મુખ્યમંત્રી પાણી સમિતિ પ્રોત્સાહન યોજના અંતર્ગત જિલ્લાની મહિલા પાણી સમિતિના સભ્યોને સન્માનિત કરાયાં
મુખ્યમંત્રી પાણી સમિતિ પ્રોત્સાહન યોજના હેઠળ આજે જિલ્લાની મહિલા પાણી સમિતિના સભ્યોને જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના હસ્તે સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
‘જળ એ જ જીવન છે’ના મંત્રને સાકાર કરતા સમગ્ર રાજ્યમાં ઘરે-ઘર સુધી ‘હર ઘર જલ, હર ઘર નલ’ હેઠળ શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા પહોંચાડવામાં આવી છે. પંચાયતી રાજ્યના પાયાના એકમ એવા ગ્રામ પંચાયત સ્તરે આ પાણીની વ્યવસ્થા માટે ઉત્તમ કામગીરી કરનાર મહિલા સભ્યોને રૂ.50,000ની ઈનામી રાશિથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
કલેક્ટરએ મહિલાઓને સન્માનિત કરતાં જણાવ્યું કે, ગ્રામ્ય પાણી સમિતિ સભ્યોમાં વધુને વધુ મહિલાઓ પોતાની સક્રિય ભાગીદારી નોંધાવે અને પાણી માટે ઉત્તમ કામ કરે તે જરૂરી છે.
કલેક્ટરએ જણાવ્યું કે, સવારે ઉઠવાથી માંડીને સાંજ સુધી આપણા સમાજમાં મહિલાઓને જ પાણી માટેની જવાબદારી મોટાભાગે ઉઠાવવાની આવતી હોય છે, ત્યારે પ્રભુની પ્રસાદી સમાન પાણીનો યોગ્ય વપરાશ થાય અને આ માટેની યોગ્ય વ્યવસ્થાઓ સુચારૂ રીતે ચાલ્યા કરે એ માટે મહિલાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ મેનેજર અલ્પાબહેને આ કાર્યક્રમની રૂપરેખા અને ભૂમિકા આપી પાણી સમિતિ દ્વારા કરવામાં આવેલી કામગીરીથી કલેક્ટરને અવગત કરાવ્યાં હતાં. તેમણે આપણા જિલ્લામાં મોટાભાગની પંચાયતો 100% નલ સે જલની સિદ્ધિ મેળવી લીધી છે પરંતુ આ વ્યવસ્થા માટે દુરસ્તી, સમારકામની કામગીરી પણ સમયબદ્ધ રીતે ચાલે તો પાણીની સારી વ્યવસ્થા આપણે જાળવી શકીશું તેની જાણકારી આપી હતી.
આ પ્રસંગે વાસ્મો યુનિટ હેડ મેનેજર સોનાગરાએ સ્વાગત પ્રવચન કરી સમગ્ર કાર્યક્રમનો હેતુ સ્પષ્ટ કર્યો હતો.
આ અવસરે વાસ્મોના ડેપ્યુટી ટેક્નીકલ મેનેજર એમ.બી.બલુઆ, પાણી સમિતિના સભ્યો, મહિલાઓ, પાણી અને પુરવઠા વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
અહેવાલ : અતુલ કૉટૅચા