- જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ ડી. જાડેજાએ સ્થળની રૂબરૂ મુલાકાત લીધી
- વેરાવળ તાલાલા રોડ (ઉમરેઠી ગામના પાટિયા) ઉપર બંને બાજુ પરના વાણિજ્ય દબાણો દૂર કર્યા
- પાણીનો પ્રવાહ સીધો હિરણ નદીમાં જાય તે માટે પાઇપ ક્લવર્ટ નાખવાની કામગીરી યુદ્ધના ધોરણે શરુ કરાઈ.
ગીર સોમનાથ ન્યૂઝ : તાલાલા તાલુકાના વેરાવળ-તાલાળા રોડ (ઉમરેઠી પાટીયા) ખાતે રસ્તાની બંને બાજુ સામાજિક વનીકરણની જમીનમાં વાણિજ્ય હેતુના દબાણોના કારણે રસ્તાની બંને બાજુથી પસાર થતા પાણીના વહેણમાં અવરોધ ઊભો થતાં ગત વર્ષ ચોમાસાની ઋતુમાં ભારે વરસાદના કારણે રસ્તા પર ભારે પાણી ભરાતા, રસ્તા પરનો વાહન વ્યવહાર ખોરવાઈ જવાની તથા આગળ વેરાવળ શહેરના કેટલાક ભાગોમાં પાણી ભરાઈ જવાથી મોટી જાનમાલ હાની થાય તેવી સમસ્યા ઉદ્દભવતી હતી.
જેથી જિલ્લા કલેકટરશ્રી દિગ્વિજયસિંહ ડી. જાડેજા દ્વારા આ સમસ્યાના કાયમી નિરાકરણ અને ગત વર્ષ જેવી પરીસ્થિતિનું નિર્માણ ફરી વાર ન થાય તે માટે રૂબરૂ સ્થળ પર મુલાકાત લઈ, આ વહેણ પરના વાણિજ્ય દબાણો દૂર કરી વહેણનું પાણી સીધું હિરણ નદીમાં જાય તે માટે પાઇપ ક્લવર્ટ નાંખવાની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા સૂચના આપતા,અધિક નિવાસી કલેકટરશ્રી રાજેશ આલના માર્ગદર્શન હેઠળ તાલાલા મામલતદારશ્રી, માર્ગ અને મકાન વિભાગ અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓની ટીમ દ્વારા ઉમરેઠી પાટીયાએ આવેલ કુલ ૧૫ દુકાન ધારકોને નિયમોનુસાર નોટિસ આપીને ૩૯૭૦ સ્ક્વેર ફૂટ જમીન કે, જેની કિંમત ૧.૮ કરોડની છે તેનું દબાણ દૂર કરી, વહેણમાંથી પાણીનો પ્રવાહ સીધો હિરણ નદીમાં જાય ત્યાં રસ્તા ઉપર પાઈપ કલવર્ટ બનાવીને ભૂંગળા નાખવાની કાર્યવાહી યુદ્ધનાં ધોરણે ચાલુ કરવામાં આવેલ છે.
વધુમાં પ્રી મોન્સુન કામગીરીના ભાગરૂપે વેરાવળ- તાલાલા રોડની બંને બાજુની હયાત ગટરોને ડીસિલટીંગ કરી ઊંડી ઉતારવામાં આવી છે જેથી કરીને વધુ પાણીનો પ્રવાહ તેમાંથી પસાર થઈ શકે અને રોડ પર ઓવર ટોપિંગના કારણે કોઈપણ વાહન વ્યવહાર પણ ખોરવાઈ નહીં તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
લીલાધર હિરવાણી