ગીર સોમનાથ જિલ્લામાં પણ હવે પશુઓમાં ફેલાતા લમ્પી વાયરસ રોગે દેખા દીધી છે. સુત્રાપાડા તાલુકાના સીંગસર અને પ્રાસલી એમ બે ગામના પશુઓમાં લમ્પી સ્કિન ડીસીસની અસર પહોંચી છે. સીંગસરમાં આઠ જ્યારે પ્રાસલીમાં બે એમ સુત્રાપાડા તાલુકામાં 10 પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો જોવામાં આવ્યા છે.
આ અસરગ્રસ્ત ગામમાં વહીવટી તંત્ર દ્વારા મુલાકાત લઇ અને બીમાર પશુઓની સારવાર કરવામાં આવી છે. તેમજ વહીવટી તંત્ર દ્વારા અન્ય પશુઓમાં આ રોગ ન ફેલાય તે માટે સર્વે કરીને પૂરતી તકેદારી પણ રાખવામાં આવી રહી છે.
નાયબ પશુપાલન નિયામક એપીડેમીયોલોજી દ્વારા બીમાર અને ચેપગ્રસ્ત પશુઓમાંથી સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. તેમજ અન્ય પશુઓમાં આ વાયરસજન્ય રોગ ઝડપથી ન ફેલાય તે માટે 6 ટીમ કાર્યરત છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર, ઉના, ગીરગઢડા અને તાલાળા એમ તમામ તાલુકાઓમાં નોડલ અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે.
નોંધનીય છે કે, પશુઓમાં જ્યારે આ રોગ થવાની શરુઆત હોય ત્યારે તેમને તાવ આવે છે. આ વાઈરસજન્ય રોગ માખી, ઈતરડી તેમજ મચ્છર દ્વારા એક પશુમાંથી બીજા પશુઓમાં ફેલાય છે. જેમાં પશુઓની ચામડી પર બેથી પાંચ સેન્ટીમીટરની ગાંઠ જોવા મળે છે. પશુના દૂધ ઉત્પાદનમાં પણ એકાએક ઘટાડો જોવા મળે છે અને પશુઓમાં વાંઝિયાપણું પણ જોવા મળે છે.
પશુઓમાં ઉપરોક્ત કોઈપણ લક્ષણ દેખાય તો તરત જ પશુ હેલ્પલાઇન નંબર – 1962 પર અથવા નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયુ છે.