કુલ વિસ્તારનો 22% હિસ્સો રહેણાંક હેતુ માટે ફાળવવાનો રાજ્ય સરકારનો નિર્ણય
ગુજરાતને ‘ભેંટ’માં મળેલી ગિફ્ટ સિટીમાં દરેક નાગરિકને પ્રવેશ માટે દરવાજાઓ ખોલી દેવામાં આવ્યા છે. કોઈ પણ નાગરિક હવે ગિફ્ટ સિટીમાં મિલકત ખરીદી શકશે તેવો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. હાલ સુધી ગિફ્ટ સિટી સાથે જોડાયેલા અધિકારી કર્મચારીઓ જ ફક્ત ગિફ્ટ સિટીમાં રહી શકતા હતા અને રહેણાંક મિલકત ધરાવી શકતા હતા પરંતુ, હવે જે રીતે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે તે મુજબ કોઈપણ વ્યક્તિ ગિફ્ટ સિટીમાં રહી શકશે. હાલના તબક્કે 5000 રહેણાંક યુનિટો સ્થાપવાની મંજૂરી આપી દેવામાં આવી છે.
હાલ સુધી ગિફ્ટ સિટી માટે નિયમો હતા કે, ફક્ત સંકળાયેલા લોકો જ ગિફ્ટ સિટી ખાતે મિલકત ખરદી શકે અને તેમાં વસવાટ કરી શકે. અમુક વર્ષો અગાઉ રાજ્ય સરકારે ફક્ત રોકાણકારો અને મિલકત ધારકોને જ ગિફ્ટ સિટીમાં એન્ટ્રી આપવાનો નિર્ણય કર્યો હતો. જેમાં કર્મચારીઓનો સમાવેશ કરાયો ન હતો. જે બાદ ગિફ્ટ સીટી સાથે સંકળાયેલા કર્મચારીઓને પણ પ્રવેશ આપવા અંગેનો નિર્ણય કરાયો હતો.
રાજ્ય સરકારના આ નિર્ણય થી ગિફ્ટ સિટીમાં મિલકત ખરીદ કરવા ઇચ્છુકો માટે પ્રવેશ દ્વાર ખોલવા સમાન નિર્ણય ગણી શકાય. હવે કોઇપણ વ્યક્તિ ગિફ્ટ સિટી ખાતે મિલકત ખરીદી અને તેમાં વસવાટ પણ કરી શકે તેના માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી ગિફ્ટ સિટી ખાતે રિયલ એસ્ટેટ ડેવલપર્સ અને રોકાણકારો માટે નવા પ્રવેશ દ્વાર ખુલે તેવી પણ પ્રબળ શક્યતાઓ સેવાઇ રહી છે.
આ નિર્ણયથી રોકાણકારો અને રિયલ એસ્ટેટ ડેવલપર્સને મોટી તક સાંપડી છે. ગુજરાતનું ગિફ્ટ સીટી હવે રોજગારી અને ઉદ્યોગની સાથોસાથ રિયલ એસ્ટેટ ક્ષેત્રને પણ વેગ આપશે તેવું ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર તપન રાયે જણાવ્યું હતું. ગિફ્ટ સિટી ખાતે કુલ 62 મિલિયન સ્ક્વેર ફૂટ જગ્યામાં ઔદ્યોગિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરાશે.
જ્યારે 14 મિલિયન સ્ક્વેર ફૂટનો વિસ્તાર રહેણાંક હેતુ માટે ફાળવી દેવામાં આવશે. જે કુલ વિસ્તારના 22 ટકા જેટલો ભાગ ગણી શકાય છે.
જો કે, મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે ગિફ્ટ સિટીમાં સૌ કોઈ માટે દ્વાર ખોલી દેતાં હવે ગિફ્ટ સિટી માં મિલકતના ભાવ પુર ઝડપે વધી શકે છે. રાજ્યના અનેક મહાનગરોમાં જે રીતે જમીન અને મિલકતના ભાવ આસમાને પહોંચી રહ્યા છે તે મુજબ જ ગિફ્ટ સિટી ખાતે મિલકતનો ભાવ ખૂબ ઝડપે વધે તેવી શક્યતા છે.