અલકાયદાનો ચીફ અયમાન અલ જવાહિરીનો એક નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો અમેરિકામાં 9/11 હુમલાની 20મી વરસીએ સોશિયલ મીડિયામાં નજરે પડ્યો છે. ગત વર્ષે ડિસેમ્બરમાં જવાહિરીના મોતના સમાચાર સામે આવ્યા હતા. ત્યારે કહેવામાં આવતું હતું કે તે ઘણો જ બીમાર હતો અને આ બીમારીએ જ તેનો ભોગ લીધો છે.
જેહાદી ગ્રુપની ઓનલાઈન એક્ટિવિટીઝ પર નજર રાખનાર અમેરિકી સંગઠન સાઈટ (SITE) ઈન્ટેલિજન્સ ગ્રુપે જવાહિરીના એક નવા વીડિયો અંગેની જાણકારી આપી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જવાહિરીએ પોતાના વીડિયોમાં અનેક મુદ્દે વાત કરી છે. સાઈટના ડાયરેક્ટર રીટા કૈઝએ સોશિયલ મીડિયા પર કહ્યું- જવાહિરીના મોત અંગે અનેક સમાચારો સાંભળ્યા હતા. તેઓ 60 મિનિટના એક વીડિયોમાં નજરે પડ્યો છે. હવે અમારી પાસે પુરાવા છે કે જે જીવતો છે.
રીટાના જણાવ્યા મુજબ, 1લી જાન્યુઆરીએ સીરિયામાં રશિયન મિલિટ્રી બેઝ પર હુમલો કરાયો હતો. જવાહિરીએ નવા વીડિયોમાં જણાવ્યું કે આ હુમલા અલકાયદાના જ એક સહયોગી સંગઠન હુરાસ અલ દીએ કર્યો હતો. આ વીડિયો ક્લિપની શરૂઆતમાં જવાહિરીની રક્ષાનું આહ્વાન કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે તેમાં તાલિબાનની પણ કેટલીક ક્લિપ્સ છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનની જીતને અલકાયદાની જ જીત ગણાવવામાં આવી છે.
હજુ કેટલાંક વીડિયો જાહેર થશે ?
અલકાયદાના મીડિયા વિંગે કહ્યું કે તેઓ ટૂંક સમયમાં જ હજુ કેટલાંક વધુ વીડિયો અને પુસ્તકો જાહેર કરશે. જેમાંથી એક પુસ્તક અલ જવાહિરીએ લખી હશે. આતંકવાદી ઘટનાઓ પર નજર રાખનારા પશ્ચિમી વિશેષજ્ઞોનું માનવું છે કે તાલિબાન અને અલકાયદા વચ્ચે સારા અને ઘનિષ્ઠ સંબંધો છે. અલકાયદા આ અંગે પહેલાં પણ પોતાના નિવેદનોમાં કહી ચુક્યું છે. ઓસામા બિન લાદેનના મોત પછી જવાહિરીને અલકાયદાની કમાન સોંપવામાં આવી હતી. જો કે 2001 પછી અમેરિકાએ આ આતંકી સંગઠનની કમર તોડી નાખી હતી.