ગીર સોમનાથ જિલ્લામાં નાળીયેરી પાકનું મુખ્યત્વે વાવેતર કરવામાં આવે છે. હાલમાં નાળીયેરી પાકમાં સફેદ માખીનો ખુબ જ ઉપદ્રવ જોવા મળેલ છે. જેમાં સફેદ માખી નાળીયેરીના પાનમાંથી રસ ચુસી અને ચીકણો સ્ત્રાવ કરે છે જેના કારણે નાળીયેરી પાન પર કાળી ફુગનો ઉપદ્રવ પણ જોવા મળે છે. આ જીવાતના નિયંત્રણના કોઇ પગલા લેવામાંના આવે તો નાળીયેરી ધીરે ધીરે સુકાય જાય છે. આ જીવાતના નિયંત્રણ માટે બગીચામાં ચોખ્ખાઇ રાખવી તથા બગીચામાં પરજીવી જિવાતો જેવીકે કાળા તથા લાલ દાળીયા, લીલી ફુદડીની વસ્તી વધે તેવા પ્રયત્નો કરવા.

ઉપરાંત પર્યાવરણ માટે સલામત હોય તેવી જૈવિક જંતુનાશક દવાઓ જેવી કે બ્યુવેરીયા બાસીયાના ૮૦ ગ્રામ અથવા નીમ ઓઇલ ૫૦ મીલી અથવા કરંજ ઓઇલ ૫૦ મીલી પ્રતિ પંપ મુજબ ભેળવી છંટકાવ કરવો. એઝાડીરેક્ટીન ૨૫ ટકા ૧૫ મીલી અથવા કાર્બોસલ્ફાન ૨૫ ઇસી ૧૫ મીલી દવાને તેટલા જ જથ્થામાં પાણી લઇ પ્લાસ્ટીકની કોથળીમાં નાખી મુળ દ્વારા માવજત આપવી. જો ખુબ વધુ ઉપદ્રવ જોવા મળે તો રાસાયણીયક જંતુ નાશકો જેવી કે એસીટામાપ્રીડ ૨૦ એસપી ૫ થી ૬ ગ્રામ અથવા બાફેનથ્રીન ૧૦ ઇસી ૭.૫ મીલી અથવા સ્પાઇરોમેસીફેન ૨૨.૯ એસસી ૧૫ થી ૨૦ મીલી પ્રતિ પંપ મુજબ કોઇ એક દવા ભેળવી સમગ્ર ઝાડ આવરી લેવાય તે રીતે છંટકાવ કરવા નાયબ બાગાયત નિયામકની કચેરી ગીર-સોમનાથ દ્વારા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.