આરોગ્ય તંત્રએ સતત ખડેપગે રહીને 567 લોકોને આરોગ્ય સેવા પૂરી પાડી
વાયુ વાવાઝોડાની આગાહી અને ચાલુ વરસાદ પવન દરમ્યાન આરોગ્ય વિષયક અગમચેતીનાં ભાગરૂપે ગીર-સોમનાથ જિલ્લાનાં આરોગ્ય વિભાગ દ્વારા દરીયાકાંઠાનાં 47 ગામો સહિતનાં વિસ્તારોમાં 246 આરોગ્ય કર્મચારીની 82 ટીમ બનાવી સ્થળાંતરિત કરેલ 142 જગ્યાઓ પર રોજ સવાર અને સાંજના સમયે વાહન સાથે ડોકટર દવા સાથે જઇને 567 વ્યક્તિઓને આરોગ્ય સેવા પુરી પાડી હતી અને આ જગ્યાઓમાં કોલોરીનેશન તપાસેલ અને જરૂરી દવાની કીટ આપવામાં આવી હતી. ઉપરાંત એક આરોગ્ય સ્ટાફને છાવણી વાળી જગ્યાએ સ્ટેન્ડબાય રાખેલ હતા. તેમજ જિલ્લાકક્ષાએ કંટ્રોલરૂમ પર પાંચ ઇમરજન્સી ટીમ તથા તાલુકા મથકની ઇમરજન્સી ટીમને જુદા-જુદા વિસ્તારમાં મોનીટરીંગ કરેલ હતું અને રોગચાળો ન ફેલાય તેની પુરી તકેદારી રાખવામાં આવેલ હતી.
પ્રસુતા બહેનોનાં આરોગ્ય પર વિશેષ તકેદારી રાખવામાં આવી હતી. ગીર-સોમનાથ જિલ્લાનાં 504 પ્રસુતા બહેનોને સંસ્થાકીય પ્રસુતિ થાય તે માટે આરોગ્ય વિભાગે રીફર કરવામાં આવ્યા હતા. તા. 12 જુન નાં રોજ 24 પ્રસુતાને અને 13 જુન નાં રોજ 60 પ્રસુતાને સંસ્થાકીય પ્રસુતિ કરાવેલ હતી. તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.બી.એલ.આચાર્યની યાદીમાં જણાવાયું છે.