• બે મહિલા સહિત કુલ આઠ શખ્સોને કુલ રૂ. 8.97 લાખના મુદ્દામાલ સાથે દબોચી લેવાયા
  • ગીર સોમનાથમાં કારના કાચ તોડી ચોરી કરતા આણંદના બંટી-બબલીને ફિલ્મી ઢબે દામનગરથી ઝડપી લેવાયા

ગીર સોમનાથ પોલીસે તસ્કર-ગઠીયા-લૂંટારુઓ પર તવાઈ બોલાવી છે. પોલીસે અલગ અલગ ચાર ગેંગના આઠ સભ્યોની કુલ રૂ. 8.97 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગની ધરપકડ સાથે અલગ અલગ છ ગુના ડિટેક્ટ થયાં છે જયારે એક ગેંગએ વધુ ત્રણ ચોરીની કબૂલાત આપતાં કુલ નવ ગુનાનો ભેદ ઉકેલાયો છે.

સોમનાથના ત્રિવેણી સંગમ અને જુનાગઢના સક્કરબાગ ઝુના પાર્કીંગમાં રહેલા પ્રવાસીઓની કારના કાચો તોડી લાખોના માલ મતા-રોકડની ચોરી કરનાર આણંદની બન્ટી-બબલીની જોડીને ગીર સોમનાથ એલસીબીએ ગણતરીની કલાકોમાં રૂ. 7.20 લાખના ચોરી કરેલ મુદામાલ સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ તસ્કર બેલડીએ જુનાગઢ, દ્વારકા સહિત અનેક સ્થળોએ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.

યાત્રાધામો અને ફરવાલાયક સ્થળોએ પ્રવાસીઓની કારોને નિશાન બનાવી ચોરી કરતી ઝડપાયેલ તસ્કર બેલડી અંગે માહિતી આપતા જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું કે, સોમનાથ ફરવા આવેલ સુરતના પ્રવાસી પરિવારની ત્રિવેણી સંગમ ઘાટ ખાતે પાર્ક કરાયેલી કારમાંથી અજાણ્યા શખ્સોએ કારના કાચ તોડીને તેમાં રહેલા રોકડા 7500 તથા 1.5 લાખના દાગીનાની ચોરી કરી હતી. જે અંગે પોલીસને જાણ કરતા ત્વરીત કઈઇ પીઆઈ એ.બી.જાડેજા, પીએસઆઈ એ.સી.સિંધવએ જુદી જુદી ટીમો બનાવી હાઈવે સહિતના સીસીટીવીના ફુટેજો ખંગાળતા તસ્કરો એક કારમાં અમરેલી તરફ ગયા હોવાનું જાણવા મળ્યું હતું.

જેથી અમરેલી પોલીસની મદદથી દામનગર પાસેથી ઈનોવા કાર સાથે આરોપી મહમદ અકીલ વોરા (ઉ.વ.34) અને તેની પત્ની અંજુમબેન વોરા (ઉ.વ.33) બંન્ને (રહે. આણંદ વાળા)ને રોકડા રૂ.39,600, સોના-ચાંદીના દાગીના રૂ.3.63 લાખ, કાર, મોબાઈલ મળી કુલ રૂ.7.20 લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

આ બન્ટી-બબલીની જોડીની પૂછપરછ કરતા બંન્નેએ સોમનાથમાં ચોરીને અંજામ આપ્યા પુર્વે જુનાગઢમાં પણ પ્રવાસીની કારના કાચ તોડી ચોરી કર્યાની કબુલાત આપી હતી. આ બેલડી સામે વડોદરા, આણંદ, ગોધરા, દ્વારકા, ગાંધીનગર સહિતના શહેરોમાં ચોરીના 16 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. આ બેલડી જ્યારે ચોરી કરવા નીકળતી ત્યારે પોલીસ ટ્રેક ન કરી શકે તે માટે મોબાઈલ બંધ રાખતી અને વાઈફાઈ ડોંગલથી કોલીંગ કરતી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.