ટીસીએસ, ઇન્ફોસીસ, એચસીએલ અને વિપ્રો દ્વારા ૨૦૨૧-૨૨માં ટેલેન્ટેડ ફ્રેશરને નોકરી અપાશે
દેશમાં ૯૧૦૦૦ ફ્રેશરને નોકરીએ રાખવા માટે ટોચની આઇટી કંપનીઓ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. ટીસીએસ, ઇન્ફોસીસ, એચસીએલ અને વિપ્રો જેવી ચાર કંપનીઓ વર્ષ ૨૦૨૧ ૨૨ ટેલેન્ટેડ યુવાનોને નોકરીએ રાખશે. કોરોના મહામારી દરમિયાન આવેલા પડકારો બાદ હવે ચાલુ નાણાકીય વર્ષમાં આઈટી કંપનીઓ કેમ્પસ ઇન્ટરવ્યુ ઉપર ખાસ ધ્યાન આપી રહી છે. જેના અનુસંધાને ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વધુ ફ્રેશર ઉમેદવારોને નોકરીએ રાખવામાં આવશે. ઇન્ફોસીસ દ્વારા ૨૪૦૦૦ સ્નાતકોને ભરતી કરાશે. ટીસીએસ ૪૦ હજાર, એચસીએલ ૧૫ હજાર અને વિપ્રો ૧૨ હજાર યુવાનોને નોકરીએ રાખશે.
ભારત યુવાનોનો દેશ છે યુવાનોની સંખ્યા મહત્તમ છે બીજી તરફ સ્કીલ્ડ યુવાનોને ભરતી કરવા માટે કંપનીઓ નજર દોડાવી રહી છે. જેના પરિણામે આઈટી કંપનીઓ વધુને વધુ ફ્રેશરને ભરતી કરે છે, જોકે કંપનીઓ સ્કીલ ધરાવતા ફ્રેશર ઉપર પસંદગીનો કળશ ઢોળે છે.
આંકડા મુજબ ગત વર્ષે આઇટી કંપનીઓમાં ૭૦% કર્મચારીઓ ભારતીય હતા. જ્યારે ૩૦ ટકા કર્મચારીઓ ભારત બહારના હતા. બીજી તરફ ચાલુ વર્ષે ૯૦ ટકા કર્મચારીઓ અને ૧૦ ટકા ભારત બહારના રહેશે.