-
બાયોડિગ્રેબલ થેલીના વિતરણનો બાબરિયા રેન્જ ખાતેથી પ્રારંભ કરાવતા જિલ્લા કલેક્ટર
-
પ્લાસ્ટિક મુક્ત કુદરતનું જતન આપણાં વાણી, વર્તન અને વ્યવહારમાં વણાવવું જરૂરી : કલેક્ટર
-
પ્લાસ્ટિક મુક્ત ગીર જંગલનો સંકલ્પ સાકાર કરીએ: નાયબ વન સંરક્ષક
Gir somnath: જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ ગીરગઢડા તાલુકાના બાબરિયા ખાતેથી પાતાળેશ્વર મહાદેવ દર્શન માટે આવતા દર્શનાર્થીઓ તેમની દર્શનયાત્રા સાથે પ્લાસ્ટિકની થેલીની જગ્યાએ કાપડની થેલીનો ઉપયોગ કરે તે માટે દર્શનાર્થીઓને બાયોડિગ્રેડેબલ બેગ આપીને ગીર જંગલને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના “રુંધાય છે શ્વાસ હવે કુદરતનો, ઉપયોગ બંધ કરો પ્લાસ્ટિકનો”ની થીમ સાથેના અભિયાનનો નાયબ વન સંરક્ષક વિકાસ યાદવ અને વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો. ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, પ્લાસ્ટિકનો વપરાશ ન કરવો એ જીવનમાં આદત કેળવવાની વાત છે. પ્લાસ્ટિકમુક્ત રહેવાથી અસીમીત પર્યાવરણનું રક્ષણ થાય છે. જો આપણે પ્રકૃતિનું સંરક્ષણ કરી શકતા નથી તો તેને પ્રદુષિત કરવાનો પણ આપણને કોઈ અધિકાર નથી.
જંગલને સાચવવા કડક નિયંત્રણોની જરૂરિયાત
તેમણે આ સંદર્ભમાં વધુ જણાવતા કહ્યું હતું કે, લોકો કિડિયારું પૂરવાની કલ્યાણભાવના દર્શાવે છે. પરંતુ ધ્વનિ પ્રદૂષણથી જંગલના પશુ-પક્ષીઓને ઘણું નુકસાન થાય છે. તેના વિશે વિચારતા નથી. પાતાળેશ્વર મહાદેવ પવિત્ર ધાર્મિક સ્થળ છે. તેની ધાર્મિક આસ્થા સાથે પર્યાવરણ પ્રત્યેની નિષ્ઠા વધુ બળવત્તર બને તે માટે નાગરિક સમાજ આગળ આવે તે સમયની તાતી જરૂરિયાત છે. ગીરનું જંગલ વિશ્વકક્ષામાં આવે તે પ્રકારની વિવિધતા ધરાવતું જંગલ છે. પરંતુ આપણે ક્યાંક ને ક્યાંક અનુશાસનના અભાવે તેને નુકસાન પહોંચાડીએ છીએ. તેમણે જંગલને સાચવવા કડક નિયંત્રણોની જરૂરિયાત પણ આ તકે વર્ણવી હતી.
કલેક્ટરએ પાતાળેશ્વર મહાદેવના મહંતને પણ અનુરોધ કરતા જણાવ્યું હતું કે, ધર્મસત્તાની વાત નાગરિકો સામાન્ય રીતે સારી રીતે સાંભળે છે, ત્યારે તેઓ પણ શ્રધ્ધાળુઓને અપીલ કરી કહે કે, જે પણ ભાવિકભક્તો દર્શનાર્થે આવે ત્યારે તેઓ તેમની સાથે પ્લાસ્ટિકની થેલીમાં ફળ, ફૂલ અને પ્રસાદી લાવે નહીં. આવા પ્લાસ્ટિકમાં ધરાવેલ ભોગને ભગવાન પણ સ્વિકારતા નથી તેઓ ભાવ જગાવવા મહંત દર્શનાર્થીઓને અપીલ કરે તેવો અનુરોધ પણ તેમણે કર્યો હતો.
નાયબ વન સંરક્ષકે વન્ય જીવોને વ્યાપક નુકશાન થી બચાવવા કરી અપીલ
તેમજ નાયબ વન સંરક્ષક વિકાસ યાદવે જણાવ્યું હતું કે, પ્લાસ્ટિક થી પર્યાવરણ અને વન્ય જીવોને વ્યાપક નુકશાન થાય છે ત્યારે તેનાં ઉપયોગથી બચવું જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું કે, પ્લાસ્ટિક વર્ષો સુધી જમીનમાં ઓગળતું નથી. તેથી જમીનને વ્યાપક નુકશાન થાય છે. પાતાળેશ્વર મહાદેવ દર્શને આવતાં દર્શનાર્થીઓ પણ પૂરી શ્રદ્ધાથી દર્શન કરીને પર્યાવરણને કોઈપણ પ્રકારનું નુકશાન કર્યાં વગર પરત ફરે છે. તે પ્રકૃતિ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
જિલ્લા કલેકટરએ પ્લાસ્ટિક ઉપયોગ બંધ થાય અને પવિત્ર ગીરની નૈસર્ગિક સુંદરતાને બનાવી રાખવા બાયોડિગ્રેડેબલ કાપડની થેલીઓ વિકલ્પ ઉપલબ્ધ કરાવ્યો છે. તે અભિનંદનને પાત્ર છે. ગીર ગઢડા મામલતદાર શ્રી જી. કે. વાળાએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું કે, જે રીતે વ્યક્તિ પોતાનાં વાણી, વર્તન અને વ્યવહારથી ઓળખાય છે. તે જ રીતે સારુ પ્રકૃતિનું જતન એ છે કે, જેમાં જળ, જમીન અને જંગલનું રક્ષણ કરવામાં આવે.
G.H.L.S. કંપનીના સહયોગથી બાયોડિગ્રેબલ થેલીનું કરાયું વિતરણ
અત્રે ઉલ્લેખનીય છે કે, બાયોડિગ્રેબલ થેલીનું વિતરણ સૂત્રાપાડા સ્થિત G.H.L.S. કંપનીના સહયોગથી મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પાતાળેશ્વર મહાદેવનાં દર્શને જતાં યાત્રાળુઓને બાબરિયા ચેકપોસ્ટ પર વનવિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવશે. અને શ્રદ્ધાળુઓને પ્લાસ્ટિકની થેલીના બદલે બાયોડિગ્રેબલ થેલીનું વિતરણ કરવામાં આવશે. જેથી જંગલને પ્લાસ્ટિક મુક્ત બનાવી શકાય.
પાતાળેશ્વર આશ્રમના મહંત ધર્મદાસજીએ જ્યારે પણ દર્શનાર્થીઓ પાતાળેશ્વર મંદિરના દર્શને આવે કે પછી ગીર જંગલની મુલાકાત લે ત્યારે પ્લાસ્ટિકની થેલી કે માવાની કોથળીઓને જ્યાં-ત્યાં ન ફેંકે, કારણ કે, પ્લાસ્ટિકના કારણે વન્ય પ્રાણીઓ અને કુદરતના ચક્રમાં ખલેલ પહોંચે છે અને પર્યાવરણને નુકસાન પહોંચે છે. તેમણે પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરીને પ્રકૃતિની સુંદરતા જાળવી રાખવામાં મદદરૂપ થવા ભાવિકભક્તોને અપીલ કરી હતી.
બાયોડિગ્રેબલ થેલીના વિતરણ પ્રસંગે નિવાસી અધિક કલેકટર રાજેશ આલ, પ્રાંત અધિકારી ચિરાગ હિરવાણિયા, G.H.C.L.નાં પ્રતિનિધિ રમેશભાઈ મકવાણા, વનવિભાગના અધિકારીઓ, NSS ના વિદ્યાર્થીઓ, નર્સિંગની વિદ્યાર્થીનીઓ, ખેડૂતો અને સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.