તાઉતે વવાઝોડાને કારણે શરૂ થયેલા તોફાનથી ભારે પવન સાથેના વરસાદએ ક્યાંક મસમોટા વૃક્ષોને ધરાશાયી કર્યા છે તો ક્યાંક વીજપોલ પડી ભાંગ્યા છે તો ક્યાંક મકાનો ધરાશાયી થયા છે. જો આ કુદરતી આફતનું સૌથી વધુ નુકસાન થયું હોય તો તે “પ્રકૃતિ”ને જ થયું છે તેમ પણ કહી શકાય કારણ કે સેંકડો વૃક્ષો પડી ભાંગ્યા છે. પરંતુ પર્યાવરણ નિષ્ણાંતોએ એ આશ્ચર્યમય ખુલાસો કર્યો છે કે આ પાછળ કાઈ તાઉતે વાવાઝોડું જવાબદાર નથી. આ મસમોટા વૃક્ષો ધરાશાયી થયા એ પાછળ તો તંત્ર જ જવાબદાર છે.
નિષ્ણાંતોએ તારણ આપતાં કહ્યું છે કે જે રીતે શહેરોમાં રોડ રસ્તા ઉપર મોટું બાંધકામ થઇ રહ્યું છે. તેના કારણે આપણી લીલોતરી સંપત્તિ ગણાતા વૃક્ષોને ઊંડાણપૂર્વકનું નુકસાન થઈ રહ્યું છે. તંત્ર જે રીતે આડેધડ બાંધકામ, રોડ રસ્તા પર દીવાલોને રંગ રોગાણ, જાહેરાતોના મહાકાય હોર્ડિંગ અને આ બધા માટે થતું ખોદકામ વૃક્ષોના મૂળિયાને ક્ષીણ કરી નાખે છે. એટલે જ તો નબળા મુળને કારણે વાવાઝોડાની જરીક તેજ ગતિએ પણ વૃક્ષો ધરાશાયી થયા છે.
સતત છાંયડો આપતા અને પર્યાવરણને સુરક્ષા કવચ પ્રદાન કરી માનવને પ્રાણવાયુ પૂરા પાડતા આ વૃક્ષોની મૂળ રચનાઓને આપણે ઊંડેથી નબળી પાડી રહ્યા છીએ. દિવાલથી દિવાલ સુધી સખત કાર્પેટીંગ માટે અવિચારી ખોદકામ પણ આ માટે જવાબદાર મોટું પરિબળ છે. આથી વૃક્ષોની જાળવણીમાં તંત્ર ઉણું ઉતર્યું છે. આ માટે વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની ખૂબ જરૂર છે.