ગીર સોમનાથ સમાચાર
વેરાવળની સેન્ટ મેરી સ્કૂલ ખાતે ગીર સોમનાથ જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઇ હતી. જેમાં તાલુકા અને નગરપાલિકા કક્ષાએથી વિજેતા થયેલ ખેલાડીઓએ જિલ્લાકક્ષાની આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિજેતા થનાર ખેલાડીઓ રાજ્યકક્ષાની સ્પર્ધામાં પોતાનું કૌવત બતાવશે. જિલ્લા કક્ષાની આ સ્પર્ધામાં વિજેતા થનાર તમામ ખેલાડીઓને રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાશે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઇ હતી. જેમાં તાલુકા અને નગરપાલિકા કક્ષાએ ઉર્તીણ થયેલા ૪૩ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ૯ થી ૬૫ વર્ષ સુધીના સ્પર્ધકો જોડાયા હતા. અંતે ભાઇઓમાં અનિરૂધ્ધસિંહ સોઢા, યજ્ઞેશભાઇ વાળા, અનિલભાઇ બાંભણિયા વિજેતા થયા હતા. જ્યારે બહેનોમાં સંગીતાબેન વાળા, નેહાબેન ઠક્કર અને કૃપાબેન તન્ના વિજેતા બન્યા છે. આ વિજેતા સ્પર્ધકોને પ્રથમ નંબર આવનારને રૂા.૨૧,૦૦૦, દ્વિતીય નંબરને રૂા.૧૫,૦૦૦ અને તૃતીય નંબરને રૂા.૧૧,૦૦૦ ઇનામ આપવામાં આવશે. અને હવે તે રાજ્યકક્ષાએ રમવા જશે.
આ સ્પર્ધામાં ભાગ લેનાર ૬૬ વર્ષના હર્ષદભાઇ કરંગીયાએ જણાવ્યું હતું કે, આજે જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લીધો છે. કારણ કે, હું નગરપાલિકા કક્ષાએ અવ્વલ આવ્યો હતો. તેમણે સૂર્ય નમસ્કાર અંગે વાત કરતા કહ્યું કે, નિરોગી જીવન જીવવા માટે સૂર્ય નમસ્કાર જરૂરી છે. ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરી લોકોનું સ્વાસ્થ્ય સારૂ રાખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જે આનંદની વાત છે. સૂર્ય નમસ્કાર થકી શરીર તો તંદુરસ્ત રહે છે. પરંતુ મન પણ પાવર ફુલ રહે છે. આથી દરેક લોકોએ તંદુરસ્ત રહેવા માટે સૂર્ય નમસ્કાર કરવા જોઇએ તેમ અંતે કહ્યું હતું.