- પ્રાકૃતિક અને રક્ષણાત્મક ખેતી થકી ખેડૂતો દ્વારા પોતાની આવકમાં વૃદ્ધિ કરાઈ
- ક્રોપ કવરની મદદથી મરચીની ખેતી કરી આવકમાં વધારો કરતા ખેડૂત માલદે રામ
- ઋતુ પરિવર્તનમાં ફેરફાર સામે ક્રોપ કવર રક્ષણ આપે છે
- ક્રોપ કવર માટે સરકાર દ્વારા સહાય પૂરી પડાશે
પ્રાકૃતિક અને રક્ષણાત્મક ખેતી થકી ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો પોતાની આવકમાં વૃદ્ધિ કરી રહ્યાં છે. આ દરમિયાન ખેડૂત માલદે રામ પોતાના 3 વિઘા ખેતરમાં ક્રોપકવરની મદદથી શિયાળામાં મરચીનું વાવેતર કરી અને આવક વધારી રહ્યાં છે. શાકભાજી પાકો માટે HRT-2 યુનિટ કોસ્ટ અંતર્ગત ક્રોપ કવર સહાય માટે મહત્તમ રૂ50,000/- પ્રતિ હેક્ટર ખર્ચના 50% કે મહત્તમ રૂ.25,000/-પ્રતિ હેક્ટરની મર્યાદામાં, બે માંથી જે ઓછું હોય તે સહાય ખેડૂતને મળવાપાત્ર રહેશે. તેમજ ખાતાદીઠ અને લાભાર્થીદીઠ ઓછામાં ઓછા 0.20 હેકટરથી મહત્તમ 2.00 હેકટર સુધીના વાવેતરમાં ઉપયોગ કરેલ કવર/બેગ માટે આજીવન એકવાર સહાય મળવાપાત્ર રહેશે.
અનુસાર માહિતી મુજબ, પ્રાકૃતિક અને રક્ષણાત્મક ખેતી થકી ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો પોતાની આવકમાં વૃદ્ધિ કરી રહ્યાં છે. કૃષિ ક્ષેત્રે થતાં મહત્તમ સંસાધનોનો ઉપયોગ અને સંશોધનો થકી ખેડૂતો પોતાની જમીનની ફળદ્રુપતાને પુનઃજીવીત તો કરી જ રહ્યાં છે. આ સાથે જ અનેકવિધ મિશ્રપાકોના વાવેતર થકી આર્થિક ઉપાર્જન કરી રહ્યાં છે.
આવા જ એક મહેનતકશ ખેડૂત માલદે રામ પોતાના 3 વિઘા ખેતરમાં ક્રોપકવરની મદદથી શિયાળામાં મરચીનું વાવેતર કરી અને પોતાની આવક વધારી રહ્યાં છે. આ ઉપરાંત માલદેએ જણાવ્યું હતું કે, 1 વિઘામાં મરચીના પાકના માધ્યમથી અંદાજિત રૂ. દોઢ લાખનું ઉત્પાદન મેળવી શકાય છે. આ રીતે મેં મારા 3 વિઘા ખેતરમાં મરચીનું વાવેતર કર્યું છે. જ્યારે ખેતીની ટેક્નોલોજીસભર નહોતી, ત્યારથી હું મરચીનું વાવેતર કરૂં છું પરંતુ ટેક્નોલોજી આવ્યા પછી હવે પરંપરાગત ખેતી કરતાં ખૂબ જ ફાયદો થયો છે. ટેક્નોલોજીના કારણે શારીરિક શ્રમ ઘટ્યો છે અને ખેત ઉત્પાદનમાં ફાયદો પહોંચે છે.
અમે મરચીનું વાવેતર અનેક પદ્ધતિથી કરેલું છે. પહેલા જમીનમાં ફૂગ ખૂબ જ પરેશાન કરતી હતી એટલે અમે ડ્રિપ પદ્ધતિથી ખેતી કરવા લાગ્યાં હતાં. જોકે, દર વર્ષે ક્લાઈમેટ ચેન્જના કારણે ક્રોપ કવર પદ્ધતિથી મરચીનું ઉત્પાદન મેળવવા લાગ્યાં છીએ. આ રીતે ક્રોપ કવર પદ્ધતિથી ખૂબ જ ફાયદો થયો છે.
શું છે ક્રોપ કવર પદ્ધતિ?
ક્રોપ કવર એ એક પ્લાસ્ટિકનું આવરણ છે. આ આવરણનો ઉપયોગ છોડને ઢાંકવા માટે થાય છે. પાકની હરોળ ઉપર ક્રોપ કવરની ઝીગઝેગ પ્રકારની વ્યવસ્થા ગોઠવી અને છોડને આવરી લેવામાં આવે છે. પાકનું આવરણ પાકને જંતુઓ, પવન, વરસાદ અને તડકાથી બચાવવામાં મદદરૂપ થાય છે.
આમ, જમીનની ફળદ્રુપતામાં ઘટાડો, તાપમાનમાં વધારો-ઘટાડો અને ઋતુ પરિવર્તન જેવી મુશ્કેલીઓના કારણે પ્રતિકૂળ અસર પડે છે. જેથી ખેતરના પાકોની ઉત્પાદન ક્ષમતા ધીરે ધીરે ઘટતી જાય છે. આવી જૂદી-જૂદી સમસ્યાઓને પહોંચી વળવા કૃષિ ક્ષેત્રે થયેલા સંશોધનોના ઉપયોગ થકી માલદેભાઈ નફો રળી રહ્યાં છે.
ક્રોપ કવર માટે સરકાર દ્વારા અપાય છે સહાય:-
ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા વખતોવખત જાહેર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિકેતા પાસેથી આ ક્રોપ કવર ની ખરીદી કરવાની હોય છે. શાકભાજી પાકો માટે HRT-2 યુનિટ કોસ્ટ અંતર્ગત ક્રોપ કવર સહાય માટે મહત્તમ રૂ. 50,000/- પ્રતિ હેક્ટર ખર્ચના 50% કે મહત્તમ રૂ.25,000/-પ્રતિ હેક્ટરની મર્યાદામાં, બે માંથી જે ઓછું હોય તે સહાય ખેડૂતને મળવાપાત્ર રહેશે. તેમજ ખાતાદીઠ અને લાભાર્થીદીઠ ઓછામાં ઓછા 0.20 હેકટરથી મહત્તમ 2.00 હેકટર સુધીના વાવેતરમાં ઉપયોગ કરેલ કવર/બેગ માટે આજીવન એકવાર સહાય મળવાપાત્ર રહેશે.
અહેવાલ : અતુલ કોટેચા