- લાઠી તાલુકામાં છેલ્લા બે વર્ષમાં ૬૪ હેક્ટરમાં સામૂહિક વન નિર્માણ યોજના હેઠળ વાવેતર
- જામનગર ડેન્ટલ કોલેજમાં ૩૩૦ વિદ્યાર્થીઓ માટે નવીન યુ.જી. હોસ્ટેલના નિર્માણ માટે રૂ. ૩૭.૩૮ કરોડ મંજૂર
- ગીર અભયારણ્યની ગત એક વર્ષમાં ૧.૯૩ લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી: ૬,૪૯૭ વિદેશી પ્રવાસીઓ
- વડોદરાના કમાટીબાગમાં ડો. બાબા સાહેબ આંબેડકરના “સંકલ્પ ભૂમિ સ્મારક” ખાતે પ્રવાસી સુવિધાઓ વિકસાવાઈ
ગુજરાત ન્યૂઝ : વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે લાઠી તાલુકામાં સામૂહિક વન નિર્માણ યોજના હેઠળ વાવેતર અંગેના પ્રશ્નોના પ્રત્યુતરમાં જણાવ્યું કે, છેલ્લા બે વર્ષમાં બાકી તાલુકામાં ૬૪ હેક્ટર વિસ્તારમાં રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં લીમડા, અરડૂસી, સરગવો, જામફળ, સીતાફળ, રાયણ જેવા વિવિધ રોપાઓનો સમાવેશ થાય છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૩૩.૨૧ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
જામનગરના વિકાસકાર્યો :
જામનગર ડેન્ટલ કોલેજ ખાતે વધુમાં વધુ વિદ્યાર્થીઓને કેમ્પસમાં જ ઉત્તમ રહેણાંક સુવિધાઓ પૂરી પાડવા માટે નવીન હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, તેમ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં સભ્ય શ્રી રિવાબા જાડેજા દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું.
તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, જામનગર ડેન્ટલ કોલેજ ખાતે નવીન યુ.જી. હોસ્ટેલના નિર્માણ માટે રૂ. ૩૭.૩૮ કરોડની મંજૂરી આપવામાં આવી છે. આ કોલેજ ખાતે હયાત હોસ્ટેલમાં ૪૦૦ વિદ્યાર્થીઓને રહેવાની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. નવી યુ.જી. હોસ્ટેલનું નિર્માણ કામ પૂર્ણ થતાં વધુ ૩૩૦ વિદ્યાર્થીઓને રહેવાની સુવિધા પૂરી પાડવામાં આવશે.
વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતના ઘરેણા સમાન એશિયાટીક લાયનના જતન અને સંરક્ષણ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. છેલ્લા એક વર્ષમાં ગીર અભયારણ્યની ૧.૯૩ લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે.વિધાનસભા ખાતે ગીર અભયારણ્ય ખાતે પ્રવાસીઓની મુલાકાત અંગે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુતર મંત્રીશ્રીએ ઉમેર્યું કે, છેલ્લા એક વર્ષમાં આ અભયારણ્ય ખાતે ૧,૯૩,૪૧૫ પ્રવાસીઓએ મુલાકાતે આવ્યા હતા. જેમાં ૧,૮૬,૯૧૮ ભારતીય અને ૬,૪૯૭ વિદેશી પ્રવાસીઓનો સમાવેશ થાય છે. જે પેટે રાજ્ય સરકારને રૂ. ૪,૯૨,૦૦,૩૫૦ની આવક થઇ છે.તેમણે ઉમેર્યું કે, આ આવકનો ખર્ચ સિંહોના સંરક્ષણ, સંવર્ધન, બચાવ રાહત અને પ્રવાસીઓ ની સુવિધાઓમાં વધારો કરવા માટે કરવામાં આવે છે.
અભયારણ્યની મુલાકાતના બુકિંગ માટેના એક પૂરક પ્રશ્નના જવાબમાં ઉમેર્યું કે, પ્રવાસીઓએ મુલાકાત માટે www.girlion.gujarat.gov.in વેબસાઈટ પર ઓનલાઇન બુકિંગ કરવાનું હોય છે. આ બુકિંગ જો મુલાકાતીઓ દ્વારા કેન્સલ કરવામાં આવે તો એ માટે પ્રવાસીઓને રકમ પરત કરવામાં આવે છે. જેમાં મુલાકાત તારીખથી ૧૦ દિવસ પહેલા મુલાકાતી બુકિંગ કેન્સલ કરાવે તો ૭૫% રકમ, ૫ દિવસ પહેલા બુકીંગ કેન્સલ કરાવે તો ૫૦% રકમ, ૨ દિવસ પહેલા બુકીંગ કેન્સલ કરાવે તો ૨૫% રકમ પરત કરવામાં આવે છે. છેલ્લી ઘડીએ મુલાકાતી દ્વારા બુકીંગ કેન્સલ કરવામાં આવે તો રકમ પરત કરવામાં આવતી નથી, તેમ તેમણે ઉમેર્યું હતું.
વડોદરાને વિકાસ કાર્યોની ભેટ :
વડોદરા ખાતે ડો. બાબા સાહેબ આંબેડકર સ્મારક ખાતે વિવિધ પ્રવાસી સુવિધાઓ વિકસાવવા માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે, તેમ પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઇ બેરાએ વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું.વિધાનસભા ગૃહમાં સભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી બેરાએ જણાવ્યું કે, વડોદરામાં કમાટી બાગ ખાતે સંકલ્પ ભૂમિ સ્મારક તેમજ કલ્યાણનગર ખાતે ડો. બાબા સાહેબ આંબેડકર મેમોરિયલને વિકસાવવામાં આવી રહ્યા છે.
કમાટીબાગ ખાતે સંકલ્પ ભૂમિ સ્મારકને વિકસાવવા માટે ડો.બાબા સાહેબ આંબેડકરની ૧૨૫મી જન્મ જયંતી નિમિત્તે રૂ. ૧૧.૮૧ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જે અંતર્ગત એમ્ફીથેટર, કમ્પાઉન્ડ વોલ, રીટેઇનિંગ વોલ, ગેટ, ફ્લોરિંગ અને લેન્ડસ્કેપિંગ સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.