સરકારે વોટરફ્રન્ટ ચાર્જીસમાં રાહત આપવા માટે 20 ટકા ડિસ્કાઉન્ટ પણ જાહેર કર્યું
રૂ. 3800 કરોડના રોકાણ સાથે ગ્રીનફિલ્ડ બંદરને વિકસાવવા માટે બિડ સબમિટ કરવાની સમયમર્યાદામાં 4 ફેબ્રુઆરી સુધી લંબાવાઈ
અબતક, ગાંધીનગર : ગુજરાત સરકારે નારગોલ ગ્રીનફિલ્ડ પોર્ટના ડેવલોપમેન્ટ માટેનો તખ્તો તૈયાર કરી દીધો છે. અદાણી, એસ્સાર અને જેએસડબ્લ્યૂ સ્ટીલ જેવી દિગજ્જ કંપનીઓ આના માટે તત્પર બની છે. બીજી તરફ સરકારે વોટરફ્રન્ટ ચાર્જીસમાં રાહત આપવા માટે 20 ટકા ડિસ્કાઉન્ટ પણ જાહેર કર્યું છે અને ગ્રીનફિલ્ડ બંદરને વિકસાવવા માટે બિડ સબમિટ કરવાની સમયમર્યાદામાં 4 ફેબ્રુઆરી સુધી લંબાવી છે.
ગુજરાત સરકારે નારગોલના ગ્રીનફિલ્ડ બંદરને વિકસાવવા માટે બિડ સબમિટ કરવાની સમયમર્યાદામાં ફરી એક વખત પુનઃવિચારણા કરી છે અને તેને 4 ફેબ્રુઆરી સુધી લંબાવી છે. બિડ સબમિટ કરવાની છેલ્લી તારીખ 21 ડિસેમ્બર હતી. આમાં સુધારો કરવામાં આવ્યો છે અને બિડિંગ પ્રક્રિયામાં ભાગ લેવા ઇચ્છુકોને 45 દિવસનો વધારો આપવામાં આવ્યો છે. સંભવિત બિડર્સની વિનંતીઓ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે કે તેઓને સાઇટ પરથી વિશ્વસનીય ડેટા એકત્રિત કરવા અને મક્કમ દરખાસ્તો લાવવા માટે વધુ સમયની જરૂર છે,તેવું સરકારી સૂત્રોએ જણાવ્યું હતું.
ગુજરાત મેરીટાઇમ બોર્ડ, રાજ્યના મેરીટાઇમ રેગ્યુલેટરે અગાઉ રૂ. 3,800 કરોડના પ્રારંભિક રોકાણ સાથે પોર્ટને વિકસાવવા માટે વૈશ્વિક બિડને આમંત્રિત કરવા માટે 21 ઓક્ટોબરની અંતિમ તારીખ નક્કી કરી હતી. તેને 21 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવ્યો હતો.
અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન , ડીપી વર્લ્ડ, જેએસડબ્લ્યૂ સ્ટીલ અને એસ્સાર ગ્રૂપ જેવી કંપનીઓએ પ્રી-બિડ મીટિંગ્સમાં ભાગ લઈને પ્રોજેક્ટમાં રસ દર્શાવ્યો છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
મુંબઈથી લગભગ 140 કિમી ઉત્તરે અને સુરતથી 120 કિમી દક્ષિણમાં આવેલું, નારગોલ ઘન, પ્રવાહી અને કન્ટેનર કાર્ગોનું સંચાલન કરવા માટે સક્ષમ મલ્ટિ-ફંક્શન બંદર તરીકે પ્રસ્તાવિત હતું. સ્થાનિક માછીમારોના વિરોધને પગલે નારગોલથી આશરે 10 કિમી દૂર, મરોલી ખાતે બંદર પ્રોજેક્ટને છોડી દેવાયા પછી નવા બંદર સ્થળ તરીકે તેની પુષ્ટિ કરવામાં આવી હતી.
જીએમબીએ સંભવિત બિડર્સને કેટલાક પૂર્વ-સંભાવ્યતા અહેવાલો પ્રદાન કર્યા છે, જો કે કંપનીઓ તેમની બિડ સબમિટ કરતા પહેલા નાણાકીય સદ્ધરતા, કનેક્ટિવિટી અને અન્ય પાસાઓની પુષ્ટિ કરવા માટે ઊંડાણપૂર્વક સાઇટ સર્વેક્ષણ કરવા માંગે છે,” એક ઉદ્યોગ અધિકારીએ જણાવ્યું હતું.
લગભગ બે વર્ષ પહેલાં, જીએનબી એ 2012 માં નારગોલ પોર્ટ પ્રોજેક્ટના વિકાસ માટે કાર્ગો મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ અને ઇઝરાયેલ પોર્ટ્સ કંપનીના કન્સોર્ટિયમને આપવામાં આવેલ કામ રદ કર્યું હતું. કંપનીએ પ્રોજેક્ટ એક્ઝિક્યુશન માટે ઘણી સમયમર્યાદા ચૂકી ગયા પછી આ બન્યું હતું.
ગુજરાત સરકારે એવા સમયે ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટને ફાસ્ટ-ટ્રેક પર મૂક્યો છે જ્યારે નારગોલથી લગભગ 50 કિમી દૂર પડોશી રાજ્ય મહારાષ્ટ્રના વાધવન ખાતે નવા બંદરને વિકસાવવાની યોજના ચાલી રહી છે.
પ્રોજેક્ટને આકર્ષક બનાવવા માટે, જીએમબી એ પ્રથમ વખત તેના શેડ્યૂલ ઓફ પોર્ટ ચાર્જીસ મુજબ વોટરફ્રન્ટ ચાર્જીસ માટે 20% નું ડિસ્કાઉન્ટ ઓફર કર્યું છે. ઉપરાંત, રાજ્યની બિલ્ડ ઓપરેટ ઓન એન્ડ ટ્રાન્સફર પોલિસી હેઠળ કન્સેશન સમયગાળો 30 વર્ષથી વધારીને 50 વર્ષ કરવામાં આવ્યો છે. ડિસ્કાઉન્ટનો વિકલ્પ વધુ સારી શક્યતા પરિમાણ તરફ દોરી જશે અને વિકાસકર્તાને ઓછા ખર્ચે મૂડી એકત્ર કરવામાં મદદ કરશે.