીગર વ્યાજ સહાય યોજના વગેરે વિશે સમજૂતી આપી હતી તો સરકારી શ્રમ અધિકારીની કચેરીના અંજના શ્રમજીવી મહિલાઓના અધિકારો અને કલ્યાણકારી યોજનાઓની સમજ આપી હતી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના દિપેન ડાભી દ્વારા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની વિવિધ મહિલાલક્ષી યોજનાઓ તેમજ ગ્રામ્યસ્તરે સખીમંડળની વિવિધ કામગીરી, સખી મંડળની શરૂઆત કેવી રીતે કરવી? સખીમંડળની નાણાકિય સમજ, સખીમંડળથી થતાં લાભ વગેરે વિશે વિસ્તૃત સમજણ આપી હતી.
વધુમાં, ગ્રામ્યવિસ્તારથી લઈ શહેરી મહિલાઓ સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતગાર થાય અને વધુમાં વધુ લાભ લે તેવા શુભ હેતુસર જિલ્લા માહિતી કચેરી દ્વારા રોજગાર સમાચાર, ગુજરાત પાક્ષિકનું અને ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા મહિલાલક્ષી યોજનાઓના પેમ્ફલેટ સહિતનું સાહિત્ય વિતરણ કરવામાં આવ્યું હતું.
અતુલ કોટેચા