શાહુકારને એક આંખ, ચોરને સો આંખ

એક જ કુટુંબ પાસે બે-બે રેશનકાર્ડ : તાત્કાલિક તપાસના આદેશ છૂટ્યા

ભાવનગર ડુપ્લીકેટ રેશનકાર્ડ કૌભાંડની હાઇકોર્ટે ગંભીર નોંધ લીધી છે. હાઇકોર્ટે આ મુદ્દે ભાવનગર કલેક્ટર, એસપી, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ અને રાજ્ય સરકારને નોટિસ ફટકારી છે. અરજદારની ફરિયાદ છે કે એક નામ પર એકથી વધુ રેશનકાર્ડ બનાવી ગેરકાયદે સરકારી લાભ લેવાયો છે. આ સાથે અરજદારે સરકાર અને જનતા સાથે છેતરપિંડી થઈ રહી હોવાની અરજીમાં રજૂઆત કરી છે. અરજદારે આ કૌભાંડમાં અનેક વિક્રેતાઓ તથા સરકારી અધિકારીઓ સંડોવાયેલા હોવાનો પણ આક્ષેપ કર્યો છે. મહત્વપૂર્ણ છે કે આગામી દિવસોમાં આ કેસમાં વધુ સુનાવણી હાથ ધરાશે.

હાઈકોર્ટમાં દસ્તાવેજી પુરાવા સાથે જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. જેમા અરજદારે આક્ષેપ કર્યો કે ભાવનગરમાં એક જ કુટુંબના નામે બે રેશનકાર્ડ બનાવી કૌભાંડ ચાલી રહ્યુ છે. એક વ્યક્તિના બે રાશનકાર્ડ અને મૃતક વ્યક્તિના નામે પણ ડુપ્લીકેટ રાશનકાર્ડ બનાવી કૌભાંડ આચરાયુ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. એટલુ જ નહીં આ રાશનાકાર્ડ કૌભાંડમાં સરકારી અધિકારીઓની સંડોવણીનો પણ આક્ષેપ અરજદારે કર્યો છે. વ્યક્તિ સાથે વિક્રેતા અને દુકાન માલિકોની પણ કૌભાંડમાં સંડોવણી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાત હાઇકોર્ટમાં જનકલ્યાણ જનસેવા મંડળના ગુજરાત પ્રમુખ પુરીબેન પાટડીયા દ્વારા એડવોકેટ પ્રશાંત ચાવડા મારફતે જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે, રાજ્યના ભાવનગર જિલ્લામાં રેશનકાર્ડ કૌભાંડ દ્વારા છેતરપિંડી કરવામાં આવી રહી છે. આ કૌભાંડ એ પ્રકારનું છે કે, જેમાં એક જ વ્યક્તિ કુટુંબના નામે બે રેશનકાર્ડ બનાવીને સરકારી નીતિઓનો ગેરલાભ ઉઠાવી સરકાર અને સામાન્ય જનતા સાથે છેતરપિંડી થઇ રહી હતી. આ કૌભાંડમાં આવી વ્યક્તિઓ સાથે વિક્રેતાઓ, દુકાનના માલિકો અને સરકારી અધિકારીઓ પણ સંડોવાયેલા હોવાનું પણ જણાઇ આવ્યું હતું.

વધુમાં કૌભાંડમાં ડુપ્લિકેટ રેશનકાર્ડ બનાવવા, એક જ વ્યક્તિના બે રાશનકાર્ડ બનાવવા, અસ્તિત્વમાં ન હોય તેવી વ્યક્તિઓને રાશનકાર્ડ આપવા, કુટુંબના સભ્યો ન હોય તેવા નામોનો રેશનકાર્ડમાં ઉમેરો કરવો અને સરકારી દસ્તાવેજો બનાવટી બનાવવાનો ઘટસ્ફોટ થયો હતો. સરકારી રાશનની દુકાનોના વેચાણકર્તાઓ દ્વારા વ્યાપક ભ્રષ્ટાચાર થયાની માહિતી પ્રાપ્ત થયેલ હતી. જે બાબતના દસ્તાવેજી પુરાવા સાથે હાલની પીઆઈએલ દાખલ કરવામાં આવેલ હતી. પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સ્કીમ (પીડીએસ) હેઠળ ગરીબો માટેના અનાજને રાશનની દુકાનના માલિકો અનાજના જથ્થાનો ખોટો સંગ્રહ કરીને ખુલ્લા બજાર તરફ વાળવામાં આવી રહ્યું છે.

જેની સુનાવણી ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ એ.જે.દેસાઈની કોર્ટદ્વાર એડવોકેટે પ્રશાંત ચાવડાની દલીલો અને પુરાવાને ધ્યાને લઇને ભાવનગર કલેક્ટર અને એસ.પી. ઉપરાંત ડાયરેક્ટોરેટ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ, નાગરિક પુરવઠા વિભાગ ભાવનગર અને સરકારને નોટિસ ઇસ્યુ કરીને આ બાબતે પોતાનો જવાબ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રજુ કરવા જણાવેલ છે. ઉલ્લેખનીય છે કે, આ કૌભાંડ બાબતે ભાવનગર કલેકટર – એસ.પી.ને પણ ભૂતકાળમાં રજૂઆત કરવામાં આવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.