રોબોટ શબ્દ આવ્યા ને શતક પૂરું થયું છે, પરંતુ રોબોટ નામથી ઓળખાયેલા આ સ્વચલિત યંત્ર ના મૂળિયાં ખૂબ ઊંડે સુધી છે
૨૫ જાન્યુઆરી, ૧૯૨૧. સીઝેક રિપબ્લિક નામના યુરોપીયન દેશ માં એક રોસામ્સ યુનિવર્સલ રોબોટ નામનું એક નાટ્ય પ્રદર્શન પ્રસ્તુત થયું. આ નાટક ના લેખક કેરલ કેપક એ સૌપ્રથમ રોબોટ એવો શબ્દ લોકો ના કાન માં ગુંજવ્યો. આ કાલ્પનિક કથા મનુષ્ય જેવા યંત્ર ના ઉત્પાદન તથા વિશ્વ સ્તરે તેના પ્રસરણ ને ચીતરતી હતી. નાટક માં રોસમ નામનું પાત્ર મનુષ્ય જેવા યંત્ર બનાવવા નું કારખાનું સ્થાપે છે. બીજો એક વૈજ્ઞાનિક આ માનવસામ્ય યંત્ર માં સંવેદના ફૂંકવા નો પ્રયત્ન કરે છે. અંત માં આજ યંત્રો મનુષ્ય પર નિયંત્રણ મેળવી ને પોતાનો હુકમ સ્થાપિત કરે છે. આ નાટક એટલું પ્રસિદ્ધ થયું હતું કે ટૂંક સમય માં જ તેના અલગ અલગ ભાષાંતરો દુનિયાભાર માં છવાઈ ગયા. પરંતુ જો આ સમુદ્ર માં છબછબિયાં ની જગ્યાએ ઊંડાણમાં એક ડૂબકી લગાવીએ તો માનવસામ્ય યંત્ર નો ખ્યાલ એ ફક્ત શતક જૂનો નથી.
જો યુરોપીયન માન્યતા મુજબ જઈએ તો ૨૫ જાન્યુઆરી એ આ આર.યુ.આર એટલે કે રોસમ્સ યુનિવર્સલ રોબોટ્સ ના ૧૦૦ વર્ષ પૂરા થયા. આ એક શતકની આધુનિક રોબોટ વિકાસ યાત્રા માં કેટલાય સ્ટેશન આવેલા છે. દર સ્ટેશન એ કોઈ ને કોઈ નવો ખ્યાલ આ માનવસામ્ય યંત્ર ને મઠારતો ગયો છે. ખરેખર રોસમ ની કલ્પના નો રોબોટ એ કોઈ નટ-બોલ્ટ ને જોડી ને ઊભી કરેલી રચના નહોતી. રોસમએ એક એવા માનવસામ્ય યંત્ર ની કલ્પના કરી હતી જે મનુષ્ય ના મજૂર તરીકે કામ કરે. પરંતુ આ જ મજૂરો અંત માં મનુષ્ય ને જ નિયંત્રિત કરી લે છે.
સમય ના ચક્ર સાથે આધુનિકતા ના પાંખિયા ચાલતા રહ્યા. એક એવા યંત્ર ની શરૂઆત થઈ કે જે મનુષ્ય ની જેમ કામ કરી શકે. શરૂઆત ખરેખર ફક્ત રોબોટિક હાથ બનાવવા થી થઈ હતી પરંતુ લક્ષ્ય હમેશાથી મનુષ્ય ની આબેહૂબ પ્રતિકૃતિ બનાવવાનું રહ્યું છે. હવે આને લાલસા કહો કે ધૂન, માનવ ને પોતાની જેમ વિચારી, સમજી અને અનુભવી શકે એવી મુર્તિ ઊભી કરવી છે. આ લક્ષ્ય ની પર્વતમાળા ની ઘણી ટોંચ આપણે પાર પણ કરી ચૂક્યા છીએ.
વર્ષ ૨૦૧૯ માં ૩૭૩,૦૦૦ નવા ઔદ્યોગિક રોબોટ્સ નો ઉપયોગ થયો હતો. આ ઔદ્યોગિક રોબોટ્સ એક વિશાળ કારખાના ને સ્વચલિત કરી શકે એ કક્ષા ના હોય છે. આ આંકડા ૨૦૧૪ કરતાં ૧૧ પ્રતિશતનો વધારો નોંધાવે છે. આ સાથે આજે વિશ્વભર માં ૨.૭ મિલિયન ઔદ્યોગિક રોબોટ્સ કાર્યરત છે. ૧૯૬૧ માં જનરલ મોટર્સ એ કરેલ શરૂઆત આજે લાખો રોબોટ્સ સુધી પહોંચી છે. જનરલ મોટર્સ એ સૌપ્રથમ પોતાના કારખાના માં વેલ્ડિંગ, પેંટિંગ તથા એસમ્બ્લી માં રોબોટ્સ ને સમાવ્યા હતા. તેમનો આ ઔદ્યોગિક રોબોટ એક યંત્ર માત્ર હતો જે કોઈ પણ પ્રકાર ની ચપળતા માટે સક્ષમ નહોતો. ખરેખર જો રોબોટ શબ્દ ને મૂળ થી સમજીએ તો એ એક સીઝેક ભાષાનો શબ્દ છે જે વેઠિયા મજૂર એવા અર્થ ને અનુલક્ષે છે. પરંતુ કલ્પનાપોથી નો આ ખ્યાલ વખત જતાં મનુષ્ય મહત્વાકાંક્ષા ના નવા પ્રકરણો માં ક્યાંક ખોવાઈ જ ગયો. જો મનુષ્ય ની અને રોબોટ ની બુદ્ધિ ને સરખાવતો એક ગ્રાફ બનાવીએ તો એક સમય એવો આવશે કે બંને ગ્રાફ ની રેખાઓ એક જ બિંદુ પર ભેગી થશે. એટલે કે મનુષ્ય અને રોબોટ ની બૌદ્ધિક ક્ષમતા એક સરખી થઈ જશે.
અત્યારે આપણી પાસે સોફિયા, ટોયોટા ટોક્યો ૨૦૨૦, લોવોટ, પારો થેરોપેટીક રોબોટ, આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ થી પ્રેરિત ઔદ્યોગિક રોબોટ્સ તથા બીજા ઘણા પ્રકારના અત્યાધુનિક રોબોટ્સ છે. જે શિક્ષણ, તબીબી, ઉત્પાદન તથા વ્યક્તિગત ઉપયોગ માં પણ વપરાય છે. રોબોટ્સ આજે તમારા મિત્ર તથા તમારા સહાયક તરીકે પણ હોઈ શકે છે. કોરોના કાળ માં અમુક દેશો માં રોબોટ્સને માલસામાન ની હેરફેર તથા રેસ્ટોરાં માં ગ્રાહકો ને આવકારવાના કામે પણ લગાડ્યા હતા.
ભૂત વાહનયંત્ર – શું રોબોટ ભારત માં બન્યા હતા?
રોબોટ શબ્દ આવ્યા ને શતક પૂરું થયું છે, પરંતુ રોબોટ નામથી ઓળખાયેલા આ સ્વચલિત યંત્ર ના મૂળિયાં ખૂબ ઊંડે સુધી છે. લગભગ ૨૫૦૦ વર્ષ પહેલા ગ્રીક ધાર્મિકશાસ્ત્ર માં સ્વચલિત ચાલતા યંત્ર નો ઉલ્લેખ છે. લગભગ ત્રીજી શતાબ્દી બી.સી(Before Christ) માં ઇજિપ્ત માં એક સંપૂર્ણ સ્વચલિત યંત્ર બનાવવા માં આવ્યું હતું. આ મશીન રોબોટ ના ખ્યાલ સાથે એકદમ સુસંગત રીતે મળી આવે છે. ૧૯૨૧ ની કાલ્પનિક કથાઓ માં બતાવવામાં આવેલ યંત્ર ગ્રીક ધર્મશાસ્ત્ર માટે કઈ નવું નથી.
આવો જ એક ઉલ્લેખ ચીની વાર્તાઓ માં છે. પ્રાચીન ચીની રાજાઓ ની વાર્તા માં હુએઙ્ગ યુએઇંગ નામની એક યુવતી દ્વારા શોધાયેલ માનવસર્જિત નોકર નો ઉલ્લેખ છે. આ માનવસર્જિત યંત્ર રોબોટ ના વ્યક્તિગત ઉપયોગ ની ઝાંખી કરાવે છે.
લાખો વર્ષ જૂની આપણી સંસ્કૃતિ ની વાત કરીએ તો એક ખૂબ જ રસપ્રદ ઉદાહરણ મગધ ના સમ્રાટ અજાતશત્રુ ના શાસનકાળ માં મળી આવે છે. ભગવાન બુદ્ધ ના નિર્વાણ બાદ પાટલીપુત્ર(હાલનુ પટના) માં તેમના અવશેષો અજાતશત્રુ દ્વારા એક ભૂગર્ભ માં રાખવામા આવ્યા હતા. આ જગ્યાએ તેમના અવશેષો ને સાચવતા ચાર લડવૈયાઓ ની મુર્તિ જોવા મળે છે. ખરેખર આ મૂર્તિઓની જેમ અજાતશત્રુ દ્વારા બનાવડાવવામાં આવેલ સ્વચલિત યંત્રોએ બુદ્ધ ભગવાન ના અવશેષો સાચવ્યા હતા! આ યંત્રો ભૂત વાહનયંત્ર તરીકે ઓળખવામાં આવતા.
કેટલાક હિન્દુ અને બુદ્ધ લેખ માં સ્વચલિત યોદ્ધાઓ નું વર્ણન છે. એવું કહેવાય છે કે અજાતશત્રુ એક વિશિષ્ઠ રથ ધરાવતા હતા. આ રથ માં એક સ્વચાલિત ધારદાર બ્લેડ હતી જે રથ ના ફરવાના સાથે જ ચાલતી. આ રથ યુદ્ધ માટે ની સ્વચલિત પ્રણાલી નું એક ઉત્કૃષ્ઠ ઉદાહરણ છે. આ પ્રાચીન રોબોટનો સમ્રાટ અશોક સાથે પણ સંકળાયેલ એક અહેવાલ છે. આ મુજબ સમ્રાટ અશોકે ભૂગર્ભ માં દટાયેલ અવશેષો ને શોધવા ખાસ્સો એવો પ્રયત્ન કર્યો હતો. આ અવશેષો ત્યાર ના બનાવાયેલ પ્રાચીન રોબોટ્સ દ્વારા સુરક્ષિત કરાયા હતા. વિશાળ કદના આ કાળ ને હરાવવા દેવ વિશ્વકર્મા એ સમ્રાટ અશોક ની મદદ કરી હતી. જો સમય ની આ ફૂટપટ્ટી માં પાછળ જઈએ તો રામાયણ ના સમય માં રાવણ દ્વારા વપરાયેલ પુષ્પક વિમાન નું પણ વર્ણન છે. જો રામાયણ સમય ના આ પુષ્પક વિમાન ની વાત સાચી હોય તો ઉપર દર્શાવાયેલ ઘટનાઓ પણ સત્ય હોવાની મજબૂત શક્યતાઓ છે. જો પ્રાચીન ભારત વિવિધ ક્ષેત્રે અગ્રણી હતું તો રોબોટિક્સ માં પણ તે અગ્રણી હોય જ શકે.
રોબોટ અથવા તેને સુસંગત સ્વચલિત યંત્રો મુખ્યત્વે ગ્રીક અને રોમન ઇતિહાસ માં જનમ્યા હોય એવું મનાય છે. પરંતુ જો હિન્દુ ધર્મ ના વેદ, પુરાણો અથવા પુસ્તકો નું અધ્યયન કરીએ તો આ જ યંત્રો ગ્રીક અને રોમન ના અસ્તિત્વ ના પણ હજારો વર્ષ પહેલા તેનું આલેખન કરે છે. જ્ઞાન ના અખૂટ સ્ત્રોત અને સમુદ્ર સમાન પ્રાચીન પુસ્તકો તથા લેખો આધુનિક સમય ની ઘણી તકનીકો ને ત્યાર ની પરિસ્થિતી મુજબ દર્શાવે છે. ભલે પ્રાચીન સમય ઔદ્યોગિક ક્ષેત્રે એટલુ વિકસિત નહોતું. પરંતુ અત્યારે અતિવિક્સિત કારખાનાઓ માં બનતા ધાતુ પેદાશો પ્રાચીન સમય ની મિશ્રધાતુઓ સામે નબળી પ્રમાણિત થાય છે. સમ્રાટ અશોક દ્વારા બનાવાયેલ ધાતુ સ્તંભ આનું એક જીવંત ઉદાહરણ છે.
ટેક્નોલોજી ના વિકાસ માટે આપણે હમેશા ધર્મ ને પાછળ ધકેલી દેતા હોઈએ છીએ. ધર્મગ્રંથો ફક્ત પુજા અને ભક્તિ ના સંદર્ભ માં આલેખાય છે. જો આ જ ગ્રંથોનો ઊંડાણ માં અભ્યાસ કરીએ તો ટેક્નોલોજી ના કેટલાય પાસા કદાચ અત્યાર કરતાં પણ વધુ ઉત્કૃષ્ઠ ઢબ માં મળી આવશે.
તથ્ય કોર્નર
- પ્રાચીન સમયમાં રોબોટ બનાવનાર ને પોતાના અભ્યાસ ખાનગી રાખવા નો આદેશ હતો. આ આદેશ ના ઉલ્લંઘન કરનાર ને મૃત્યુ દંડ આપવા માં આવતું.
- પ્રાચીન ભારત માં રોબોટ નો ખ્યાલ રોમન – વિષયા એટલે કે રોમન પ્રદેશમાંથી આવ્યો હોવાનું મનાય છે.
- ૨૦૧૬ માં હેનસન રોબોટિક્સ દ્વારા બનાવાયેલ રોબોટ સોફિયા એ વિશ્વ ની સૌથી ચપળ રોબોટ છે.
- વર્ષ ૧૯૨૭ માં બનેલ હેરબેર્ટ ટેલેવોક્સ નામના રોબોટ ને વિશ્વ નો સૌપ્રથમ માનવસામ્ય(humanoid) રોબોટ કહેવાય છે પરંતુ માનવસામ્ય રોબોટ હજારો વર્ષ પહેલા પ્રાચીન સમય માં બની ચૂકેલા હતા!