ગેરરીતિ મુકત અને પારદર્શક રીતે પરીક્ષાના આયોજન અને સંચાલન માટે પરીક્ષા તંત્ર સજ્જ
વિદ્યાર્થીઓનાં ભવિષ્ય ઘડતર માટે મહત્વની ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષાઓ આગામી તા. ૭ માર્ચથી શરૂ થશે. આ પરીક્ષામાં ગીર-સોમનાથ જિલ્લામાં કોઇપણ પ્રકારની ગેરરીતી ના થાય, મુક્ત અને પારદર્શક રીતે પરીક્ષા યોજવા પરીક્ષાતંત્ર સજ્જ છે. આ પરીક્ષામાં ગેરરીતી કરનાર વિદ્યાર્થી હોય, શિક્ષક, સંચાલક કે કોઇપણ ચમરબંધી હશે તો તેમની સામે કાર્યવાહી થશે. તેમ જિલ્લા કલેકટર અજયપ્રકાશે જિલ્લા સેવાસદન, ઇણાજ ખાતે યોજાયેલ જિલ્લા પરીક્ષા સમિતિની બેઠકમાં જણાવ્યું હતું.
જિલ્લામાં ધો.૧૦માં ૨૫,૦૫૨, ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૨૧૨૦ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૧૪,૦૭૬ એમ કુલ ૪૧,૨૪૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધો.૧૦ માટે ૨૬ પરીક્ષા કેન્દ્રો ૮૩ બિલ્ડીંગ અને ૮૭૯ બ્લોક, ધો. ૧૨ સામાન્ય પ્રવાહ ૧૩ કેન્દ્રો ૪૫ બિલ્ડીંગ અને ૪૬૪ બ્લોક તેમજ ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૪ પરીક્ષા કેન્દ્ર ૧૧ બિલ્ડીંગ અને ૧૧૭ બ્લોકમાં પરીક્ષા લેવાશે.
જિલ્લામાં પરીક્ષા માટે સંવેદનશીલ કેન્દ્રો ઉપર વિશેષ કાળજી લેવાશે અને પરીક્ષામાં બાધારૂપ થતા તત્વો સામે કડક હાથે કામ લેવાશે તેમ જણાવી જિલ્લા કલેકટરે કહ્યું કે, માત્ર ત્રણ કલાકની મહેનત સામે આખું વર્ષ ૩૬૫ દીવસ મહેનત કરનાર ધીર ગંભીર અને હોશીયાર વિદ્યાર્થીઓને પરીક્ષામાં અન્યાય ના થાય તેની પુરતી તકેદારી લેવાશે.
પરીક્ષા ખંડમાં પરીક્ષાર્થીઓ શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપી શકે તેના માટે સુચારૂ આયોજન કરાયું છે. વાલીગણ પણ સહયોગી બને તે જરૂરી છે. જિલ્લા પરીક્ષા સમિતિની બેઠકમાં જિલ્લા પ્રા. શિક્ષણાધીકારી સગારકા, જિલ્લા માહિતી અધિકારી અર્જૂન પરમાર, પોલીસ ઇન્સપેકટર વાજા, શિક્ષણસંઘનાં હોદ્દેદારો, ઝોનલ અધિકારીઓ, પરિક્ષા સમિતિ સાથે સંકળાયેલા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.