- રૂ.5.17 લાખની કિંમતના દારૂ-બિયરના જથ્થા સાથે હોડી સહિતનો કુલ રૂ.12.29 લાખનો મુદ્દામાલ કબ્જે
- દારૂના 5376 ચપલા, 456 બિયરના ટીન સાથે દ્વારકાના બે શખ્સોની ધરપકડ
થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણીમાં દારૂની રેલમછેલ સર્જવા બુટલેગરો રઘવાયા થયાં છે. યેનકેન પ્રકારે દારૂ ઘુસાડવા બુટલેગરો દરરોજ નવા નવા કિમીયા અજમાવી રહ્યા છે. ત્યારે ગીરસોમનાથ એલસીબીએ બુટલેગરોના વધુ એક કિમિયાનો પર્દાફાશ કર્યો છે. દમણથી દરિયાઈ માર્ગે હોડી મારફત ચોરવાડ લઇ જવાતા રૂ. 5.17 લાખનો દારૂ-બિયરનો જથ્થો એલસીબીએ ઝડપી પાડ્યો છે. દારૂના 5376 ચપલા અને બિયરના 456 ટીન સાથે પોલીસે દ્વારકાના બે શખ્સોને ઝડપી લીધા છે.
પ્રાપ્ત વિગત મુજબ ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની દારૂ – જુગારની બદ્દી ડામવાની સૂચના હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એ બી જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન એએસઆઈ શૈલેષભાઈ ડોડીયા, હેડ કોન્સ્ટેબલ લલિતભાઈ ચુડાસમાને મળેલી સંયુક્ત બાતમીના આધારે સોમનાથ મરીન પોલીસ સ્ટેશન હેઠળજા દરિયાઈ વિસ્તારમાં હોડીમાં પ્રોહીબીશનનો દરોડો પાડવામાં આવ્યો હતો.
દરોડા દરમિયાન હોડીમાંથી આરીફ ગફૂરભાઈ ભેંસલિયા મચ્છીયારા રહે. દ્વારકા અને ઈદ્રીશ અલ્લારખા મુલતાની રહે. દ્વારકાવાળા બંને શખ્સોના કબ્જામાંથી અલગ અલગ બ્રાન્ડની રમ અને વ્હીસ્કીના કુલ 5376 ચપલા તેમજ બિયરના 456 ટીન જેની કિંમત રૂ.5.17 લાખનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો. એલસીબીએ બંને શખ્સોની ધરપકડ કરી હોડી, દારૂ, મોબાઈલ સહીત કુલ રૂ. 12.29 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બંને શખ્સોએ કબૂલાત આપી છે કે, દારૂનો જથ્થો દમણ ખાતેથી ભરી ચોરવાડ ખાતે લઇ જવાનો હતો. નશાના કાળા કારોબારમાં ગફુર ઉર્ફે બેરલો જુશબ ભેંસલિયા રહે. દ્વારકા, ક્રિશ ઉર્ફે કારિયો બાલુભાઈ કામળિયા(રહે. કોડીનાર), નિતેશ દાનાભાઇ ભાલીયા (રહે કોડીનાર), મોસીન ઉર્ફે તાવડે મનસુરી (રહે. કોડીનાર) અને દમણના અજાણ્યા છ શખ્સો સંડોવાયેલા હોવાની કબૂલાત આપી હતી.
આ કામગીરી એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ એ બી જાડેજા, એએસઆઈ શૈલેષભાઇ ડોડીયા, નરવણસિંહ ગોહિલ, ગોવિંદભાઇ વંશ, રામદેવસિંહ જાડેજા, અજિતસિંહ પરમાર, ભુપેન્દ્રસિંહ ચાવડા, હેડ કોન્સ્ટેબલ લલિતભાઈ ચુડાસમા, નટુભા બસીયા, મિસિંગ પર્સન સ્કોડના એએસ માઈ પ્રતિપાલસિંહ કાગડા, નરેન્દ્રભાઈ પટાટ, નારણભાઈ ચાવડા, કોન્સ્ટેબલ કનુભાઈ ચુડાસમા, એસઓજીના હેડ કોન્સ્ટેબલ ગોપાલસિંહ મોરી અને કોન્સ્ટેબલ મેહુલસિંહ પરમાર જોડાયા હતા.