32 મિનિટનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે: એટ હોમ અને સાંસ્કૃતિક કાર્યક્રમ રદ કરાયા
આગામી 26 જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની આ વર્ષે રાજયકક્ષાની ઉજવણી સોમનાથ સાનિધ્યે થનાર છે. જો કે રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને લઈ આ ઉજવણી સાદાઈથી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. પ્રજાસત્તાક ઉજવણી અંતર્ગત યોજાનારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને રાજયપાલનો એટ હોમ કાર્યક્રમ રદ કરવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે. હવે ફક્ત 26 મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને 32 મિનિટનો ધ્વજવંદનનો જ કાર્યક્રમ યોજાશે તેવું જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલએ જણાવેલ છે.
અત્રે નોંધનીય છે કે, છેલ્લા થોડા દિવસોથી રાજ્ય સાથે સોમનાથમાં દરરોજ રેકર્ડબ્રેક કોરોનાના કેસો આવી રહ્યા છે. એવા સમયે પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી અંતર્ગત સોમનાથમાં લોકોની ભીડ થવાની શકયતા હતી. આ બંન્ને કારણોને ધ્યાને લઇ પ્રજાસત્તાક પર્વની ઉજવણી સાદગીપૂર્ણ રીતે કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હોવાનું જાણવા મળેલ છે.