દિવાળીના તહેવાર દરમિયાન રો-રો ફેરી બંધ થતા લોકોમાં ભારે નિરાશા: ૩૪૦ કિ.મી.નું અંતર હવે ફરી રોડ માર્ગે કાપવું પડશે
ઘોઘા-દહેજ વચ્ચે ચાલતી રો રો ફેરી સર્વીસને આજથી અનિશ્ર્ચિતકાળ માટે બંધ રાખવા માટે નિર્ણય લેવાયો છે. દિવાળીના તહેવારો નજીક છે ત્યારે ઘોઘા દહેજ રો રો ફેરી સર્વિસ બંધ થતા સુરત જતા પ્રવાસીઓ અને વાહન માલિકોને ફરજીયાત રોડ માર્ગે જ જવું પડશે ઉલ્લેખનીય છે કે રોડ માર્ગે ઘોઘાથી દહેજનું અંતર ૩૬૦ કિ.મી. છે. જયારે દરિયાઈ માર્ગે આ આંતર ઓછુ થાય છે. અને લગભગ દોઢથી બે કલાક દહેજ પહોચાડે છે.
મળતી માહિતી મુજબ ઘોઘા દહેજ વચ્ચે ચાલતી ઈન્ડીગો કંપનીની રો રો ફેરી સર્વિસને આજથી અચોકકસ સમય માટે બંધ કરવામાં આવી છે. દહેજ ખાતે અપરોચ ચેનલ અને પોર્ટ એરિયામાં પાણીનું ઉંડાણ ન મળવાથી ફેરી સર્વિસ ચાલી શકે તેમ નહોવાથી આ નિર્ણય લેવાયો છે. હાલમાં નર્મદાના સતત પૂરના કારણે પાણીની ઉંડાઈ આકસ્મિક કાંપના ભરાવાને કારણે એક મીટર સુધી ઘટી ગઈ છે. તેના કારણે ઘોઘા દહેજ ફેરી સર્વિસ ચાલુ રાખવી સલામત ન હોઈ તે સેવા કામ ચલાઉ ધોરણે બંધ કરવામાં આવી છે.તેવું આધારભૂત સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ૨૦૧૭માં શરૂ થયેલી આ રોરો ફેરી ને વડાપ્રધાન નરેન્દ મોદીએ એશિયાઈ ક્ષેત્રની સૌથી અનોખી યોજના ગણાવી હતી. યોજના અંતર્ગત ભાવનગરથી ભરૂચની દૂરી ૩૬૦ કિલોમીટરથી ઘટીને માત્ર ૩૧ કી.મી. થઈ ગઈ હતી ૬૧૫ કરોડ રૂપીયાની આ યોજનાને વડાપ્રધાનની મહત્વકાંક્ષી યોજનાઓમાંની એક માનવામાં આવી રહી હતી. જોકે તહેવાર સમયે રો રો ફેરી અનિશ્ર્ચિત સમય માટે બંધ થતા લોકો નિરાશ થઈ ગયા છે.