બે દિવસ પેનડાઉન સ્ટ્રાઇક સાથે જિલ્લા કલેકટરને એન.એચ.એમ. યુનિયને આવેદન પાઠવ્યું
ગીર સોમનાથ જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ટેકનીકલ અને નોન-ટેકનીકલ કેડરમાં વિવિધ પોસ્ટમાં કર્મચારીઓ છેલ્લા પંદર વર્ષથી કર્તવ્યપૂર્ણ નિષ્ઠા પૂર્વક કોન્ટ્રાકટ કર્મચારી તરીકે ફરજ બજાવી રહ્યા છે.
કાયમી કર્મચારીની અને કોન્ટ્રાકટ કર્મચારીની સમાન પોસ્ટ હોવા છતા મહેનતાણામાં વિસંગતાઓ રહેલી છે. આ બાબતે સ્ટેટ એન.એચ.એમ. યુનિયન દ્વારા સરકારમાં વારંવાર લેખીત રજૂઆત કરેલ છે.
પરંતુ આજ દીન સુધી કોઈ જ હકારાત્મક પ્રત્યુતર મળેલ નથી. સરકારને તા.૧.૧૦ સુધીનું અલ્ટીમેટમ આપેલું પરંતુ અમારા પ્રશ્ર્નોનું નિરાકરણ થયેલ નથી તો આજરોજ જિલ્લા એન.એચ.એમ. યુનિયન દ્વારા કલેકટર તથા જિલ્લા વિકાસ અધિકારી તથા જિલ્લા આરોગ્ય અધિકારીને નીચે જણાવેલા કાર્યક્રમ માટે આવેદન પત્ર આપેલ છે.
આ મામલે વધુ વિગત આપતા જણાવ્યું હતુ કે પ્રશ્ર્નોના નિરાકરણ માટે ૬.૧૦ના રોજ કાળીપટ્ટી ધારણ કરવી, તા.૭ થી તા.૮ ના રોજ પેન ડાઉન, તા.૯ના રોજ માસ સીએલ અને તા.૧૨ના રોજથી અચોકકસ મુદતની હડતાલ સહિતના કાર્યક્રમો હાથ ધરાશે. તેમ જિલ્લા એન.એચ.એમ. યુનિયન ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.