- સ્ટેટ મોનીટરીંગ સેલે રૂ. 68.64 લાખના મુદ્દામાલ સાથે નવ આરોપીઓની ધરપકડ કરી
- સ્ટેટ મોનીટરીંગ સેલે ફરી એકવાર રાજકોટ જિલ્લામાં ધામા નાખ્યા છે. એસએમસીએ રાજકોટ જિલ્લાના ગોંડલ અને કાગવડમાં એક જ દિવસે અલગ અલગ બે દરોડા પાડીને 32 હજાર લિટર શંકાસ્પદ ડીઝલના જથ્થા સહીત કુલ રૂ. 68.64 લાખના મુદ્દામાલ સાથે 9 આરોપીઓની ધરપકડ કરી છે.
સ્ટેટ મોનીટરીંગ સેલે જાહેર કરેલી વિગતો અનુસાર એસએમસીની ટીમને મળેલી બાતમી અનુસાર જેતપુરના કાગવડ ચાર રસ્તા નજીક ધ ગ્રાન્ડ ખોડલ હોટેલ અને જય વચ્છરાજ હોટેલની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં મોટાપાએ શંકાસ્પદ ડીઝલનો સંગ્રહ કરીને વેચાણ કરાઈ રહ્યું હતું. જે બાદ એસએમસીના પીએસઆઈ એ વી પટેલની ટીમે દરોડો પાડતા બાતમીવાળી જગ્યાએથી શંકાસ્પદ 25,170 લિટર ડીઝલનો રૂ. 18,12,240નો જથ્થો ઝડપાયો હતો. એસએમસીએ 6 મોબાઈલ, 2 ટ્રક અને 2 કાર, રૂ. 5,45,710ની રોકડ રકમ, સ્ટોરેજ સ્ટીલ ટેન્ક, 4 ડીસ્પેન્સર મશીન, બે જનરેટર સહીત કુલ 52,07,950નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. એસએમસીએ દરોડો પાડીને ડીઝલનો કાળો કારોબાર કરનાર મુખ્ય સૂત્રધાર ગિરીશ હસમુખભાઈ ઠાકર રહે ગોંડલ, મૌલીક હસમુખભાઈ વ્યાસ રહે કુવાડવા રોડ, રાજકોટ, પ્રકાશ હરેશભાઇ ભેડા રહે કાગવડ, જેતપુર, ચંદન દિલીપભાઈ પાડલીયા રહે ગોંડલ, સબીર યુસુફભાઇ ઘડા(સુમરા) રહે કોઠારીયા, રાજકોટ અને આદમ સુમારભાઈ દોઢીયા(સુમરા) રહે જેતપુરવાળા એમ કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે. જયારે શંકાસ્પદ ડીઝલનો જથ્થો પૂરો પાડનાર રાજકોટનો રહેવાસી કમલેશ ગણાત્રા, હસમુખ ઉર્ફે ભાણો ભુદરભાઈ વ્યાસ રહે. કુવાડવા રોડ , રાજકોટ(ભાગીદાર) અને અન્ય એક ભાગીદાર સોયેબ ઉર્ફે અચૂ સલીમભાઇ સોલંકી રહે જૂનાગઢ વાળાને ફરાર જાહેર કરવામાં આવ્યા છે. આ દરોડામાં શંકાસ્પદ ડીઝલનો જથ્થો પૂરો પાડનાર કમલેશ ગણાત્રાએ વધુ એક સ્થળે જથ્થો આપ્યાનો ખુલાસો થતાં ગોંડલના જામવાડી પાસે આવેલ કનૈયા હોટેલની પાછળની ભાગે દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી પીએસઆઈ આઈ એસ રબારીની ટીમે 7 હજાર લિટર શંકાસ્પદ ડીઝલનો રૂ. 5,08,000નો જથ્થો ઝડપી પાડ્યો હતો. જે દરોડામાં એસએમસીએ 19,370ની રોકડ સાથે 3 મોબાઇલ, 2 ટેન્કર, એક જયુપીટર સ્કૂટર, એક ટેન્કર, બે સ્ટીલ ટેન્ક, ત્રણ ડીસ્પેન્સર મશીન સહીત કુલ રૂ. 16,56,470નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
મામલામાં એસએમસીએ ડીઝલનો પંપ ધરાવનાર ભરત ભુદરજી બકરાણીયા રહે ગોંડલ, સાવન રજનીકાંત સુરેજા રહે ગોંડલ અને અકીલ સત્તાર બિલખિયા રહે અમરેલીવાળાને ઝડપી લીધા છે. તેમજ જથ્થો મોકલનાર કમલેશ ગણાત્રા, અન્ય સપ્લાયર મોહંમદ તુફેલને ભાગેડું જાહેર કરાયા છે.
બંને સ્થળે શંકાસ્પદ ડીઝલની સપ્લાય કરનાર કમલેશ ગણાત્રા ફરાર
એસએમસીએ એક જ દિવસમાં બે સ્થળો પર રેઇડ કરીને 32 હજાર લિટર શંકાસ્પદ ડીઝલનો જથ્થો ઝડપી પાડ્યો છે અને સાથોસાથ નવ જેટલાં આરોપીઓની ધરપકડ કરાઈ છે. હવે આ બંને સ્થળો પર શંકાસ્પદ ડીઝલનો જથ્થો મોકલનાર રાજકોટનો કમલેશ ગણાત્રા હોવાનું ખુલવા પામ્યું છે. હાલ કમલેશ ગણાત્રા ભૂગર્ભમાં ઉતરી ગયો છે.