જનીન ફેરફારના કારણે હરણની ચામડીનો રંગ ફરી ગયો હોવાનું વન વિભાગનું તારણ
અપ્રાપ્ય એવા સફેદ સાબર હરણે ગીર જંગલમાં દેખા દીધી છે. આઠ મહિનાનું સફેદ સાબર બચ્ચું પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. એશિયાઇ સિંહ માટે વિશ્વવિખ્યાત ગીરના અભયારણ્યમાં જતા પશુ અને પ્રકૃતિપ્રેમીઓ આ સફેદ હરણને જોવાનો આનંદ માણી રહ્યા છે. જો કે દેખાવમાં સુંદર લાગે એવું આ સફેદ હરણ પાછળનું કારણ જેનેટિક ડિસઓર્ડર (જનીન ફેરફાર) હોવાનું જૂનાગઢ ખાતેના મુખ્ય વનસંરક્ષક એ.પી.સિંહે જણાવ્યું છે. તેમના કહેવા મુજબ બહુ ઓછા જોવા મળતા આ જૈવિક ફેરફારને આલ્બિનો કહેવામાં આવે છે. ભૂતકાળમાં ગીર જંગલમાં કાળિયાર તેમજ ચિત્તલ પ્રકારના હરણમાં આ પ્રકારનો જનીન ફેરફાર જોવા મળ્યો હતો. પરંતુ સાબર હરણમાં પહેલીવાર આવું થયેલું માલુમ પડ્યું છે. જનીન ફેરફારને કારણે તેની પીળાશ પડતી કે ગાઢ બદામી રંગની ચામડી સફેદ થઇ જતાં સફેદ હરણ બની ગયું છે. જૂનાગઢથી લગભગ ૬૦ કિમીના અંતરે પારણિયા પાસેના કૃત્રિમ તળાવે એ પાણી પીવા ગયું હતું ત્યારે તેની આ તસવીર કેમેરામાં ઝડપાઇ હતી. પ્રવાસીઓમાં તે આકર્ષણરૂપ બનતાં કેટલાકે તો તેના ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યા છે. વ્હાઇટ સાબર હરણ નજરે ચડતાંની સાથે જ લોકો કુદરતના કરીશ્માના ગુણ ગાઇ રહ્યા છે.