ઓગસ્ટ માસનો રેકોર્ડ તૂટ્યો : એક જ દિવસમાં 3,86,350 કરાર થયા
ગુજરાતમાં સ્થિત દેશની એકમાત્ર નાણાકીય સંસ્થાએ તાજેતરમાં એક નવો રેકોર્ડ હાંસલ કર્યો છે. 26 સપ્ટેમ્બર, 2023 ના રોજ, ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સે રૂપિયા 1,26,930 કરોડની સમકક્ષ ના ટર્નઓવર સાથે 3,86,350 કોન્ટ્રેક્ટની સિંગલ ડે ટ્રેડિંગ પ્રવૃત્તિની સર્વકાલીન ઊંચી સપાટી નોંધી હતી. તેનો અગાઉનો રેકોર્ડ ડોલર 12.98 બિલિયનની ટ્રેડિંગ પ્રવૃત્તિનો હતો જે ભારતીય રૂપિયામાં 1.07 લાખ કરોડ આશરે થાય છે જે 29 ઓગસ્ટ, 2023ના રોજ નોંધવામાં આવ્યો હતો.
ગિફ્ટ નિફ્ટીએ 3 જુલાઈ, 2023 થી તેની ફુલ સ્કેલ કામગીરી શરૂ કરી છે અને એનએસઇ IX પર ગિફ્ટ નિફ્ટીનું ટ્રેડિંગ ટર્નઓવર ફુલ-સ્કેલ કામગીરીની શરૂઆતથી સતત વધી રહ્યું છે. ફુલ-સ્કેલ કામગીરીના પ્રથમ દિવસથી, ગિફ્ટ નિફ્ટી ડોલર 178.54 બિલિયનના ક્યુમ્યુલેટિવ ટર્નઓવર સાથે 4.59 મિલિયન કોન્ટ્રાક્ટ્સના ક્યુમ્યુલેટિવ વોલ્યુમનું સાક્ષી રહ્યું છે.
આ નોંધપાત્ર સિદ્ધિ અંગે ટિપ્પણી કરતાં, ગિફ્ટ નિફ્ટીના સંગઠને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ગિફ્ટ નિફ્ટીની સફળતા જોઈને આનંદ થાય છે અને અમે તમામ સહભાગીઓને તેમના જબરદસ્ત સમર્થન અને ગિફ્ટ નિફ્ટીને સફળ કોન્ટ્રાક્ટ બનાવવા બદલ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.
મહત્વપૂર્ણ છે કે એસજીએક્સ નિફ્ટી ઇન્ડેક્સનો ઉપયોગ સામાન્ય રીતે ભારતીય બજારોના પ્રારંભિક સંકેતોને માપવા માટે થાય છે. જુલાઈમાં આ ઈન્ડેક્સનું નામ બદલીને ગિફ્ટ નિફ્ટી કરવામાં આવ્યું હતું, કારણ કે અગાઉ આ ઇન્ડેક્સ સિંગાપોરમાં હતો. પરંતુ જુલાઈથી તેને ગુજરાતમાં સ્થિત ગિફ્ટ સિટીના નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ટરનેશનલ એક્સચેન્જમાં ખસેડવામાં આવ્યો હતો. તેથી તેનું નામ પણ બદલવામાં આવ્યું હતું.
હવે આ ઇન્ડેક્સના તમામ કોન્ટ્રાક્ટ્સ નેશનલ સ્ટોક એક્સચેન્જ IX પર ટ્રેડ થાય છે, જે ગિફ્ટ સિટીમાં સ્થિત આંતરરાષ્ટ્રીય મલ્ટિ એસેટ એક્સચેન્જ છે. એનએસઇ IX ટ્રેડિંગ માટે ઉત્પાદનોનો વૈવિધ્યસભર પોર્ટફોલિયો ઓફર કરે છે. આમાં ભારતીય સિંગલ સ્ટોક ડેરિવેટિવ્ઝ, ઈન્ડેક્સ ડેરિવેટિવ્ઝ, કરન્સી ડેરિવેટિવ્ઝ, ડિપોઝિટરી રિસિપ્ટ્સ, કોમોડિટી ડેરિવેટિવ્ઝ અને ગ્લોબલ સ્ટોક્સ વગેરેનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગિફ્ટ સિટીમાં છેલ્લા કેટલાક મહિનામાં ગિફ્ટ નિફ્ટીની સિદ્ધિઓ સહિત વિવિધ સકારાત્મક પ્રવૃત્તિઓ જોવા મળી છે. રાજ્યનો મહત્વાકાંક્ષી કાર્યક્રમ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 આગામી થોડા મહિનામાં આયોજિત થવા જઈ રહ્યો છે, ત્યારે ગિફ્ટ સિટીમાં આવી રહેલા વિવિધ પ્રોજેક્ટ્સ અને ગિફ્ટ નિફ્ટીના સતત વધતા આંકડા ચોક્કસપણે વાઈબ્રન્ટ ગુજરાત સમિટની 10મી આવૃત્તિ માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે.