- કુદરતી આપદાઓને ખાળવા અને હરીભરી પૃથ્વી માટે વૃક્ષો ખૂબ જ આવશ્યક : કુંવરજી બાવળિયા
Gir somnath : વેરાવળ પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ વેરાવળ બાયપાસ પાસે આવેલ ફિશરીઝ કોલેજ પાસેથી 75માં જિલ્લા વન મહોત્સવની શરૂઆત કરવામાં હતી. મંત્રી અને મહાનુભાવોએ એક-એક વૃક્ષ વાવીને તેમજ ઓક્સીજન રથને પ્રસ્થાન કરાવીને જિલ્લામાં વન મહોત્સવના મંગલાચરણ કરાવ્યાં હતાં.
મંત્રીએ વન મહોત્સવની મહત્તા વિશે જણાવ્યું કે, વૃક્ષો મનુષ્ય જીવન સાથે આજીવન જોડાયેલા છે. મનુષ્યના જન્મ વખતે ઘોડિયાથી માંડીને મૃત્યુની મૃત્યુશૈયા સુધી વૃક્ષ ઉપયોગી છે. ત્યારે આ પૃથ્વીને હરીભરી રાખવા માટે વૃક્ષોનું જતન અને સંવર્ધન આવશ્યક છે.
મંત્રીએ વધુમાં જણાવ્યું કે, કુદરતી આપદાઓ જેવી કે, ગ્લોબલ વોર્મિંગ, ત્સુનામી, ભૂસ્ખલન અટકાવવા માટે વૃક્ષો ઉપયોગી છે. કોરોનાકાળમાં ઓક્સીજનની શું મહત્તા હતી. તેની આપણને કટોકટી કાળમાં સમજણ પડી હતી. તેને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ માતૃસ્મૃતિને ચિરંજીવ કરવા માટે ‘એક પેડ મા કે નામ’ અભિયાનથી સમગ્ર દેશમાં વ્યાપક વૃક્ષારોપણ થાય તે માટેની મુહિમ ચલાવી છે.
વૃક્ષોના જતનથી જમીનનું ધોવાણ અટકે છે, પાણીનું વ્યાપક પ્રમાણમાં સિંચન થાય છે, ત્યારે પૃથ્વીને રણિયામણી બનાવી રાખવા માટે વ્યાપક લોકજાગૃતિ અને પરિપક્વતા જરૂરી છે. આ મહત્તાને પારખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ ૨૦૦૪માં રાજ્યમાં વિવિધ થીમ આધારિત સાંસ્કૃતિક વનોના નિર્માણની પરંપરા શરૂ કરી હતી અને આ પરંપરા દ્વારા રાજ્યમા સાંસ્કૃતિક ધરોહરને પણ સાથે જોડીને માંગલ્ય વન, નાગેશ વન, જાનકી વન, જડેશ્વર વન જેવા ૨૩ સાંસ્કૃતિક વનોનું નિર્માણ કરવામાં આવ્યું છે.
તાજેતરમાં દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકા ખાતે આવેલ હરસિદ્ધિ માતાના મંદિર પાસે હરસિદ્ધિ વનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખુલ્લું મૂક્યું હતું. તે જ રીતે તાજેતરમાં જૂનાગઢના ભાલછેલ ખાતે વ્યાપક જનસહયોગ સાથે મુખ્યમંત્રીએ ‘માતૃવન’ને ખુલ્લું મૂક્યું હતું.
સામાજિક વનીકરણની મહત્તા પારખીને સન.1950માં તત્કાલિન કેન્દ્રીય કૃષિ મંત્રી અને પ્રખર વિદ્વાન ક.મા.મુનશીએ દેશમાં વન મહોત્સવની શરૂઆત કરાવી હતી. તેનો ઉલ્લેખ કરીને મંત્રીએ જણાવ્યું કે, સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં નર્સરીઓના માધ્યમથી 6.5 લાખ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું છે. જેનાથી ’ગ્રીન ગુજરાત, રણિયામણા ગુજરાત’ની વિભાવના ખરા અર્થમાં સાર્થક થશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, જિલ્લાકક્ષાએ વ્યાપક પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર થાય તે માટે મહાનુભાવો અને પદાધિકારીઓને સાથે રાખીને વ્યાપક વૃક્ષારોપણના કાર્યક્રમો વનવિભાગ દ્વારા હાથ ધરવામાં આવે છે. ઘેલા સોમનાથથી સોમનાથ સુધીની કુદરતી સંપદાથી હરીભરી પટ્ટી ગીર સોમનાથ જિલ્લો ધરાવે છે ત્યારે છોડમાં રણછોડની ઉક્તિને સાર્થક કરતા વૃક્ષોનું યોગ્ય જતન થાય તે માટે જિલ્લાના નાગરિકોને તેમણે આહ્વાન કર્યું હતું.
સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું કે, પૃથ્વી પર વૃક્ષોના ઘટતા જતા આવરણને લીધે પર્યાવરણની વ્યાપક અસમતુલા ઉભી થઈ છે. આ પર્યાવરણને બચાવવા માટે સામાજિક સંસ્થાઓ સાથે સામાન્ય નાગરિક સમાજની પણ મોટી જવાબદારી છે. વૃક્ષો વાવવામાં આવે છે પરંતુ તેનું છેક સુધી માવજત ન થવાના કારણે તે પરિપક્વ બનતું નથી. જેનો પૃથ્વીને જોઈએ એટલો લાભ મળતો નથી. ગ્રીન-કલીન ગુજરાત સાથે તેમણે ગીર સોમનાથ જિલ્લાને પણ ગ્રીન અને ક્લીન બનાવવા આહ્વાન કર્યું હતું.
અગ્રણી મહેન્દ્ર પીઠિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માતા હયાત હોય તો તેને સાથે રાખીને અને જો દિવંગત હોય તો તેનો ફોટો સાથે રાખીને માતાની સ્મૃતિ જળવાઈ રહે તે માટે એક પેડ માં કે નામ અભિયાન છેડ્યું છે. એક વ્યક્તિ એક વૃક્ષ વાવે એટલું જ નહીં પરંતુ તે વટવૃક્ષ બને તેની પણ આપણે કાળજી રાખવી જોઈએ. શક્ય બને તો ઘર, શેરી કે જાહેર સ્થળ જ્યાં વૃક્ષ વાવવાની જગ્યા હોય ત્યાં વૃક્ષ વાવીને પ્રકૃતિના જતનની નૈતિક જવાબદારી આપણે નિભાવવી જોઈએ.
વન્યજીવ વર્તુળ, જૂનાગઢના મુખ્ય વનસંરક્ષક આરાધના સાહુએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ ‘હરસિદ્ધિ વન’ના લોકાર્પણથી 75માં વન મહોત્સવની શરૂઆત કરી છે. જ્યારે કોરોના સહિતની કુદરતી આફતોના સમયમાં વૃક્ષો નાગરિકોને બચાવ કરવામાં મદગાર બને છે. તેથી નાગરિકો, સંસ્થાઓ, એનજીઓ સહિતનાઓએ ‘એક પેડ મા કે નામ’ અભિયાનમાં સહભાગી બનીને એક વૃક્ષ વાવીને તેનો ઉછેર થાય તે સુનિશ્ચિત કરવું જોઈએ.
ટ્રાન્સપોર્ટ પ્રભાગ, જૂનાગઢના નાયબ વન સંરક્ષક શ્રી દક્ષા ભારાઈએ સામાજિક વનીકરણની કામગીરી વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, 75માં વન મહોત્સવ અંતર્ગત જિલ્લાના 6 તાલુકાઓમાં અલગ-અલગ રેન્જ હેઠળ સખીમંડળ, ખેડૂતમિત્રો, સામાન્ય નાગરિકોને 9.51 લાખ રોપાઓના વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે.
સામાજિક વનીકરણ વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર રસીલા વાઢેરે આભારવિધિ કરી 75માં વનમહોત્સવને સફળ બનાવવા માટે સીધી કે આડકતરી રીતે સહભાગી થયેલા અધિકારીઓ-પદાધિકારીઓ તેમજ ખાસ કરીને મત્સ્ય વિજ્ઞાન મહાવિદ્યાલયના આચાર્યનો આભાર પ્રગટ કર્યો હતો.
આ પ્રસંગે ઉનાના ધારાસભ્ય કે.સી.રાઠોડ, વેરાવળ-પાટણ નગરપાલિકા પ્રમુખ પલ્લવી જાની, મદદનીશ વન સંરક્ષક વિકાસ યાદવ, ફિશરીઝ કોલેજના આચાર્ય એસ.આઈ. યુસુફઝઈ, વેરાવળ શહેર મામલતદાર જેઠા શામળા સહિત વિદ્યાર્થીઓ-શિક્ષકો, વન વિભાગના કર્મચારીઓ પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
અતુલ કોટેચા