- ક્લોરલ હાઈડ્રેટ પાવડરમાં પાણી ભેળવી તાડી તરીકે બંધાણીઓને પીવડાવી દેવાના કૌભાંડનો પર્દાફાશ
- અગાઉ બે શખ્સોને ઉઠાવી આગવી ઢબે પૂછપરછ કરતા મહારાષ્ટ્ર કનેક્શન ખુલ્યું : મુંબઈથી વધુ ત્રણને દબોચી લેવાયા
ગીર સોમનાથ એલસીબીએ માનવ શરીર માટે હાનિકારક એવા તાડી બનાવવા માટે ક્લોરલ હાઈડ્રેટ પાવડર નામના કેમિકલની ગેરકાયદે હેરાફેરી કરતી આખી ગેંગને ઝડપી પાડી છે. અગાઉ બે શખ્સોને દબોચી એલસીબીએ આગવી ઢબે પૂછપરછ કરતા છેક મહારાષ્ટ્રનું કનેક્શન સામે આવ્યું હતું. જે બાદ મુંબઈ ખાતેથી ત્રણ શખ્સોની ધરપકડ કરી પોલીસે રાજ્યવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ઉલ્લેખનીય બાબત છે કે, આ પાવડરની માત્રા તાડીમાં વધી જતાં લઠ્ઠાકાંડ સર્જાવાની પુરેપુરી સંભાવના હોય છે.
ગીર સોમનાથ એલસીબીમાંથી મળતી માહિતી મુજબ ગત 8 નવેમ્બરના રોજ સુત્રાપાડાના આલીદ્રા રોડ પર આવેલા એક ઝુંપડામાંથી ચાર લિટર તાડીના જથ્થા સાથે આરોપી દુર્ગાપ્રસાદ ઉર્ફે દીલીપ લીંગીયા બંટુ (ઉ.વ.41 રહે.મુળ ગામ દુગનવેલી, તા.કંટગુર જી.નાલાગોંડા, રાજ્ય તેલંગણા)ની ધરપકડ કરી સુત્રાપાડા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશનની કલમો તેમજ બીએનએસની કલમ 123 હેઠળ ગુનો નોંધી મૂળ સુધી પહોંચવા પોલીસે પ્રયત્નો શરૂ કર્યા હતા. જે બાદ આરોપી તાડી કયાંથી લાવેલ તે બાબતે પુછપરછ કરતા તાડી કુદરતી ઝાડ પરથી મળી ન આવતા સહ આરોપી ચીનું રહે. સંતરામપુરવાળા સાથે સંપર્ક કરી તાડી બનાવવાનો કેમીકલયુક્ત કલોરલ હાઇડ્રેટ પાવડર સહ આરોપી ચીનુએ એસ.ટી. બસ મારફતે સંતરામપુરથી કોડીનાર સુધી એસ.ટી.બસમાં પાર્સલથી તાડી બનાવવાના પાવડરના ડબ્બા મંગાવેલ અને નાણા ઓનલાઇન ટ્રાન્સફર કરી આપેલ હોવાનું જણાવ્યું હતું.
જેથી આરોપીને તાડી બનાવવા માટે કેમીકલયુક્ત કલોરલ હાઇડ્રેટ પાવડર પુરો પાડનાર સહ આરોપી શ્રીનિવાસ ઉર્ફે ચીનુ નરસિંહમાં દેકલા (ઉ.વ.44 મુળ રહે-6/30 રામનગર કોલોની પોચામપલી જીલ્લો નાલગૌન્ડા તેલંગણા, હાલ રહે.લોટાવાળા ગામ તા.સંતરામપુર જી.મહીસાગર)ને એલ.સી.બી. દ્વારા સંતરામપુરથી અટકાયતમાં લેવામાં આવ્યો હતો. જે બાદ આ શખ્સ ક્યાંથી ક્લોરલ હાઈડ્રેટ પાવડર લાવ્યો તેની તપાસ કરવા જુનાગઢ રેન્જ આઇ.જી.નિલેશ જાજડીયા, ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની સૂચનાથી ગુનાના મુળ સુધી પહોંચવા એલ.સી.બી.ના પીઆઈ એ.બી.જાડેજાના માર્ગદર્શન મુજબ પીએસઆઈ એ.સી.સિંધવએ વધુ તપાસ હાથ ધરતા માહીતી મળેલ કે આરોપી શ્રીનિવાસ ઉર્ફે ચીનું નરસિંહમા દેંકલાને આ પાવડર મોકલનાર મહેશ પોનચેટ્ટી હાલ મુંબઇ હોય જેને મુંબઈ ખાતેથી પકડી પાડી પુછપરછ શરૂ કરવામાં આવી હતી. આ પાવડર પ્રકાશ ઉર્ફે પપ્પુ જેઠાભાઇ ગોપવાણી પાસેથી આ કલોરલ હાઇડ્રેટ પાવડર પાવડર મંગાવતો હોવાનું અને આ પ્રકાશ પોતાનાં પાર્ટનર તિરૂપતી શંકરભાઈ એગોલપુ બન્નેએ મહારાષ્ટ્ર રાજ્યનાં પાલઘર જીલ્લાનાં વાડા તાલુકાનાં અમરાપુર ગામમાં રાજહંસ કેમિકલ્સ નામની કંપની (ફેકટરી) ચલાવતાં હોવાનું જાણવા મળેલ હોય જેને આ પાવડર મોકલ્યાની વિગત મળતા આ ત્રણેય આરોપીઓને મુંબઈ ખાતેથી ઉપાડી લઇ રાજ્યવ્યાપી કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું હતું.
સૌરાષ્ટ્રમાં પ્રથમવાર પ્રોહીબીશનના કેસમાં બીએનએસની કલમ 123નો ઉમેરો
સામાન્ય રીતે દારૂ અને તાડીના કેસમાં પ્રોહીબીશનની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવતો હોય છે પણ ગીર સોમનાથ પોલીસે આ ગુનો ફક્ત પ્રોહીબીશનનો નહિ પણ ક્લોરલ હાઈડ્રેટ પાવડરની હેરાફેરી હોય અને આ પાવડરની માત્રા વધી જતાં લઠ્ઠાકાંડ સર્જાતો હોય ત્યારે પોલીસે બીએનસીની કલમ 123નો ઉમેરો કર્યો છે. ઉલ્લેખનીય બાબત છે કે, આ કલમ હેઠળ દસ વર્ષની સજાની જોગવાઈ છે.
પાલઘરની રાજહંસ કેમિકલ પેઢી સીલ કરાવતી ગીર સોમનાથ એલસીબી
આરોપી પ્રકાશ ઉર્ફે પપ્પુ અને તિરુપતિ એગોલપુ બંને મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં રાજહંસ નામે કેમિકલ ફેક્ટરી ધરાવતા હતા અને ત્યાંથી જ આ પાવડરની હેરાફેરી કરવામાં આવતી હતી તેવું સામે આવતા ગીર સોમનાથ એલસીબીએ આ ફેક્ટરી સીલ કરાવવાની કામગીરી કરી હતી. પીએસઆઈ એ સી સિંધવની હાજરીમા પાલઘરમાં ફેક્ટરી સીલ કરવામાં આવી હતી.