યાત્રાધામ પાવાગઢ ખાતે આજ રોજ રવિવારે મહાકાળી માતાજીના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. યાત્રાધામ પાવાગઢની તળેટીમાં આવેલ ચાંપાનેરથી લઇ ડુંગર પર માતાજીના મંદિર સુધી માનવ કીડિયારું ઊભરાયેલું જોવા મળ્યું હતું. જેમાં રવિવારે વહેલી સવારથી જ માઇભક્તોએ મહાકાળી માતાજીના ચરણોમાં શિશ ઝૂકાવી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને 500 વર્ષ બાદ મહાકાળી માતાજીના મંદિરના શિખર પર લહેરાતી ધજા ને જોઈને મહાકાળી માતાજીના ભક્તો ખુશ થઈ ધન્ય થયા હતા. સાથે સાથે યાત્રાધામ પાવાગઢનો અદભૂત નજારો સામે આવ્યો હતો. રાત્રે લાઈટ અને કુદરતી ધૂમમ્સ ભેગા થતા મનમોહક દ્રશ્યો સર્જાયા હતા. જાણે પાવાગઢ હિલ સ્ટેશનમાં પરિવર્તિત થઈ ગયું હતું.

યાત્રાધામ પાવાગઢ ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે 500 વર્ષના બાદ મહાકાળી માતાજીના અતિ ભવ્ય અને વિશાળ મંદિર પરના શિખર પર ઐતિહાસિક ધ્વજારોહણ કરવામાં આવતા ગુજરાત રાજ્ય સહિત આંતરરાજ્યના કરોડો માઇભક્તોમાં ખુશહાલી વ્યાપી જવા પામી હતી. શનિવારે મોડી રાતથી જ યાત્રાધામ પાવાગઢ ખાતે યાત્રિકોના ઘસારો જોવા મળ્યો હતો. રવિવારે વહેલી સવારે મહાકાળી માતાજીના મંદિરના નિજ દ્વાર ખુલતાની સાથે જ મહાકાળી માતાજીના મંદિરના પરિસર સહિત સમગ્ર ડુંગર પર માતાજીના ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું.જ્યારે પોલિસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.