ઉઘોગકારોએ અધિક્ષક ઇજનેરની કચેરીએ દોડી જઇને ઉગ્ર રજુઆત કરી

જામનગર જીઆઇડીસી ફેસ ૨-૩ માં વીજસમસ્યાએ માઝા મૂકતા રોષે ભરાયેલા ઉધોગકારોએ વીજકંપનીની કચેરીએ ધસી જઇ અધિક્ષક ઇજનેરને રોષભેર રજૂઆત કરી હતી. ઓવરલોડીંગના કારણે છાશવારે વીજપુરવઠો ઠપ્પની ફરિયાદની સાથે અધિકારીઓ સમસ્યાને ગાંઠતા ન હોવાની રાવ કરી તાકીદે યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરી હતી. આ સમસ્યાથી ઉદ્યોગ અને ધંધા પર અસર થઇ રહી હોવાનું જણાવ્યુ હતું.

જીઆઇડીસી ફેસ-૨ અને ૩ માં વીજધાંધિયાએ હદ વટાવતા ઉધોગકારોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે.આ બાબતે વીજકંપનીના સંબધિત અધિકારીઓને રજૂઆત કરવા છતાં સમસ્યા ન ઉકેલાતાં રોષે ભરાયેલા ઉધોગકારો સોમવારે પીજીવીસીએલની લાલબંગલા સર્કલની મુખ્ય કચેરીએ દોડી ગયા હતાં અને અધિક્ષક ઇજનેરને રોષભેર રજૂઆત કરી હતી. ઉધોગકારોએ જણાવ્યું હતું કે,ઉધોગોમાં પહેલાં કોલાસાથી ભઠ્ઠી ચાલતી હતી.પરંતુ જીએસટીના અમલીકરણ બાદ દરેક ઉધોગકારોએ ઇલેકટ્રીક ભઠ્ઠીથી કામ કરી રહ્યા છે. આથી વીજળીની માંગ વધી છે,પરંતુ પૂરતો વીજપુરવઠો મળતો નથી. પૂરતો વીજપુરવઠો ન મળવાને કારણે ઓવર લોડીંગથી વારંવાર વીજપુરવઠો ખોરવાઇ જવાની ફરિયાદ ઉઠી છે. ઇલેકટ્રીક ભઠ્ઠી વીજ પુરવઠાના અભાવે ૨૦ મીનીટ બંધ રહે તો તેને પુન: ગરમ થતાં ૩ કલાકનો સમય લાગે છે.જેના કારણે ઉધોગકારોને નુકશાન થઇ રહ્યું છે.આ બાબતે સંબધિત અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી.પરંતુ રજૂઆતોનો ઉલાળિયો કરવામાં આવ્યો છે.આથી સમસ્યાના નિરાકરણ માટે તાકીદે કાર્યવાહી કરવા માંગણી કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.