- ‘ભોળાને ભજી લો દિન ને રાત……’
- કાર્તિકી પૂર્ણિમાના મેળાના ત્રીજા દિવસે કિર્તીદાન ગઢવીએ સૂર રેલાવી મંત્રમુગ્ધ કર્યા
- સાંસ્કૃતિક કાર્યક્રમમાં ‘શિવતાંડવ’ સહિતની સૂરમયી પ્રસ્તૂતી માણતા મહાનુભાવો
Gir Somnath News : સદભાવના ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા કાર્તિકી પૂર્ણિમાના મેળામાં રોજ સાંજે લોકસંસ્કૃતિને જીવંત રાખતા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાઈ રહ્યાં છે. કાર્તિકી પૂર્ણિમાના મેળાના ત્રીજા દિવસે લોકગાયક કિર્તીદાન ગઢવીએ રજૂ કરેલી પ્રસ્તુતીઓને નાગરિકો સહિત પ્રવાસીઓએ મન ભરીને માણી હતી.
કાર્તિકી પૂર્ણિમાના મેળાના ત્રીજા દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમમાં કિર્તીદાન ગઢવીએ ‘ભોળાને ભજી લો દિનરાત…’, ‘કરે છે શિવજી તાંડવ આજ…’, ‘શિવ સમાન કોઈ દાતાર નહીં…. ‘, ‘નગર મેં જોગી આયા….’, ‘હર હર શંભુ….’, ‘ગોકુળિયે ગમતું નથી…’, ‘સોમનાથ મહાદેવ ભોળિયા…’જેવી અનેકવિધ સંગીતમય પ્રસ્તુતીઓથી ઉપસ્થિત સર્વેને મંત્રમુગ્ધ કર્યા હતાં. આ સાથે જ ભરતદાન ગઢવીએ લોકોને હાસ્યરસમાં તરબોળ કર્યા હતાં.
સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સર્વેએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયેલી અનેકવિધ પ્રવૃત્તિઓ જેવી કે મતદાન જાગૃતિ, ‘એક પેડ મા કે નામ’ કાર્યક્રમ, ખાતમૂહુર્ત, લોકાર્પણ, ગ્રામસભા વગેરે જેવી વિવિધ કામગીરીની વિડિયો ફિલ્મ અને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી અનેકવિધ પ્રવૃત્તિઓની ટૂંકી ફિલ્મ નિહાળી હતી.
ઉલ્લેખનીય છેકે, રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ-ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર ગીર સોમનાથ અને શ્રી સોમનાથ ટ્રસ્ટના સંકલનમાં આ મેળાના પાંચ દિવસ દરમિયાન રોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યું છે.
સાંસદ રાજેશ ચૂડાસમા, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવી જાની, જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા ન્યાયાધીશ પી.ડી.ગઢવી, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ.ડી.મકવાણા, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિત અધિકારીઓ-કર્મચારીઓ, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નાગરિકોએ આ સાંસ્કૃતિક કાર્યક્રમની સૂરમયી સૂરાવલીઓને મનભરી માણી હતી.
અહેવાલ : અતુલ કોટેચા