- જિલ્લા ક્લેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના હસ્તે કલેક્ટર કચેરી ખાતે ઘોડિયાઘર બેડમિન્ટન કોર્ટ અને સ્પોર્ટસ રૂમનું લોકાર્પણ
- માતાની ચિંતા હળવી કરવાનો વિનમ્ર પ્રયાસ એટલે ઘોડિયાઘર : કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા
- કર્મચારીઓની માનસિક સુસજ્જતા વધે અને કાર્યબોજ વચ્ચે હળવાશ અનુભવે તે માટે કલેક્ટર કચેરી ખાતે બેડમિન્ટન કોર્ટ અને સ્પોર્ટ્સ રૂમનું નિર્માણ
ગીર સોમનાથ
કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ ગતરોજ ઈણાજ ખાતે આવેલી કલેક્ટર કચેરી ખાતે નવનિર્મિત ઘોડિયા ઘર બેડમિન્ટન કોર્ટ અને સ્પોર્ટસ રૂમનું લોકાર્પણ કર્યું હતું. કલેક્ટરએ આ અંગે જણાવ્યું હતું કે આજકાલ પુરુષો સાથે ખભેખભો મિલાવીને મહિલાઓ પણ સરકારી તંત્રમાં કાર્ય કરી રહી છે. ત્યારે તેમના બાળકના ઉછેરની જવાબદારી એ મોટો પ્રશ્ન બની રહે છે. બાળકને પણ માતાની સતત હૂંફ અને કાળજીની જરૂર હોય છે. તેવા સમયે જો માતા તેની આસપાસમાં જ હોય તો બાળક પણ એક પ્રકારની હળવાશ અનુભવે છે. તે ધ્યાનમાં રાખીને કલેક્ટર કચેરી ખાતે કાર્યરત મહિલા કર્મચારીઓ, અધિકારીઓના બાળકોને પોતિકાપણું અનુભવાય અને આનંદ કિલ્લોલ સાથે રહી શકે તે માટે કલેક્ટર કચેરીના ભોંયતળિયે ઘોડિયાઘરનું નિર્માણ કરવામાં આવ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું કે આ ઘોડિયાઘરનું નિર્માણ કરવાનો હેતુ માતાની ચિંતા હળવી કરી માતા બાળકનું ધ્યાન રાખવા સાથે પોતાના કામમાં પણ પૂરતું ધ્યાન આપી શકે તેવો છે. આ ઘોડિયાઘર બાળકોને રમવા માટેના અને મનોરંજનના સાધનો સાથે બાળકોને મજા પડે તે રીતે કાર્ટૂનોથી સુશોભિત દિવાલો સાથે વાતાનુકૂલિત બનાવવામાં આવ્યું છે. આ ઘોડિયાઘરમાં બાળકોને આરામ કરવા માટે બેડ, લસરપટ્ટી, હિંચકવા માટે ઘોડા, હોડી અને અવનવાં રમકડાંની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે.
આ અવસરે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓના હસ્તે જિલ્લા કલેક્ટર અને નિવાસી અધિક કલેક્ટરના સ્કેચ સાથે અભિવાદન કરવામાં આવ્યું હતું. આ સાથે જ કલેક્ટર કચેરી ખાતે કાર્યરત અધિકારીઓ અને કર્મચારીઓની માનસિક સુસજ્જતા વધે અને તેઓ પણ તેમના કાર્યબોજ વચ્ચે થોડી હળવાશની પળો અનુભવી શકે સાથે જ શારીરિક ક્ષમતાનું વર્ધન થાય તેવા ઉદ્દેશ્યથી સ્પોર્ટ્સ રૂમનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સ્પોર્ટ્સ રૂમમાં મહિલા અને પુરુષોના ચેન્જિંગ રૂમ સાથે ટેબલ-ટેનિસ, ચેસ, કેરમ, લૂડો, ડાર્ટ ગેમ જેવી ઈન્ડોર ગેમ ઉભી કરવામાં આવી છે. તે સાથે કલેક્ટર કચેરીમાં જ બેડમિન્ટન કોર્ટ પણ બનાવવામાં આવી છે. જેનો કર્મચારીઓ અને અધિકારીઓ બ્રેકના સમયે ઉપયોગ કરી શકશે.
જિલ્લા કલેક્ટરએ આજે ઘોડિયાઘર અને સ્પોર્ટ્સ રૂમની સવલતોનું નિરીક્ષણ કરીને પોતાનો રાજીપો વ્યકત કરતાં બેડમિન્ટન અને ટેબલ ટેનિસ પર હાથ અજમાવ્યો હતો અને પોતાની આગવી ખેલપ્રતિભાના દર્શન કરાવ્યા હતાં. તેમણે કર્મચારીઓને ઉદ્દેશીને જણાવ્યું હતું કે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઉભી કરાયેલી આ વ્યવસ્થાઓનો અધિકારીઓ અને કર્મચારીઓ યોગ્ય જાળવણી સાથે પોતાની સુસજ્જતા વધારવા ઉપયોગ કરે અને માનસિક તાણ દૂર કરવા સાથે પોતાના કામમાં શ્રેષ્ઠતા હાંસલ કરે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ અવસરે નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પલ્લવીબહેન બારૈયા, નાયબ કલેક્ટર-1 ભૂમિકાબહેન વાટલિયા, જિલ્લા પુરવઠા અધિકારી એન.બી.મોદી સહિત જિલ્લાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
અહેવાલ : અતુલ કોટેચા