ભારતીય શેરબજારમાં આજે તેજીના ઘોડાપુર આવ્યા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. આજે સેન્સેકસ અને નિફટીએ નવી સર્વોચ્ચ સપાટી હાસલ કરતા રોકાણકારોમાં હરખની હેલી વ્યાપી જવા પામી હતી. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં પણ મજબૂતાઈ જોવા મળી હતી. બીજી તરફ બુલીયન બજારમાં પણ તેજીનો માહોલ રહેવા પામ્યો હતો. સવારથી શરૂ થયેલી તેજી દિવસભર જળવાઈ રહેતા આગામી દિવસોમાં પણ બજારનો તેજી તરફ રૂખ રહે તેવું માનવામાં આવી રહ્યું છે.
આજે ઉઘડતી બજારે મુંબઈ શેરબજારના બન્ને આગેવાન ઈન્ડેક્ષો ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા. રોકાણકારોએ વિશ્ર્વાસ સાથે ખરીદીનો દોર શરૂ રાખતા આજે સેન્સેકસ અને નિફટીએ સર્વોચ્ચ સપાટી હાસલ કરી હતી. આજે સેન્સેકસ 53253.20 અને નિફટી 15951.25ની સપાટીએ પહોંચી પરત ફર્યો હતો. એક તબક્કે એવું લાગતું હતું કે, નિફટી આજે 16000ની સપાટી ઓળંગશે પરંતુ આવું શક્ય બન્યું ન હતું. જો કે, બજારમાં દિવસ દરમિયાન સતત તેજી જોવા મળતા રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
બુલીયન બજારમાં પણ આજે તેજીનો રૂખ રહ્યો હતો. આજની તેજીમાં એચ.સી.એલ ટેક, લાર્સન ટેક મહિન્દ્રા, હિન્દાલ્કો જેવી કંપનીના શેરના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે તેજીમાં પણ ઓએનજીસી, આઈસ્ર મોટર કોલ ઈન્ડિયા અને ભારતી એરટેલના ભાવમાં ઘટાડો રહ્યો હતો. બુલીયન બજારમાં સોના અને ચાંદીના કામમાં ઉછાળો જોવા મળ્યો હતો. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં 5 પૈસાની મજબૂતાઈ રહેવા પામી હતી.
આ લખાય છે ત્યારે સેન્સેકસ 337 પોઈન્ટના ઉછાળા સાથે 53441 અને નિફટી 93 પોઈન્ટના ઉછાળા સાથે 15951 પર ટ્રેડ કરી રહ્યાં છે. જ્યારે રૂપિયો ડોલર સામે 5 પૈસાની મજબૂતાઈ સાથે 71.73 પર કામકાજ કરી રહ્યો છે.