-
ગીર સોમનાથનો હિરણ-2 76% ભરાયો
-
વેરાવળ-તાલાલાના નીચાંણવાળા વિસ્તારોમાં સાવધાન રહેવા સૂચિત કરાયા
ગીર સોમનાથ ન્યુઝ: ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના ઉમરેઠી ગામ પાસે આવેલ હિરણ-2 જળાશય 76 % ભરાઈ ગયો છે. જળાશયમાં ઉપરવાસમાંથી ભારે વરસાદના કારણે પાણીની આવક વધતાં ડેમ ડીઝાઇન સ્ટોરેજના R.L. 69.98% મીટર, ઊંડાઈ 7.18 મીટર તથા જીવંત જથ્થો 25.995 M.C.U.M. ભરાયેલ છે. તેમજ ઈનફ્લો 4880 ક્યૂસેક છે. જેથી હિરણ-2 જળાશયના હેઠવાસમાં આવતાં ગામોના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવાં તેમજ ઢોર ઢાખર ન લઇ જવા સૂચના આપવામાં આવી છે.
ડેમનું નિર્ધારીત રૂલ લેવલ 70.75 મીટર જાળવવા કોઇપણ સમયે દરવાજા ખોલવાની આવશ્યકતા ઉભી થશે જેથી સાવચેત રહેવાં જણાવાયું છે. જળાશય હેઠળના તાલાળા તાલુકાના ઉમરેઠી, માલજીંજવા, સેમરવાવ તેમજ વેરાવળ તાલુકાના ભેરાળા, મંડોર, ઇશ્વરીયા, ઇન્દ્રોઇ, નાવદ્રા, સોનારીયા, સવની, બાદલપરા, મીઠાપુર, કાજલી અને પ્રભાસ પાટણના નીચાંણવાળા વિસ્તારોને સાવધાન રહેવા માટે સૂચિત કરવામાં આવ્યા છે. તેમજ નદીના પટમાં અવર-જવર ન કરવાં તેમજ ઢોર ઢાંખર ન લઇ જવા માટે પણ કડક સુચના આપવામાં આવી છે.
અતુલ કોટેચા