જિલ્લાભરની પોલીસ લોકોની મદદે, નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડયા : એસપી મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટિમ સતત ખડેપગે

ગીર સોમનાથ જિલ્લામાં આભ ફાટ્યું છે. જિલ્લામાં ગત રાત્રિથી મેઘરાજા ઓળઘોળ થયા હોય એમ અનરાધાર હેત વરસાવવાનું શરૂ કર્યા બાદ સવાર સુધીમાં સાંબેલાધાર વરસાદ વરસાવી દેતાં પાણી પાણી કરી દીધું હતું. એમાં સુત્રાપાડામાં સાત કલાકમાં 12 ઇંચ, કોડીનારમાં સાતેક કલાકમાં 9 ઇંચ અને વેરાવળ-સોમનાથમાં છ કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે.

IMG 20220706 WA0031

પગલે સુત્રાપાડા અને કોડીનાર શહેર તથા પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. આ દરમિયાન એસપી મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લાભરની પોલીસ લોકોની મદદે દોડી રહી છે. હાલ સમગ્ર જિલ્લાની પોલીસ લોકોની સેવા માટે ખડેપગે ફરજ બજાવી રહી છે. ભારે વરસાદને પગલે વેરાવળ-કોડીનાર વચ્ચે પેઢાવાડા પાસે હાઇવેનાં કામ અંતર્ગત કઢાયેલા રસ્તાઓ સોમત નદીના પૂરના પાણીમાં ગરકાવ થતાં વાહન-વ્યવહાર ખોરવાઇ જતાં બંન્ને તરફ વાહનોની લાઇનો લાગી હતી.

તો ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ અને ખેતરો પાણીમાં ગરકાવ થયાં છે. સુત્રાપાડા શહેર-પંથકમાં ગત રાત્રિના અઢી વાગ્યા આસપાસ મેઘરાજાએ પધરામણી કર્યા બાદ વહેલી સવારે સાત વાગ્યા સુધી અનરાધાર વરસાદ વરસ્યો હતો. આ બાદ પણ વરસાદ ધીમી ધારે વરસવાનું ચાલુ જ હતું. આમ, સાત કલાકમાં 1ર ઇંચ જેવો વરસાદ વરસી જતાં શહેર-પંથકમાં ઠેરઠેર પાણી ભરાઇ ગયા હતા. મટાણા સહિતનાં અનેક ગામો બેટમાં ફેરવાઇ ગયાનાં દૃશ્યો સામે આવ્યાં છે. કોડીનાર પંથકમાં પણ ગત રાત્રિથી જ મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે, જે સવારે પણ અવિરત ચાલુ હતા.

IMG 20220706 WA0026 1

કોડીનાર શહેર-પંથકમાં સાતેક કલાકમાં 9 ઇંચ જેટલો વરસાદ વરસી જતાં જળમગ્ન જેવી સ્થિતિ અનેક જગ્યાએ જોવા મળી હતી. કોડીનાર શહેરની અનેક સોસાયટીઓ, રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. પોલીસે નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને સલામત રીતે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.