ગીર સોમનાથ: જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગીર અભ્યારણ્ય બોર્ડરનાં બાબરિયા નેશ, થોરડી, કુરેડા, ભાખા, પોપટડી નેશ, ઝાંખીયા નેશ સહિતના ગામોનાં વિવિધ પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાનાં અધ્યક્ષસ્થાને બાબરિયા ખાતે ગ્રામસભા યોજાઇ હતી. જેમાં કલેક્ટરએ ગ્રામજનોના વન વિભાગ વિષયક, રોડ રસ્તા અને સેટલમેન્ટ થયેલા ગામોનાં નાગરિકોને પડતી મુશ્કેલીઓની રજૂઆતોને સાંભળી હતી તથા તેનું હકારાત્મક નિરાકરણ લાવવા સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી.
વધુમાં, તેમણે બાબરિયા રેન્જ વિસ્તારમાં આવેલા પાતાળેશ્વર મહાદેવના મંદિરે સરકારનાં નિયમ મુજબ શ્રાવણ માસ અને મહાશિવરાત્રી માટે જ નિયત સમય મર્યાદા માટે પ્રવેશ આપવામાં આવે છે. નિયત સમમર્યાદામાં વિના પ્રવેશ કરવો અનઅધિકૃત છે. તથા પાતાળેસ્વર મહાદેવના મંદિરે જતાં શ્રદ્ધાળુઓને પ્લાસ્ટીક સહિતની ગંદકી ન કરવાં અને પર્યાવરણની જાણવણી કરવાં અનુરોધ કર્યો હતો. તેમજ રેન્જ ફોરેસ્ટ ઓફિસર આર.કે.પરમારે વન વિભાગને લગતા નિયમોની સમજ આપવામાં આવી હતી.
આ સાથે કલેક્ટરએ વન વિભાગના પ્રશ્નનો, સેટલમેન્ટ વિસ્તારના જમીનના હક્ક દાખલ કરવા બાબત, અભ્યારણની હદ બાબતના પ્રશ્નો, એસ.ટી વિભાગના પ્રશ્નો,જમીનને લગતા પ્રશ્નો, બિન કાયદેસર દબાણ, રોડ રસ્તા પહોળા કરવાનાં પ્રશ્નો, આદિમ જુથ ગામોમાં વિકાસને લગતા પ્રશ્નો સહિતના પ્રશ્નો સાંભળ્યા હતાં અને નેશ વિસ્તારનાં ગામોની મુલાકાત લીધી હતી.
આ ગામ સભામાં અધિક નિવાસી કલેકટર શ્રી રાજેશભાઈ આલ, ગીર ગઢડાના મામલતદાર શ્રી જી.કે વાળા, તાલુકા વિકાસ અધિકારીશ્રી આર.એમ.ત્રિવેદી, સહિતના સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
અતુલ કોટેચા