ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળાના ધોમધખતા તાપમાં પાંદડા વગરના સુકા ઝાડ પર કે ઘરોની ટોચ ઉપર એકલો અટુલો હોલો ઘુ…ઘુ…ઘુ… કરતો સૌએ જોયો હશે. નાનપણમાં તો આપણને કબુતર અને હોલા વચ્ચેનો ફેર પણ માલુમ હતા. હાલમાં પણ શહેરમાં હોલા જોવા મળે છે પણ બોલતા બહુ ઓછા જોવા મળે છે. હોલો મુખ્યત્વે જોડમાં રહેનારૂ પક્ષી છે. લગભગ બધા વાતાવરણમાં એ રહી શકે છે તે બહુ ઉંચે ઉડી શકતુ નથી.
આપણા ગુજરાત સિવાય દેશના મોટાભાગમાં જોવા મળતું ઘરઆંગણાનું કપોત કુળનું પક્ષી છે. આપણા રાજયમાં તેની ચાર થી પાંચ જાતો જોવા મળે છે. રહેણાંક આસપાસ જોવા મળતા ગરદન પાછળ કાળો કાંઠલો હોય છે. તેની વિવિધ પ્રજાતિમાં ધોળ હોલો, હોલડી, લોટણ હોલો, તલિયો હોલો જેવી વિવિધ જાતો જોવા મળે છે. અંગ્રેજીમાં તેને યુરેશીયન કોલર્ડ ડવ કહેવાય છે. આપણે બાલમંદિરમાં ભણતા ત્યારે ડવ એટલે કબુતર શીખેલા મોટા ધોરણમાં પીજન કહેતા થયા પણ પછી ખબર પડી કે ડવ એટલે હોલો. હોલો કણભક્ષી-ઘાસનાં બી અને અનાજનાં દાણા વીણી તે જમીન પરથી ખોરાક મેળવે છે. મોટાભાગે નર-માદા સાથે ફરતા જોવા મળે છે. તે મોટાભાગે ખુલ્લી જગ્યા, મેદાનો, ખેતરો, વાડી, સીમમાં ફરતા જોવા મળે છે. માળાની બાંધણીમાં અન્ય પક્ષી કરતા બહુ નબળા જોવા મળે છે. નાના ગામડાની ભાગોળે તથા કયારેક આપણા આંગણામાં પણ ચણવા આવી ચડે છે. આપણા ગુજરાતમાં મુખ્યત્વે ચાર પ્રકારોમાં હોલો (યુરેશિયન કોર્લ્ડ ડવ), તલિયો હોલો (સ્પોટેડ ડવ), હોબી (લીટર બ્રાઉન ડવ), લોટણ હોલો (રેડ કોલર્ડ ડવ) જોવા મળે છે. આ ચારેય પ્રજાતિમાં રંગ, રૂપ, કદમાં ફેરફાર જોવા મળે છે.
હોલો પારેવાકુળનું ફેમીલી પક્ષી છે. આછા ભુરા અને ભુખરા રંગના પક્ષીની ગરદન ઉપર શંતરજના ચોકઠા જેવા કાળા નાના ટપકા દેખાય છે. તે ૨૦ થી ૨૩ સેમી લાંબો અને શરીરે નાજુક હોય છે. એ બોલે ત્યારે નાનુ બાળક હસતું હોય તેવું લાગવાથી તેને લાફિંગ ડવ કહેવાય છે. તે વધારે સૂકા પ્રદેશમાં અને ખાસ કરીને વન વિસ્તારમાં રહેવાનું પસંદ કરે છે. તેની ચાલ મતવાલી હોય જેમાં ડોકને આગળ-પાછળ કરીને ચાલે છે. બાજુમાંથી કોઈ પસાર થાય તો થોડે દૂર થઈ ફરી એજ જગ્યાએ ચણવા લાગે છે. ઘરના પીઢીયા કે ઉપસી આવેલા પાળ ઉપર પોતાનો માળો બાંધે છે. આજકાલ તો મકાનોની છત ઉપર પણ બાંધતા જોવા મળે છે. પાતળા સાઠીકડા વડે અસ્ત વ્યસ્ત માળામાં બે ઈંડા મુકે છે. માદા તેની પર બેસે ત્યારે ઈંડુ પડી જાયને બીજુ કોઈ શિકારી પક્ષી ખાય જાય છે. વર્ષે એકાદવાર બચ્ચા જન્મે છે. ૧૯૩૮માં કોલંબિયામાં હંગેરીના પ્રકૃતિવાદીએ તેનું નામકરણ કર્યું હતું. બે પ્રજાતિ બાદમાં શોધાય. પહેલીવાર તો તેને કોલરવાળુ કબુતર કહેતા હતા. તે તેનો એરિયો બહુ જવલ્લેજ છોડે છે, તે પ્રવાસી પક્ષી નથી. ખેતરોની આસપાસ તેનો મુખ્ય ખોરાક અનાજ આસાનીથી માની જાય છે. તેમનું ૧૦ થી ૫૦ ટોળું પણ જોવા મળે છે પરંતુ પક્ષીશાસ્ત્રીઓએ ૧૦ હજાર હોલાના ઝુંડ પણ જોયા છે.