રાજ્ય સરકાર દ્રારા સમાજના છેવાડે વસતા ગરીબ લોકોના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે પ્રયત્નશીલ છે, વિધાર્થીઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે.
ગીર સોમનાથ જિલ્લામાં સર્વશિક્ષા અભિયાન અંતર્ગત સ્પેશિયલ ટ્રેનિંગ પોગ્રામ અન્વયે જિલ્લામાં પાંચ વર્ષથી મોટા બાળકો જે શાળાએ ગયા ન હોય અથવા અધૂરો અભ્યાસ છોડી દીધેલ હોય, જન્મ તારીખ, રહેઠાણના કોઈ આધાર-પુરાવા ન હોય તેવા બાળકોનો સર્વે કરી સ્પેશિયલ ટ્રેનિંગ પોગ્રામ વર્ગ ચલાવવામાં આવે છે. ઝુપડપટ્ટી અને બહારના રાજ્ય માંથી આવી સ્થાયી થયેલા કુટુંબોના બાળકો વેરાવળ ખાતે આવેલ હરસિધ્ધી પ્રાથમિક શાળામાં સ્પેશિયલ ટ્રેનિંગ પોગ્રામ વર્ગમાં અભ્યાસ કરી ૩૫ થી વધુ બાળકોએ શાળાના વર્ગમાં પ્રવેશ મેળવેલ છે, આ શાળામાં સ્પેશિયલ ટ્રેનિંગ પોગ્રામ વર્ગમાં હરસિધ્ધી સોસાયટી, મધુવન સોસાયટી, મંગલમ સોસાયટી, રિધ્ધી સીધ્ધી સોસાયટી, રેલ્વે સ્ટેશન વિસ્તારના બાળકો અભ્યાસ કરે છે, અને શાળાના બાળકો સાથે મધ્યાહન ભોજન કરે છે, સ્પેશિયલ ટ્રેનિંગ પોગ્રામ વર્ગ માટે રાજ્ય સરકાર દ્રારા બાલમિત્રની નિમણૂંક કરવામાં આવેલ છે.
સ્પેશિયલ ટ્રેનિંગ પોગ્રામ વર્ગના બાળકોને એક થી બે વર્ષ શિક્ષણ આપી તેમની વયકક્ષા અને ક્ષમતા મુજબ તેમની પરીક્ષા લેવામાં આવે છે, પરિક્ષામાં ઉર્તિણ થાય તો તેમને શાળાના નિયમિત વર્ગમાં પ્રવેશ આપવામાં આવે છે, કોઈ બાળકના વાલી સિઝનેબલ ધંધો કરતા હોય અને બે ચાર મહિના બીજા સ્થળે જવાનુ હોય તો શાળામાંથી માઈગ્રેશન કાર્ડ કાઢી આપવામાં આવે છે, જેથી બાળક બીજા સ્થળે સરકારી પ્રા.શાળામાં શિક્ષણ મેળવી શકે છે, અને ફરી વાલી પોતાની મુખ્ય જગ્યાએ આવે ત્યારે બાળક જે શાળામાં હોય ત્યાં શિક્ષણ મેળવી શકે છે, લીવીંગ સર્ટી કઢાવવાની જરૂરીયાત રહેતી નથી.
બે વર્ષ સ્પેશિયલ ટ્રેનિંગ પોગ્રામ વર્ગમાં શિક્ષણ લીધા પછી પરપ્રાંતીય દેવેન્દ્રભાઈ સિંઘની પુત્રી મુસ્કાન જે ૯૦ ટકા દિવ્યાંગ છે, મુસ્કાન હાલમાં સડસડાટ વાંચી શકે છે, અને ધો.૮માં રેગ્યુલર વિધાર્થીની તરીકે અભ્યાસ કરે છે, અને વાધેલા રાજુભાઈનો પુત્ર પિયુષ ૫૦ ટકા દિવ્યાંગ છે, તે સારીરીતે લખી વાંચી શકે છે, અને રેગ્યુલર વિધાર્થી તરીકે ધો.૪માં અભ્યાસ કરે છે, સ્પેશિયલ ટ્રેનિંગ પોગ્રામ વર્ગના બાલમિત્ર શ્રીમતિ ભારતીબેન જોષી જણાવે છે કે જ્યારે બાળકો બે દિવસ ગેરહાજર રહે તે હું તેમના વાલીનો સંપર્ક કરી ને બાળકને શાળાએ મોકલવા વિનંતી કરૂ છું જેથી આજુબાજુ વિસ્તારના ૭ કુમાર અને ૧૦ કન્યાઓ આ વર્ગમાં હાલ અભ્યાસ કરે છે,
શાળાના આચાર્યશ્રી ચાંડપા કાન્તીલાલ જણાવે છે કે, સ્પેશિયલ ટ્રેનિંગ પોગ્રામ વર્ગમાં દરેક બાળકોને દફતર પાટી પેન નોટબુક શૈક્ષણિક કીટ સરકાર દ્રારા આપવામા આવે છે, આ બાળકોની પરિક્ષા લઈને અને રેગ્યુલર વર્ગમાં પ્રવેશ આપીએ છીએ અત્યાર સુધીમાં ૩૫ જેટલા બાળકોએ રેગ્યુલર વર્ગમાં પ્રવેશ મેળવ્યો છે, આ શાળામા કુલ ૨૪૯ વિધાર્થીઓ અભ્યાસ કરે છે જેમા કુમાર-૧૪૨ અને કન્યા-૧૦૭ નો સમાવેશ થાય છે.
મધુવન સોસાયટી ઝુપડપટ્ટીમાં રહેતા સુખાભાઈ પરમારે જણાવ્યું હતું કે, મારી પુત્રી આશા પ્રા.શાળામાં ધોરણ-૨ માં અભ્યાસ કરે છે. તેમને શિક્ષક ઘરેથી લઈ અને મુકી જાય છે. અમારી પાસે કોઈ આધાર-પુરાવા ન હોવા છતા સંતાનોને શિક્ષણની સાથોસાથ મધ્યાહન ભોજન પણ આપવામાં આવે છે. વિજયભાઈ પરમારે કહ્યું કે, મારો પુત્ર સંજય ધોરણ-૧માં અભ્યાસ કરે છે. શાળા માંથી પુસ્તક અને દફતર પણ આપવામા આવ્યું હતું. જયાબેન પરમારે કહ્યું કે, મારી પુત્રી દક્ષા ધોરણ-૨માં પ્રાશાળામાં અભ્યાસ કરવાની સાથે સારુ શિક્ષણ આપવામા આવે છે. હિરાબેન પરમારે જણાવ્યું હતું કે, મારો પુત્ર અરુણ ધોરણ-૫માં અભ્યાસ કરવાની સાથે પુસ્તક, દફતર અને ભોજન આપવામાં આવે છે. બપોરે ૧૧ કલાકે નિશાળે થી બહેન બોલાવા માટે આવે છે અને સાંજના ૫.૩૦ કલાકે બાળકોને ફરી ઘરે મુકી જાય છે. બાળકોનુ સમયાંતરે આરોગ્ય ચકાસણી થાય છે. મેડિકલ ઓફિસર ડો.વિએના જંજુવાડીયા શાળાએ આવી બાળકોના આરોગ્યની સારવાર આપી હતી.