Gir somnath : ગીર સોમનાથના કેસર કેરી અને કેસરી સિંહના ગઢ ગણાતા તાલાળા ગીર પંથકમાં ભારે ખુશીના સમાચાર મળતા લોકોમાં ખુશી છવાય છે. આજે એક દસકાથી બંધ થયેલી તાલાલા સુગર ફેક્ટરી ફરી શરૂ કરવાના લેવાયેલા નિર્ણયથી ખેડૂતો અને સમગ્ર પ્રજામાં ભારે આનંદ વ્યાપ્યો છે. ભારત સરકારની ઇન્ડિયન પોટાશ લિમિટેડ કંપની ipl આવતા ડિસેમ્બર 25 સુધીમાં ફેક્ટરી ચાલુ કરવા મક્કમ બની છે
એક દસકા પહેલા તાલાલા સુગર ફેક્ટરી બંધ થયેલ હતી. તેમજ ફેક્ટરી પર 40 કરોડથી વધુનું કરજ હતું. જે વ્યાજ સહિત વધીને 60 કરોડ આસપાસ પહોંચ્યો હતો. જે કંપનીના ખેડૂત સભાષદો ભરી શકે તેમ ન હતા. ત્યારે સુગર ફેક્ટરી એક દસકામાં ખંઢેર બની ગઈ હતી ત્યારે સાંસદ રાજેશ ચુડાસમા અને તાલાળાના ધારાસભ્ય ભગવાન બારડ સહિતનાઓએ મુખ્યમંત્રી વડાપ્રધાન અને અમિત શાહ સહિતના ને ગીરની તાલાળા ફેક્ટરી ફરી ધમધમતી કરવા વિનંતી કરી હતી.
રજૂઆતને આધારે ભારત સરકારની ઇન્ડિયન પોટાશ લિમિટેડ કંપની કે જે અન્ય રાજ્યોમાં આવી બંધ સુગર ફેક્ટરીઓ આઠેક જેટલી શરૂ કરી અને સફળતાથી ખેડૂતોને મદદરૂપ થઈ રહી છે. તે કંપનીને સુગર ફેક્ટરી 30 વર્ષના ભાડાપટ્ટે શરૂ કરવા નિર્ણય લેવાયો છે. ત્યારે આજે આ બાબતે ખેડૂત સભાસદોની મીટીંગ મળી હતી. જેમાં ગીર સોમનાથના સાંસદ રાજેશ ચુડાસમા. તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડ સહિતના મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ એક જ સૂરમાં સુગર ફેક્ટરી વહેલી શરૂ થાય તેમાં સહમતી આપતો ઠરાવ શર્વાનુંમતે મંજૂર કર્યો હતો.
તો છેલ્લા એક દસકાથી આ ખંડ ફેક્ટરી બંધ થતાં સમગ્ર ગીર પંથકના તાલાળા વિસાવદર ઉના સહિતના ખેડૂત સભાસદો અને આમ પ્રજા નિરાશામાં ધકેલાઈ હતી ત્યારે આ સુગર ફેક્ટરી શરૂ થાય એટલે હજારો પરિવારોને તેમાંથી રોજીરોટી મળશે તાલાળા પંથકમાં એક પણ મોટો ઉદ્યોગ ન હોય ત્યારે સુગર ફેક્ટરી ગીરની જીવા દોરી બની અને લોકોમાં નવો સંચાર પેદા કરશે તેવી આશા ગીરના લોકો સેવી રહ્યા છે. સાંસદના જણાવ્યા મુજબ ડિસેમ્બર 2025 માં આ ફેક્ટરી ચાલુ થાય તેવા સૌના પ્રયાસો છે અને તેમાં સફળતા પણ મળવાની છે.
અહેવાલ : અતુલ કોટેચા